ફાગુ : સામાન્યત: વસંત સાથે – ફલ્ગુ સાથે સંબદ્ધ મધ્યકાલીન કાવ્યસ્વરૂપ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વસંતઋતુને–વસંતોત્સવને અનુલક્ષીને જે એક કાવ્યપ્રકાર ખીલ્યો તે ફાગુકાવ્ય. ‘ફાગુ’ શબ્દનું મૂળ ‘ફલ્ગુ’માં છે. પ્રાકૃત-અપભ્રંશમાં તેનું ‘ફગ્ગુ’ અને મધ્યકાલીન ગુજરાતીમાં ‘ફાગુ’ થયું. હેમચંદ્રાચાર્યે ‘દેશીનામમાલા’માં ‘ફગ્ગુ’ શબ્દનો અર્થ ‘વસંતોત્સવ’ કર્યો છે. ભોજે ‘સરસ્વતીકંઠાભરણ’માં ‘ફગ્ગુ’ શબ્દ મધુ-ઉત્સવના અર્થમાં પ્રયોજ્યો છે. ફાગુ-ફાગ એ વસંત ઋતુને નિમિત્તે લખાયેલાં કાવ્યો છે.

કાવ્યસ્વરૂપની ર્દષ્ટિએ ફાગુનો પ્રકાર મધ્યકાલીન જૈન રાસના પ્રકારને મળતો છે. રાસ કરતાં તેનું સ્વરૂપ કદમાં નાનું હોય છે. રાસમાં કથાતત્વનું પ્રાધાન્ય હોય છે, પણ ફાગુમાં કથાનો અંશ ઘણો ઓછો હોય છે. તેનું સ્વરૂપ ઊર્મિકવિતાનું કહી શકાય. મૂળે એ લોકસાહિત્યનો પ્રકાર છે. ‘फागु रमिज्जइ खेला नाचि’ – એ પંક્તિ દર્શાવે છે કે નૃત્ય સાથે ગેયતત્વ તેમાં સમાવિષ્ટ છે. નૃત્ય અને ગીત સાથે સમૂહમાં ગવાતો આ કાવ્યપ્રકાર છે. આ અંગેનાં સંખ્યાબંધ ઉદાહરણો ફાગુઓમાં એના આરંભકાળથી જ જોવા મળે છે.

ફાગુ ઘણુંખરું દુહા અને રોળા છંદમાં લખાયા છે. સરળ અને ગેય એવો દુહાબંધ અને તેની સાથે તેના જેટલી જ માત્રાવાળો રોળાબંધ તેને વધુ અનુકૂળ રહ્યો છે. આરંભકાળથી ફાગુઓ આ પદ્યબંધમાં રચાતા આવ્યા છે. ફાગુના પદ્યબંધમાં એક દુહો અને બે રોળા મળી જે ખંડ બને છે તેને ભાસ કહે છે. આરંભનાં ફાગુકાવ્યો ભાસમાં લખાયેલાં છે; પણ ભાસનો રચનાબંધ પહેલાં જેટલો પછી પ્રયોજાયો જણાતો નથી.

ફાગુના રચનાબંધમાં યમકસાંકળીવાળા દુહાબંધનો પ્રયોગ સવિશેષ મળે છે. આંતરયમકવાળો દુહો એટલો બધો લોકપ્રિય થઈ ગયો કે એથી લયવાહી રચનારીતિ માટે ‘ફાગની દેશી’ અથવા ‘ફાગની ઢાળ’ જેવા શબ્દો પ્રયોજાવા લાગ્યા. તે પછી ફાગુકાવ્યો સુદીર્ઘ બનતાં રાસક, ધવલ, અંદોલા, અઢૈયા, કવિત વગેરેમાં રચાવા લાગ્યાં. કેટલીક ફાગુકૃતિઓમાં કવિઓએ વચ્ચે વચ્ચે કડીગત ભાવાર્થને અનુરૂપ સંસ્કૃત શ્લોકો પણ આપ્યા છે.

