ફાહિયાન : (જ. આશરે ઈ. સ. 340, વુચાંગ, ચીન; અ. આશરે ઈ. સ. 422) : બૌદ્ધ ધર્મના અભ્યાસ તથા બૌદ્ધ તીર્થ-સ્થળોની યાત્રા માટે ભારત અને દક્ષિણ એશિયાના દેશોનો પ્રવાસ કરનાર બૌદ્ધ સાધુ.
તેમણે ગુપ્તવંશના ચંદ્રગુપ્ત બીજાના શાસન દરમિયાન ઈ. સ. 400–411 દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી.
તેઓ ઉત્તર ચીનના ચાંગાનના વતની હતા, ભારતનો પ્રવાસ ખેડનાર તેઓ પ્રથમ ચીની યાત્રી હતા. ત્રણ વર્ષની વયે મઠમાં દાખલ થઈ તેમણે વીસ વર્ષની વયે દીક્ષાકાળ પૂરો કર્યો અને સાધુ બન્યા. ઈ. સ. 399માં પાંચ ભિક્ષુઓ સાથે તેઓ ભારત આવવા નીકળ્યા. ચીનની સીમા પાર કરી ગોબીનું રણ વટાવીને ખોતાન, કાશગર વગેરે સ્થળોની મુલાકાત લઈને કાશ્મીર મારફત તેઓ ભારતમાં પ્રવેશ્યા. ત્યાંથી વાયવ્ય સરહદ પ્રાંતમાં (ઉદ્યાન) થઈને તેમણે પેશાવર, તક્ષશિલા વગેરેની મુલાકાત લીધી. ઈ. સ. 404–410 દરમિયાન શ્રાવસ્તી, કપિલ-વસ્તુ, વૈશાલી, પાટલિપુત્ર વગેરેની મુલાકાત દરમિયાન તેમણે બૌદ્ધ ધર્મનો અભ્યાસ કર્યો અને હસ્તલિખિત બૌદ્ધ ધર્મગ્રંથ એકઠા કર્યા. તેમણે ભારતનો પ્રવાસ ખેડ્યો ત્યારે ભારતના ઇતિહાસમાં સુવર્ણયુગ ગણાતા ગુપ્તવંશના ચંદ્રગુપ્ત બીજાનો રાજ્યકાળ હતો. તેમના ગ્રંથમાં ભારતના આ સમયની હકીકતો પ્રાપ્ત થાય છે. પાટલિપુત્રમાં આશરે છસો વર્ષ અગાઉ થઈ ગયેલા પ્રતાપી બૌદ્ધ-સમ્રાટ અશોકનો મહેલ જોઈ તેઓ પ્રભાવિત થયા હતા.
પાટલિપુત્રમાં બે વરસ રહીને સંસ્કૃત ભાષાનો અને સંસ્કૃત ભાષામાંના બૌદ્ધ ધર્મગ્રંથોનો અભ્યાસ કરીને વિનયસૂત્રોનો ઉતારો કર્યો. બંગાળના તામ્રલિપ્તિ(તામલૂક)માં બે વરસ રહીને તેમણે સૂત્ર ગ્રંથો લખ્યા અને મૂર્તિઓનાં ચિત્રોની નકલ કરી. તેમના સાથીદારો પૈકી એક રસ્તામાં અને કેટલાક અર્ધેથી ચીન પાછા ફર્યા હતા. ફાહિયાનને પ્રવાસમાં ખૂબ જ મુશ્કેલીઓ પડી હતી.
ભારતીય બૌદ્ધ ભિક્ષુઓના સદવર્તન અને જ્ઞાનનો તેમના પર પ્રભાવ પડ્યો હતો. તેમણે પોતાનો પુનર્જન્મ ભારતમાં થાય તેમ ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે મૂળ પાલિમાં લખાયેલા વિનયપિટકનું ચીનીમાં ભાષાંતર કર્યું.
