ફિરકૉ, રુડૉલ્ફ (જ. 13 ઑક્ટોબર 1821, શિવલબેન, પ્રશિયા; અ. 5 સપ્ટેમ્બર 1902, બર્લિન) : જર્મનીના અગ્રણી તબીબ, વિજ્ઞાની અને રાજકારણી. તેમણે રોગનિદાનશાસ્ત્ર અને ખાસ કરીને શરીરની રોગગ્રસ્ત પેશીજાળના અભ્યાસને વિકસાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેમની એવી ર્દઢ માન્યતા હતી કે કોષ એ માનવદેહના બંધારણનો પાયારૂપ એકમ છે અને આ કોષની કામગીરીમાં વિક્ષેપ પડે ત્યારે રોગ જન્મે છે. તેમણે એ પણ પુરવાર કર્યું કે સૂક્ષ્મદર્શક વડે કોષની કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કરવાથી રોગનાં પરિણામો જાણી શકાય છે. તેમણે 1858માં પ્રગટ કરેલા પુસ્તક ‘સેલ્યુલર પેથૉલોજી’માં તેમણે જુદા જુદા પ્રકારના અસાધારણ કોષનું વિગત-વર્ણન કરી બતાવ્યું અને રોગનિદાનશાસ્ત્રને વૈજ્ઞાનિક અને શાસ્ત્રીય ભૂમિકા બક્ષી.
તેમનો એવો ર્દઢ મત હતો કે કેટલાક રોગો રહેઠાણસ્થળની ખરાબ પરિસ્થિતિ અને ચોપાસના અનારોગ્ય વાતાવરણને કારણે થતા હતા. આના ફળસ્વરૂપે તેમણે પોતાની રાજકીય કારકિર્દી સામાજિક સુધારણા અને જાહેર આરોગ્ય જેવા પ્રશ્નોના ઉકેલ તથા તેને લગતી ઝુંબેશ પૂરતી કેન્દ્રિત કરી હતી. તેમણે 1848ની ક્રાંતિમાં ભાગ લીધો. રાજકીય મુક્તિ વધુ ને વધુ પ્રમાણમાં મળવી જોઈએ એવી વ્યાપક માગણીના તેઓ પણ પુરસ્કર્તા હતા. 1859માં તેઓ બર્લિન સિટી કાઉન્સિલના સભ્યપદે ચૂંટાયા; એ દરમિયાન તેમણે એવી દલીલ અને માગણી બુલંદ બનાવી કે આરોગ્યમય જીવન એ દરેક નાગરિકનો બંધારણીય હક છે.
1861માં તેઓ પ્રશિયન નૅશનલ એસેમ્બ્લીમાં ચૂંટાયા. 1871થી 1893 દરમિયાન તેઓ જર્મન પાર્લમેન્ટના સભ્ય રહ્યા. એક ઉદારમતવાદી સભ્ય તરીકે તેઓ બિસ્માર્કના ર્દઢ વિરોધી રહ્યા. 1869માં તેઓ ‘જર્મન ઍન્થ્રોપોલૉજિકલ સોસાયટી’ના સહસ્થાપક બન્યા. જર્મનીમાં માનવવંશશાસ્ત્રનો વિકાસ થયો તેનો મુખ્ય યશ તેમના ખંતીલા પ્રયાસોને ફાળે જાય છે.
મહેશ ચોક્સી