ફિલાડેલ્ફિયા : યુ.એસ.ના પેન્સિલવેનિયા રાજ્યનું દેશમાં પાંચમા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 39° 57´ ઉ. અ. અને 75° 09´ પ. રે. રાજ્યના અગ્નિભાગમાં દેલાવર નદીના પશ્ચિમ કાંઠા પર તે વસેલું છે. દેલાવર ઉપસાગરને મળતી દેલાવર નદીના મુખથી ઉત્તર તરફ 160 કિમી. અંતરે તે આવેલું છે. દેલાવર નદી, શહેરની પૂર્વ તથા દક્ષિણ તરફ વહે છે, તે ન્યૂ જર્સી રાજ્યને આ શહેરથી ભૌગોલિક દૃષ્ટિએ અલગ પાડે છે. તેની શાખાનદી શ્યુઅલકિલ શહેરની મધ્યમાંથી પસાર થાય છે અને દક્ષિણ છેડે દેલાવરને મળે છે. આ બે નદીઓ વચ્ચેનો શહેરી વિસ્તાર ‘મધ્ય શહેર’ તરીકે ઓળખાય છે. શહેરના મુખ્ય નિવાસી વિસ્તારો આ મધ્ય શહેર વિભાગની ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ તરફ આવેલા છે; ઉત્તર તરફનો વિભાગ વાયવ્ય ફિલાડેલ્ફિયા તથા ઈશાન ફિલાડેલ્ફિયા – એવા બે વિભાગોમાં વહેંચાયેલો છે. 23 ચોકિમી.ના આંતરિક જળવિસ્તાર સહિત તેનું કુલ ક્ષેત્રફળ 375 ચોકિમી. જેટલું છે. ફિલાડેલ્ફિયા શહેરનો ફિલાડેલ્ફિયા પરગણામાં સમાવેશ થાય છે અને બંનેની સરહદો પણ એક જ છે, તેથી તે શહેર અને પરગણા બંનેનો દરજ્જો ભોગવે છે. ‘શહેર’ અને ‘ભાઈચારાથી ઉદભવતો પ્રેમ’ એવા અર્થવાળા બે ગ્રીક શબ્દો પરથી તેનું નામ ફિલાડેલ્ફિયા પડેલું છે. આ મહાનગરની વસ્તી 2020 મુજબ 62,54,051 જેટલી છે. જ્યારે શહેરની વસ્તી 16,03,797 છે.

આબોહવા : અહીં જુલાઈ અને જાન્યુઆરીનું સરેરાશ દૈનિક તાપમાન અનુક્રમે 19° સે. અને –4° સે. જેટલું રહે છે, જ્યારે સરેરાશ વાર્ષિક વરસાદ 1170 મિમી. જેટલો પડે છે.

જોવાલાયક સ્થળો : સમગ્ર યુ.એસ.માં જાણીતો બનેલો વિશાળ ‘સિટી હૉલ’ આ શહેરની મધ્યમાં આવેલો છે. તે લગભગ 2 હેક્ટર વિસ્તારમાં પથરાયેલો છે. હૉલના આગળના ભાગમાં આવેલી ગ્રૅનાઇટ અને આરસથી બનેલી તેની ઇમારત ઊંચા ટાવરવાળી છે, તેના મથાળે આ શહેરના જન્મદાતા વિલિયમ પેનનું કાંસાનું બાવલું ગોઠવેલું છે. આ બાવલું 11 મીટર ઊંચાઈવાળું અને 24,278 કિગ્રા. વજનનું છે. ભોંયતળિયાથી બાવલાના મથાળા સુધીની ઊંચાઈ લગભગ 167 મીટર જેટલી છે. ઇમારત પર ગોઠવેલું આ શિલ્પ દુનિયાભરમાં મોટામાં મોટું ગણાય છે.

