ફિયૉર્ડ : સીધા ઢોળાવવાળી બાજુઓ ધરાવતા (નદીમુખ કે) હિમનદીમુખમાં પ્રવેશેલો દરિયાઈ ફાંટો. આવા ફાંટા થાળા આકારના અને પ્રમાણમાં લાંબા હોય છે. જૂના વખતમાં જામેલા, સરકતા જતા હિમજથ્થાના બોજથી હિમનદીઓનાં મુખ ઘસારો પામીને બાજુઓમાંથી ઊભા ઢોળાવવાળાં બનેલાં હોય છે. આ કારણે તે દરિયાઈ જળથી ભરાયેલાં રહે છે.

હિમનદીઓ કે હિમજથ્થા ધરાવતા પર્વત-વિસ્તારો કે ભૂમિ નજીક દરિયાકિનારો હોય ત્યાં નદીમુખોમાં ફિયૉર્ડ રચાવાના સંજોગો ઉદભવી શકે છે. દરિયાકિનારા નજીકના પર્વત-વિસ્તારમાંની પ્રારંભિક વિકાસ પામેલી નદીખીણો બરફથી છવાઈ જાય, હિમનદીમાં ફેરવાઈ જાય, તો પછી હિમઘસારાને કારણે તે ક્રમશ: ઘસાતી જઈ સીધા ઢોળાવવાળી અને ઊંડી બની રહે છે, ક્યારેક તેમનાં તળ સમુદ્રસપાટીથી પણ નીચાં જતાં રહે છે. ક્યારેક અંતિમ હિમઅશ્માવલિની જમાવટથી આડશ રચાય છે, કારણ કે હિમનદી દરિયામાં ભળે ત્યારે હિમઘસારાની ક્ષમતા ઓછી થઈ ગઈ હોય છે.

પર્વતીય હિમનદીખીણથી આ ખીણનાં લક્ષણો જુદાં પડે છે. ઘણા ફિયૉર્ડના તળભાગ તળખડકના ઘસારાથી લાંબા થાળા રૂપે વિકસે છે. ઉપરવાસના ખીણભાગ કરતાં કિનારાનો ખીણભાગ પ્રમાણમાં છીછરો હોય છે; જે હિમજથ્થાનું સમુદ્રજળમાં પીગળીને ભળી ગયાનું સૂચવે છે.

(1) નૉર્વે, (2) દક્ષિણ ચીલી, (3) વાયવ્ય સ્પેનના કિનારા પરની ખાંચાખૂંચી. (અ) અગ્નિ અલાસ્કાનું લાક્ષણિક ર્દશ્ય, (આ) અલાસ્કામાં ફિયૉર્ડ

આર્ક્ટિક ટાપુઓ, દક્ષિણ અલાસ્કા, ગ્રીનલૅન્ડ, નૉર્વે, બ્રિટિશ કોલંબિયા, ચીલી, ન્યૂઝીલૅન્ડ તથા ઍન્ટાર્ક્ટિકામાં ફિયૉર્ડનાં લાક્ષણિક સ્વરૂપો જોવા મળે છે. આ સ્થળોમાં જૂના સમયમાં હિમજથ્થાઓને કારણે ઘસારાજન્ય ઊંડા ખીણભાગો વિકસેલા છે. કેટલાંક ફિયૉર્ડનાં તળ 800 મીટરની ઊંડાઈવાળાં પણ છે. ઊંડામાં ઊંડું ફિયૉર્ડ 1933 મીટર ઊંડું છે, તે ઍન્ટાર્ક્ટિકામાં આવેલું છે અને સ્કેલ્ટન ફિયૉર્ડ તરીકે જાણીતું છે. ઊંડાઈનો આધાર ખીણની બે બાજુઓમાં રહેલા મર્યાદિત હિમજથ્થાના ઝડપી વહન દ્વારા થયેલા હિમજન્ય ઘસારાને કારણે હોય છે.
ફિયૉર્ડ માત્ર હિમનદીજન્ય જ હોઈ શકે એવું નથી. ક્યારેક તે નદીતળના વધુ પડતા ઢોળાવોમાં વારંવાર થતા જલપ્રપાતથી પણ તૈયાર થઈ શકે છે. સમુદ્ર તદ્દન નજીક હોય તો તે દરિયાઈ ફાંટામાં ફેરવાઈ જાય છે.

ગિરીશભાઈ પંડ્યા