ફાયર ઑન ધ માઉન્ટન (1977) : ભારતીય-ઇંગ્લિશ નવલકથા. લેખિકા : અનિતા દેસાઈ (જ. 1937). માનવીની એકલતા તેમનો પ્રધાન સર્જન-વિષય છે. તેમની 5 પૈકીની આ નવલકથામાં પણ નવતર માનવીય એકાંતનું નિરૂપણ છે.

નંદા કૌલ પોતાના પરિવારથી ત્રસ્ત અને પરેશાન થયેલી છે; આથી જીવનથી કંટાળીને તે પર્વતોમાં આવી વસે છે. અહીં કસૌલીમાં પાઇન જેવાં વૃક્ષોમાં તેને અપાર શાંતિ સાંપડે છે. લોકોની દખલ કે કોઈ પણ પ્રકારની લાગણીના ચિત્તક્ષોભથી આ પરમ શાંતિનો તે ભંગ થવા દેવા માગતી નથી. નંદા કૌલના આવા એકાંત-સભર જીવનમાં તેમની પ્રપૌત્રીનો પ્રવેશ થાય છે. તે પણ આ વૃદ્ધા જેવી જ એકાંતપ્રેમી અને રહસ્યચાહક છે. નંદાની જેમ આ છોકરી માનવવર્તનથી સતત સાવધ રહે છે. નાજુક અને ભયત્રસ્ત કિશોરીના પાત્રનો જાણે વાસ્તવ જીવનમાંથી નવલપ્રવેશ થયો લાગે છે. તેના પ્રતિભાવો તથા જીવન પ્રત્યેના ઉદાસીભર્યા નિવૃત્તિભાવમાં તેનાં માબાપનાં લગ્નની વિચ્છિન્નતાનો વરવો સંકેત છે.

આ નવલકથામાં વસ્તુ કે ઘટના પ્રમુખ મહત્વ ધરાવતાં નથી. જોકે નવલકથાનાં છેલ્લાં કેટલાંક પાનાંમાં ખૂન, બળાત્કાર તથા પર્વત પરનો દાવાનળ જેવી હિંસક ઘટનાઓ બને છે ખરી; વનમાંનો એ દાવાનળ ભયત્રસ્ત કિશોરીએ ઇરાદાપૂર્વક પ્રગટાવ્યો હોય છે. આ કૃતિની શૈલી-વિશેષતા બહુવિધ મનોભાવોના તાર્દશ શબ્દ-ચિત્રણમાં રહેલી છે.

આ કૃતિને સાહિત્ય અકાદમીનો 1978ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. આ ઉપરાંત આ નવલને રૉયલ સોસાયટી ઑવ્ લંડન તરફથી ઉત્તમ પ્રાદેશિક નવલકથા તરીકેનો પુરસ્કાર પણ મળ્યો હતો.

મહેશ ચોક્સી