તામ્રલિપ્તિ બંદરેથી એક મોટા વેપારી જહાજ દ્વારા 14 દિવસના પ્રવાસ બાદ તેઓ શ્રીલંકા પહોંચ્યા. અહીં બે વરસ રહીને ચીનમાં અપ્રાપ્ય એવા સંસ્કૃત ગ્રંથોની પોથીઓ એકત્ર કરી હતી. શ્રીલંકાથી તેઓ જાવા જવા નીકળ્યા. તેમના જહાજમાં 200થી વધુ વેપારીઓ હતા. વહાણ સાથે એક નાવડી સંકટ સમયે મદદ માટે રાખી હતી. ત્રણ દિવસના સુખદ પ્રવાસ બાદ વહાણ વાવાઝોડામાં સપડાયું. વહાણમાં કાણું પડતાં પાણી ભરાવા લાગ્યું અને તે એક તરફ નમી ગયું. વહાણના નાખુદાએ નાવડીનું દોરડું કાપી નાખ્યું. વેપારીઓએ તેમનો વજનદાર સામાન દરિયામાં નાખી દીધો. ફાહિયાને ધર્મગ્રંથોની પોથીઓ સિવાય બધું નાખી દીધું હતું. 13 દિવસ બાદ તોફાન ઓછું થયું અને જહાજ એક નાના ટાપુ નજીક પહોચ્યું. ઓટ થતાં વહાણનું કાણું શોધી વહાણને દુરસ્ત કર્યું. 90 દિવસ પછી વહાણ જાવા પહોંચ્યું અને ત્યાંથી ફાહિયાન ઈ. સ. 414માં ચિંગચૌલા ખાતે આવી પહોંચ્યા.
ફાહિયાને પંદર વરસમાં કુલ 29 દેશોનો પ્રવાસ ખેડ્યો હતો. ચીનમાં આવ્યા પછી હિંદુ ભિક્ષુ બુદ્ધભદ્રની સહાયથી તેમણે મૂળ અનેક સંસ્કૃત અને પાલિ ગ્રંથોનું ચીનીમાં ભાષાંતર કર્યું હતું. તેમણે તેમના પ્રવાસનો વૃત્તાંત વાંસના કકડાથી રેશમી કાપડના ટુકડા ઉપર લખ્યો હતો.
ફાહિયાને તેમના પ્રવાસના વૃત્તાંતમાં ભારતની રાજકીય અને સામાજિક પરિસ્થિતિની બહુ ઓછી વિગત આપી છે. તેમાં તેમણે હીનયાન અને મહાયાન પંથોના પ્રચારની, વિહારો, ચૈત્યો, સ્તૂપો અને તીર્થસ્થળોની વિગતો આપી છે. તેમના સમયમાં ઉત્તરપ્રદેશ અને માળવામાં બૌદ્ધ ધર્મનો ઘણો ફેલાવો થયો હતો; પણ કપિલવસ્તુ, કુશીનારા વગેરે બૌદ્ધ તીર્થધામો પડતી દશામાં હતાં. ફાહિયાન ધાર્મિક વૃત્તિવાળા હતા. તેમણે અનેક ચમત્કારોની વિગતો પણ આપી છે. ઉદ્યાન(વાયવ્ય સરહદ પ્રાંત)માં બુદ્ધની પાદુકાનો તેમણે ઉલ્લેખ કર્યો છે.
ભારતમાં દસ વરસ રહ્યા છતાં તેમણે તત્કાલીન રાજવી ચંદ્રગુપ્ત બીજાનો ઉલ્લેખ કર્યો નથી. તેમના વૃત્તાંતમાં જણાવ્યા પ્રમાણે સમગ્ર દેશમાં શાંતિ અને સમૃદ્ધિ જોવા મળી હતી. લોકો સંતોષી હતા. વસ્તી ગીચ હતી. લોકોને તેમનાં માલમિલકત, મકાન વગેરેની નોંધણી કરાવવી પડતી ન હતી. લોકોને ન્યાયકચેરીમાં જવાની ભાગ્યે જ જરૂર પડતી. રાજાની માલિકીની જમીન ખેડતા ખેડૂતો તેમની ઊપજમાંથી થોડો ભાગ રાજને આપતા હતા. અન્ય કરવેરા ન હતા. લોકોને ગમે ત્યાં જવાની અને રહેવાની છૂટ હતી. જોકે લોકોને સંયોગો લક્ષમાં લઈને ગુના પ્રમાણે હળવી કે ભારે શિક્ષા કરાતી હતી. ગુના બદલ મૃત્યુદંડની કે એવી આકરી શારીરિક શિક્ષા કરાતી ન હતી. ગુપ્તકાળ દરમિયાન લશ્કર સુસજ્જ હતું અને તેથી તેમના રાજ્યમાં શાંતિ પ્રવર્તતી હતી. યાત્રા કરનારાઓને ચોરનો ભય ન હતો. રાજાના અંગરક્ષકો અને અન્ય નોકરોને નિયમિત પગાર અપાતો હતો. આમ સર્વત્ર સુરાજ્યની પરિસ્થિતિ પ્રવર્તતી હતી.
માતૃભૂમિ ચીનમાંથી 399માં નીકળ્યા બાદ 15 વરસના પ્રવાસમાં તેમણે મધ્ય એશિયાના દેશો, તુર્કસ્તાન, અફઘાનિસ્તાન, ભારત, શ્રીલંકા તથા જાવાનો વ્યાપક પ્રવાસ ખેડ્યો હતો.
શિવપ્રસાદ રાજગોર