ફાગુકાવ્યોનો મુખ્ય વિષય વસંતના પ્રાકૃતિક સૌંદર્ય સાથે વસંતક્રીડા – વસંતવિહાર અને તે નિમિત્તે સંયોગ અને વિપ્રલંભ શૃંગારનું નિરૂપણ છે. શૃંગારરસના ઉદ્દીપન વિભાવની સામગ્રી તરીકે સુવાસિત મલયાનિલ, વનરાજિ, લતામંડપ, પુષ્પશ્રી, કોયલના ટહુકાર, ભ્રમરોનો ગુંજારવ, સરોવરની શોભા, જલક્રીડા, હિંડોળા વગેરેનું વર્ણન આવે છે. આરંભકાળનાં ફાગુકાવ્યોમાં કથાનકોનું આલંબન જોવા મળે છે. નેમિનાથ અને સ્થૂલિભદ્રના વૃત્તાંત નિમિત્તે વસંતવર્ણન (કે અપવાદ રૂપે વર્ષાવર્ણન) આવતું; પરંતુ ઉત્તરોત્તર ફાગુના વિષયની સીમા વિસ્તરતી ગઈ અને આદિનાથ, વાસુપૂજ્ય, શાન્તિનાથ, પાર્શ્ર્વનાથ વગેરે તીર્થંકરો, ગણધર ભગવંત ગૌતમસ્વામી, જંબુસ્વામી, જિનચંદ્ર, સુમતિસુંદર, કીર્તિરત્ન, પદ્મસાગર વગેરે ગુરુભગવંતો તથા રાણકપુર, ચિતોડ, જીરાપલ્લી વગેરે તીર્થો વિશે પણ ફાગુકાવ્યો મળતાં થયાં. રૂપકશૈલીના આધ્યાત્મિક ફાગુ ઉપરાંત લોકકથા પર આધારિત ફાગુકાવ્યો પણ રચાયાં છે. 5–7 કડીથી માંડીને 300 કડી સુધીનાં ફાગુકાવ્યો મળે છે. આ ફાગુકાવ્યોને બે વિભાગમાં વહેંચી શકાય – જૈન અને જૈનેતર. જૈન સાધુકવિઓએ જૈન વિષય પર ફાગુકાવ્યો લખ્યાં છે. જૈનેતર ફાગુકાવ્યોમાં શ્રીકૃષ્ણવિષયક ‘નારાયણ ફાગુ’ કે ‘હરિવિલાસ ફાગુ’ જેવાં ફાગુકાવ્યો ઉલ્લેખનીય છે. જૈનેતર ફાગુઓ ઓછા મળે છે.

ફાગુમાં મુખ્ય રસ શૃંગાર હોય છે. જૈનેતર ફાગુ વિપ્રલંભ અને સંભોગશૃંગારમાં સમાપ્તિ પામે છે, જ્યારે જૈન ફાગુઓ ઉપશમપ્રધાન શાંતરસમાં. જૈન કવિઓ ફાગુઓ દ્વારા સંસારીઓને સંસારના ભોગવિલાસમાંથી મુક્ત થઈ કેવલજ્ઞાન પ્રાપ્ત કરવાનો આદેશ આપતા રહ્યા છે.

વિક્રમના ચૌદમાથી અઢારમા સૈકા સુધી રાસની જેમ ફાગુકાવ્યનો પ્રકાર વિકસ્યો છે, પણ ફાગુકૃતિઓ પ્રમાણમાં ઓછી લખાઈ છે. મોટેભાગે  ફાગુકાવ્યો જૈન સાધુકવિઓને હાથે લખાયાં છે. અત્યાર સુધીમાં સવાસો કરતાં વધુ ફાગુકૃતિઓ મળી આવી છે. કેટલીક કૃતિઓ હજુ અપ્રકાશિત છે. ભવિષ્યમાં બીજી કૃતિઓ પણ મળવાનો સંભવ છે.

જૈન ફાગુઓમાં ઉત્તર અપભ્રંશ અને જૂની ગુજરાતીમાં લખાયેલું સૌથી પહેલું ફાગુકાવ્ય 25 કડીનું ‘જિનચંદ્રસૂરિ-ફાગુ’ છે; પરંતુ આરંભનું અત્યંત મહત્વનું ફાગુકાવ્ય જિનપદ્મસૂરિનું ‘સિરિથૂલિભદ્ર ફાગુ’ છે. આ ફાગુકાવ્યમાં વસંતનું નહિ, પણ વર્ષાનું વર્ણન છે. રાજશેખરસૂરિકૃત ‘નેમિનાથ-ફાગુ’ (1349ની આસપાસ) દુહા અને રોળાની 27 કડીમાં લખાયેલું કાવ્ય છે. કવિની ભાષા સંસ્કૃત શૈલીની સમાસયુક્ત છે. કવિ જયશેખરસૂરિ-રચિત (1460ની આસપાસ) ‘નેમિનાથ ફાગુ’ 114 દોહરાનું યમકસાંકળીનું સુંદર ફાગુકાવ્ય છે. કવિ સોમસુંદરસૂરિએ ‘રંગસાગર નેમિનાથ’ ફાગુ પંદરમા શતકના ઉત્તરાર્ધમાં રચ્યો છે. તેમાં એકંદરે 119 કડી છે, જેમાંના 10 શ્લોકો સંસ્કૃતમાં છે. 1422ની આસપાસ રચાયેલ માણિક્યસુંદરસૂરિકૃત ‘નેમિચરિત ફાગબંધ’ 91 કડીની પ્રાસાદિક રચના છે. ધનદેવગણિએ સંસ્કૃત અને ગુજરાતી – એમ બે ભાષાઓમાં ‘સુરંગાભિધાન નેમિફાગ’ રચ્યો છે. પંદરમા-સોળમા સૈકાના સંધિકાળમાં રચાયેલું સમુધરકૃત ‘શ્રી નેમિનાથ ફાગુ’ 28 કડીનું વસંતવિહાર વર્ણવતું કાવ્ય છે. મોટાભાગનાં જૈન ફાગુકાવ્યો નેમિનાથ-વિષયક છે. સ્થૂલિભદ્રવિષયક ફાગુઓમાં જયવંતસૂરિકૃત ‘સ્થૂલિભદ્રકોશા પ્રેમવિલાસ ફાગ’ અને માલદેવકૃત ‘સ્થૂલિભદ્ર ફાગ’ ઉલ્લેખનીય છે. રત્નમંડનગણિરચિત ‘નારીનિરાસ ફાગ’ અજ્ઞાત કવિકૃત ‘જંબુસ્વામી ફાગ’ નોંધપાત્ર રચનાઓ છે.