ઇન્ડિપેન્ડન્સ હૉલ, ફિલાડેલ્ફિયા

ઐતિહાસિક દૃષ્ટિએ જાણીતો અને મહત્વનો ગણાતો શહેરનો વિસ્તાર અહીંના બજારથી પૂર્વ તરફ આવેલો છે. તેના મધ્ય સ્થળમાં 9 હેક્ટરમાં પથરાયેલો ‘ઇન્ડિપેન્ડન્સ નૅશનલ હિસ્ટોરિક પાર્ક’ આવેલો છે, જેમાં ‘ઇન્ડિપેન્ડન્સ હૉલ’નો પણ સમાવેશ થઈ જાય છે. ચેસ્ટનટ શેરીમાં આવેલી લાલ ઈંટથી બનાવેલી આ સુંદર ઇમારતમાં એક ઓરડો છે, જેમાં યુ.એસ.ની સ્વતંત્રતા તથા બંધારણની જાહેરાત કરવામાં આવેલી. આ સ્વાતંત્ર્ય-ખંડની નજીકમાં ચોતરફથી આરક્ષિત સ્વાતંત્ર્ય-ઘંટ પણ છે. 1776માં તેને વગાડીને રાષ્ટ્રની સ્વતંત્રતાની જાહેરાત કરવામાં આવેલી. આમ તે યુ.એસ.ની સ્વાતંત્ર્ય-લડતનું કેન્દ્ર રહેલું. અહીં નજીકમાં જ 1774માં જ્યાં પહેલવહેલી કૉન્ટિનેન્ટલ કૉંગ્રેસ મળેલી તે ‘કારેપન્ટર્સ હૉલ’ તથા 1790થી 1800ના ગાળાની કાર્યરત રાષ્ટ્રીય કૉંગ્રેસનો ‘કૉંગ્રેસ હૉલ’ પણ છે. વળી અહીંની આર્ક શેરી (arch street) અને રેસ શેરી (race street) વચ્ચે સાંકડી કોબલ શેરી (cobble street) છે, જ્યાં અઢારમી સદીનાં શરૂઆતનાં વર્ષો દરમિયાન ઈંટોથી બનાવેલાં 35 જેટલાં મકાનોની હાર આવેલી છે. યુ.એસ.માંની આ જૂનામાં જૂની શેરી છે, જ્યાં આવેલાં ઘર આજ સુધી કાયમી વસવાટવાળાં રહ્યાં છે. આ ઉપરાંત ‘ફિફ્થ સ્ટ્રીટ’ નામથી ઓળખાતી શેરીમાં દેશની મોટામાં મોટી ટંકશાળ આવેલી છે, જ્યાં દર વર્ષે આશરે 35 કરોડ ડૉલરના સિક્કા બનાવાય છે. અહીં આવેલાં જાણીતાં સંગ્રહસ્થાનોમાં પ્લૅનેટેરિયમ સહિતનું ફ્રેન્કલિન ઇન્સ્ટિટ્યૂટ સાયન્સ મ્યુઝિયમ, આટર્ર્ મ્યુઝિયમ, યુનિવર્સિટી મ્યુઝિયમ, રોડિન મ્યુઝિયમ અને બાર્નેસ ફાઉન્ડેશન મ્યુઝિયમનો સમાવેશ થાય છે. આ શહેરનું ‘ફિલાડેલ્ફિયા ઑરકેસ્ટ્રા’ દુનિયાભરમાં જાણીતું બન્યું છે. બેસ્ટી રૉસ હાઉસ, ક્રાઇસ્ટ ચર્ચ અને ગ્લોરિયા ડી ચર્ચ પણ જોવાલાયક છે. રમતગમત ક્ષેત્રે બેઝબૉલ, ફૂટબૉલ, બાસ્કેટબૉલ તથા આઇસહૉકીની ટીમો દેશભરમાં નામના મેળવી ચૂકી છે. અહીંના કૅનેડી સ્ટેડિયમ ખાતે દર વર્ષે લશ્કરની ભૂમિસૈન્ય તથા નૌકાસૈન્યની પાંખો વચ્ચે ફૂટબૉલની સ્પર્ધા યોજાય છે.

