ફિદાહુસેનખાં

February, 1999

ફિદાહુસેનખાં (જ. 1883, રામપુર; અ. 1948, બદાયૂં) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના જાણીતા ગાયક. સંગીતની પ્રારંભિક તાલીમ પિતા હૈદરખાં પાસેથી અને ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ ઇનાયતહુસેનખાં તથા મુહમ્મદહુસેનખાં જેવા અગ્રણી સંગીતકારો પાસેથી પ્રાપ્ત કર્યું.

તેમનો મૂળ અવાજ કંઠ્યસંગીત માટે અનુકૂળ ન હોવાથી શરૂઆતમાં કોઈ પણ સંગીતકાર તેમને કંઠ્યસંગીત શીખવવા રાજી ન હતા; પરંતુ બાળપણથી જ સંગીત શીખવાની તીવ્ર ઝંખના હોવાથી ફિદાહુસેને શરૂઆતનાં લગભગ દસ વર્ષ સ્વરસાધનામાં વિતાવ્યાં અને સાથોસાથ અલંકારોનો પણ અભ્યાસ કર્યો. પરિણામે ચમત્કૃતિપૂર્ણ ગણાય તેવો અવાજ તેમણે પ્રાપ્ત કર્યો. રામપુરથી તેઓ વડોદરા આવ્યા જ્યાં વીસ વર્ષ સુધી દરબારી ગાયક તરીકે તેમણે સેવાઓ આપી. 1940માં તેઓ ફરી રામપુર ગયા, જ્યાં નવાબ રજાઅલીખાંના દરબારમાં રાજગાયક તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. 1941થી તેમણે આકાશવાણીનાં જુદાં જુદાં કેન્દ્રો પરથી કાર્યક્રમો આપવાની શરૂઆત કરી (1941થી 1948). બે વર્ષ સુધી રામપુર રિયાસતના દરબારી ગાયક તરીકે રહ્યા પછી તેઓ બદાયૂં આવ્યા અને અવસાન સુધી ત્યાં જ રહ્યા (1942થી 1948). લય કરતાં સ્વરને તે પોતાની ગાયકીમાં વધુ મહત્વ આપતા હતા.

ફિદાહુસેનખાં

તેમના બહોળા શિષ્યવર્ગમાં હાફીઝ અહમદખાં, નિસારહુસેનખાં, ગુલામમુસ્તફાખાં, રશીદઅહમદખાં તથા સરફરાઝખાં જેવા અગ્રણી સંગીતકારોનો સમાવેશ થાય છે.

મંદાકિની અરવિંદ શેવડે