સત્તરમા શતકમાં કનકસોમનું ‘મંગલકલશ ફાગ’, કલ્યાણકૃત ‘વાસુપૂજ્ય મનોરમ ફાગ’, લક્ષ્મીવલ્લભનું ‘અધ્યાત્મ ફાગ’ નોંધપાત્ર રચનાઓ છે. આ ઉપરાંત મેરુનન્દનકૃત ‘જીરાપલ્લી પાર્શ્વનાથ ફાગુ’, પ્રસન્નચંદ્રસૂરિનો ‘રાવણિ પાર્શ્વનાથ ફાગુ’, સમયધ્વજનો ‘ખીરિયમંડણ પાર્શ્વનાથ ફાગુ’, હર્ષકુંજરગણિનો ‘રાવણ પાર્શ્વનાથ ફાગુ’, અજ્ઞાત કવિનો ‘રાણપુરમંડન ચતુર્મુખ આદિનાથ ફાગ’ તે તે સ્થળનાં જૈન તીર્થોની પ્રશસ્તિરૂપ ફાગુકાવ્યો છે.

જૈનેતર ફાગુઓની સંખ્યા મર્યાદિત છે. સમગ્ર મધ્યકાલીન સાહિત્યમાં નાનકડી છતાં સુરેખ કૃતિ છે ચૌદમા શતકમાં રચાયેલ અજ્ઞાત કવિનો ‘વસંતવિલાસ’. આંતરયમકવાળા 84 દુહા સાથે સંસ્કૃત તથા પ્રાકૃત શ્લોકો પણ તેમાં આપવામાં આવ્યા છે. શબ્દાલંકારો અને ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, અન્યોક્તિ જેવા અર્થાલંકારો પ્રયોજી દરેક કડીને લાલિત્યયુક્ત, રસઘન અને સચોટ બનાવી કવિએ આ કાવ્યને મનોહર કલાકૃતિ બનાવી છે. ‘વસંતવિલાસ’નો પ્રભાવ ત્યારપછીનાં ફાગુકાવ્યો ઉપર વિશેષ પડ્યો છે.

પંદરમા સૈકામાં કોઈ અજ્ઞાત કવિએ ‘પુરુષોત્તમ પંચપાંડવ ફાગ’ લખ્યું છે. વસંતનું આગમન ઉત્પ્રેક્ષા દ્વારા વ્યંજિત કર્યું છે. પ્રૌઢ, પ્રાસયુક્ત, લયબદ્ધ શબ્દયોજના અને ચિત્રાત્મક વર્ણનો દ્વારા કવિએ સવિશેષ કાવ્યસિદ્ધિ દાખવી છે. ‘નારાયણ ફાગુ’ (1394ની આસપાસ)નો કર્તા પણ અજ્ઞાત જ રહ્યો છે. 67 કડીના આ ફાગુમાં સોરઠ, દ્વારિકા નગરી, કૃષ્ણના વૈભવ અને તેમના પરાક્રમનું વર્ણન છે. અજ્ઞાત કવિકૃત ‘વસંતવિલાસ’ સાથે તેનું સામ્ય છે. ‘હરિવિલાસ ફાગુ’ કાવ્ય (પંદરમું શતક) વિષ્ણુપ્રસાદની કથાનો આધાર લઈને રચાયું છે. તેમાં પૂતનાવધ, કાલિયદમન, ગોવર્ધનધારણ તેમજ રાસલીલા, દાણલીલા, વસંતવર્ણન, ગોપીવિરહ વગેરેનું વર્ણન છે. ચતુર્ભુજકૃત ‘ભ્રમરગીતા ફાગુ’ (1520) ભાગવતના ‘દશમસ્કંધ’માં મળતા ઉદ્ધવસંદેશને અનુલક્ષતી રચના છે. સોનીરામરચિત ‘વસંતવિલાસ’ (વિક્રમનો સત્તરમો સૈકો) દુહામાં રચાયેલું 52 કડીનું કાવ્ય છે.

કૃષ્ણવિષયક ફાગુઓ રચાયાં તેમ શિવવિષયક ફાગુકાવ્યોની રચના પણ થઈ છે. વિક્રમની ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા મયારામે ‘શિવજીનો ફાગ’ આપ્યો છે.

આમ મધ્યકાળમાં ગુજરાત અને રાજસ્થાનમાં 5 સૈકાથી વધુ સમય સુધી પ્રચલિત રહેલા ફાગુકાવ્યપ્રકારે સાહિત્યક્ષેત્રે તેમજ સામાજિક ક્ષેત્રે સંસ્કાર-ઘડતરનું ઉત્તમ કાર્ય કર્યું છે.

વીણા શેઠ