મ્યુઝિયમ ઑફ આર્ટ, ફિલાડેલ્ફિયા

શિક્ષણ : આ શહેરમાં 30થી વધુ ઉચ્ચ શિક્ષણની આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ આવેલી છે. પેન્સિલવેનિયન યુનિવર્સિટી તથા એક પ્રખ્યાત ખાનગી શાળા દેશને ગૌરવ અપાવે તે પૈકીની ગણાય છે. સેન્ટ જૉસેફ કૉલેજ (1851), લા સેલ કૉલેજ (1863), ટેમ્પલ યુનિવર્સિટી (1884), ફિલાડેલ્ફિયા કૉલેજ ઑવ્ ટેક્સટાઇલ ઍન્ડ સાયન્સ (1884), ડ્રેક્સેલ યુનિવર્સિટી (1891), સંગીતની સંસ્થા, પેન્સિલવેનિયન એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ્સ, અમેરિકન ફિલોસૉફિકલ સોસાયટી અને એકૅડેમી ઑવ્ નેચરલ સાયન્સિઝ જેવી ખ્યાતનામ સંસ્થાઓ અહીં આવેલી છે. અહીં ઘણાં થિયેટરો, સિનેમા-હૉલ, દેવળો, હૉસ્પિટલ, પુસ્તકાલય તથા ક્લબો છે. આ રીતે તે શિક્ષણ, સાહિત્ય અને કલાનું કેન્દ્ર બની રહેલું છે.

ફિલાડેલ્ફિયાનાં ઐતિહાસિક આકર્ષણોની તુલનામાં યુ.એસ.નાં ઘણાં ઓછાં શહેરો આવી શકે. બેન્જામિન ફ્રેન્કલિન, થૉમસ જૅફરસન તેમજ દેશની સ્વાતંત્ર્ય-ચળવળોના નેતાઓએ અહીં જ તેમના કાર્યનો આરંભ કરેલો. આ બધાં કારણોસર દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીંનાં જોવાલાયક સ્થળોની મુલાકાત લઈને આનંદ અને ગૌરવ અનુભવે છે.

ફિલાડેલ્ફિયા દેશના લગભગ બધા જ ભાગો સાથે રેલમાર્ગોથી સંકળાયેલું છે. 250થી વધુ ટ્રક-સેવાઓ અહીંના ઉદ્યોગો તથા વેપારને ધમધમતાં રાખે છે. અહીંનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક યુ.એસ.નાં વ્યસ્ત રહેલાં હવાઈ મથકો પૈકીનું એક ગણાય છે. અમેરિકી ક્રાંતિ થઈ તે અગાઉથી આ શહેર અગત્યના નદીબંદર તરીકે હેરફેર કરતું રહ્યું છે. નજીકના ન્યૂ જર્સી રાજ્યના પૉર્ટ ઑવ્ ન્યૂયૉર્ક પછીના ક્રમે તે આયાત-નિકાસ ક્ષેત્રે વાર્ષિક 2.7 કરોડ ટન જેટલા માલની હેરફેર માટે ધબકતું રહ્યું છે.

આ શહેર રાષ્ટ્રનું મુખ્ય નાણાકીય અને વીમાકીય મથક બની રહેલું છે, દેશભરનાં ઘણાં નિગમોનાં મુખ્ય કાર્યાલયો અહીં આવેલાં છે. તે પ્રવાસન-કેન્દ્ર, સ્વાસ્થ્ય-કેન્દ્ર તથા પરંપરાગત શિક્ષણ અને સંસ્કૃતિ-કેન્દ્ર તરીકે પણ કાર્યશીલ રહ્યું છે. આજે આ શહેર વિવિધ પ્રકારના પોશાકો બનાવવા માટેનો 150 જેટલાં કારખાનાં ધરાવતો કાપડ-ઉદ્યોગ, પેટ્રોલિયમ પેદાશો, ખાદ્યપ્રક્રમણ, ઝડપથી વિકસતો જતો ઔદ્યોગિક તથા જંતુનાશકોનો રસાયણઉદ્યોગ, ઔષધો, છાપકામ અને પ્રકાશન, માળખાકીય ધાતુની પેદાશો તેમજ યંત્રસામગ્રીક્ષેત્રે પ્રમુખ ઉદ્યોગોને વ્યસ્ત રાખે છે. અનાજ અને કોલસો તેની મુખ્ય નિકાસી પેદાશો છે. વર્ષોથી તે પ્રધાન ઔદ્યોગિક તથા ઉત્પાદક ક્ષેત્ર બની રહેલું છે, પરંતુ 1950થી અહીં વિવિધ સેવાક્ષેત્રનો પ્રસાર વધવાથી તેની તુલનામાં ઉત્પાદક ક્ષેત્રનું મહત્ત્વ થોડું ઘટ્યું છે. શહેરના આશરે 15% લોકો ઉત્પાદનક્ષેત્રમાં, જ્યારે 85% શ્રમિકો સેવાક્ષેત્રમાં રોકાયેલા છે. સેવાક્ષેત્રમાં વેપાર, નાણાવ્યવહાર અને સ્વાસ્થ્ય-સંભાળનો સમાવેશ થાય છે. છૂટક વેપાર-ઉદ્યોગ મુખ્યત્વે મોટી સંખ્યામાં અવરજવર કરતા પ્રવાસીઓ પર નભે છે.

લોકો : ફિલાડેલ્ફિયા યુ.એસ.નું એક એવું શહેર છે જ્યાં પ્રથમ વસાહત શરૂ થઈ ત્યારથી ઘણા લોકો સ્થળાંતર કરીને અહીં આવેલા છે. અહીંના મોટાભાગના લોકો યુરોપમાંથી આવેલા છે. અશ્વેતો પણ ઘણી સંખ્યામાં દક્ષિણમાંથી આવીને વસ્યા છે. શહેરની 60% વસ્તી શ્વેત છે, જ્યારે બાકીના 40% પૈકી અશ્વેતો સહિત અન્ય લોકો છે.

જાતિસમૂહો : ફિલાડેલ્ફિયામાં આવીને સર્વપ્રથમ વસનારા અંગ્રેજ અને વેલ્સનિવાસી ધર્મપ્રચારકો હતા. ત્યારપછી એક પછી એક જુદા જુદા ગાળા દરમિયાન ત્રણ તબક્કાઓમાં યુરોપીય લોકો સ્થળાંતર કરીને આવ્યા અને વસ્યા. અઢારમી સદી દરમિયાનના પ્રથમ તબક્કામાં ઘણા અંગ્રેજો આવતા ગયેલા. 1830થી 1890ના ગાળાના બીજા તબક્કામાં ઇંગ્લૅન્ડ, સ્કૉટલૅન્ડ, આયર્લૅન્ડ, વેલ્સ અને જર્મનીમાંથી મોટા પાયા પર ઘણાં કુટુંબો આવ્યાં. વીસમી સદીના ગાળાના ત્રીજા તબક્કામાં ઑસ્ટ્રિયા, હગેરી, ઇટાલી, પૉલૅન્ડ અને રશિયામાંથી પણ લોકો અહીં આવીને વસ્યા છે.

સત્તરમી સદી દરમિયાન અશ્વેતોની અહીં આવવાની શરૂઆત થયેલી. તે પછી અહીં આવેલા ધર્મપ્રચારકો જાતિ-સમાનતામાં માન્યતા ધરાવતા હતા. તેથી હજારોની સખ્યામાં દક્ષિણમાંથી આવીને અશ્વેત પ્રજા અહીં વસી છે. આથી આજે શહેરની 40% જેટલી વસ્તી મોટામાં મોટો એક જાતિસમૂહ રચે છે. આ સિવાય અંગ્રેજ, આયરિશ, સ્પૅનિશ, જર્મન, પૉલિશ, રશિયન, યુક્રેનિયન, ઇટાલિયન અને પ્યુર્ટોરિકન અન્ય જાતિસમૂહો છે. 50% જેટલા અશ્વેતો ઉત્તર ફિલાડેલ્ફિયામાં, મોટાભાગના ઇટાલિયનો દક્ષિણ ફિલાડેલ્ફિયામાં જ્યારે અન્ય જાતિસમૂહો નવા બનેલા વિભાગો તેમજ પરાંઓમાં વસે છે.

સામાજિક સમસ્યાઓ : દરેક મહાનગરની જેમ આ શહેરને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અહીં હજારો ગરીબ લોકો ઝૂંપડપટ્ટીઓમાં રહે છે. મોટાભાગના ગરીબો અશ્વેતો કે સ્પૅનિશ-ભાષીઓ છે. તેમનામાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે. કાર્યદક્ષતા ઓછી છે, તેથી અન્ય લોકોથી તેઓ અળગા પડી જાય છે; પરિણામે ગુનાઓનું પ્રમાણ વધે છે. તેઓ અલગ વસવાટોમાં રહે છે. તે પૈકીના ઘણાખરા બેકાર છે, થોડાઘણા વધુ રોજી કમાવાની લાલચમાં વધુ સમય માટે મહેનત કરે છે. આ બધાં કારણોથી શહેરનો ગુનાદર વધેલો રહે છે. વળી આ શહેરને અગ્રિમ ગણાતી અન્ય સગવડો પૂરી પાડવાની રહેતી હોવાથી આ બધી સમસ્યાઓના ઉકેલને પહોંચી વળવાનું શક્ય બની શકતું નથી.

ઇતિહાસ : અહીં ઘણા વખતથી દેલાવર ઇન્ડિયનો વસતા હતા. બ્રિટિશ અને ડચ  નૌકાસફરીઓએ સત્તમી સદીની શરૂઆતમાં આ સ્થળની મુલાકાત લીધેલી. 1640થી ’50ના ગાળામાં કેટલાંક સ્વીડિશ કુટુંબોએ અહીં સર્વપ્રથમ કાયમી વસવાટ સ્થાપેલો. અંગ્રેજો, ડચ અને સ્વીડિશ લોકો આ વિસ્તાર પર વર્ચસ્ ભોગવવાના હેતુથી લડતા રહેતા. છેવટે 1674માં અંગ્રેજોએ તેનો કબજો મેળવ્યો. 1681માં ઇંગ્લૅન્ડના રાજા ચાર્લ્સ બીજાએ અંગ્રેજ ધર્મપ્રચારક વિલિયમ પેનને આ પ્રદેશમાં વસાહત સ્થાપવા મંજૂરી આપી. પેને ઇંગ્લૅન્ડ છોડતાં અગાઉ અહીં ધાર્મિક સ્વાતંત્ર્યનો જુસ્સો ઊભો કરવાની ખાતરી આપેલી અને પોતાની સાથે ઘણા લોકોને લઈ અહીંનો લીલોછમ પ્રદેશ તેણે પસંદ કર્યો. 1682માં તે અહીં આવ્યો, અને ‘પેન્સિલવેનિયા વસાહત’ સ્થાપી. 1683માં આ નગર પેન્સિલવેનિયાનું પાટનગર બન્યું. 1700 પછીના ગાળામાં દેશભરમાં તત્કાલીન અન્યત્ર અમેરિકી વસાહતો જામેલી તે પૈકીનું મોટામાં મોટું સમૃદ્ધ શહેર તે બનતું ગયેલું. 1723માં છાપકામ શીખતો 17 વર્ષીય જુવાન બેન્જામિન ફ્રેન્કલિન બોસ્ટનથી ફિલાડેલ્ફિયા આવ્યો અને જોતજોતામાં તે ફિલાડેલ્ફિયાનો આગળ પડતો નેતા બની ગયેલો. 1775 સુધીમાં તો આ નગરની વસ્તી 25,000 જેટલી થઈ ગયેલી. અમેરિકી ક્રાંતિ દરમિયાન તેમજ અમેરિકી સ્વાતંત્ર્ય માટે આ શહેરે ઘણો મોટો ફાળો આપેલો છે. અમેરિકી સ્વાતંત્ર્ય અને બંધારણની જાહેરાત અહીંથી જ થયેલી. વસ્તીવૃદ્ધિની સાથે સાથે વિકાસ પણ વધ્યો. આજે લગભગ 60 લાખની વસ્તી ધરાવતું આ મહાનગર લગભગ બધાં ક્ષેત્રે મોખરાનું સ્થાન ભોગવે છે.

ગિરીશભાઈ પંડ્યા