ફસાનએ અજાયબ

February, 1999

ફસાનએ અજાયબ (ઈ. સ. 1824) : રજ્જબઅલી બેગ સરૂરે લખેલી વાર્તા. ‘ફસાનએ અજાયબ’ ઉર્દૂ સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. તે ઉર્દૂની એક શ્રેષ્ઠ વાર્તા છે. પોતાના જ યુગ દરમિયાન ઉર્દૂ સાહિત્ય પર તેનો અસાધારણ પ્રભાવ પડ્યો હતો અને તેણે ઉત્તમ લોકચાહના મેળવી હતી. આજે પણ ઉર્દૂ અભ્યાસી વર્તુળ ઘણા શોખથી તે વાંચે છે. ‘ફસાનએ અજાયબ’ વિના ઉર્દૂ ગદ્યનું અધ્યયન અધૂરું ગણાય છે.

રજ્જબઅલી બેગની જાનેઆલેમ અને અંજમઆરાની વાર્તા ઉપરાંત પોતાના યુગના આત્માનું સફળ પ્રતિબિંબ ઝિલાયું છે. એમાં કથા વાર્તા અને નવલકથાનું મિશ્રણ લાગે છે. ભારતીય સમાજના સંક્રાન્તિકાળનું ઉર્દૂ સાહિત્યકથાના યુગથી આગળ વધી રહ્યું હતું. એમાં જીવનનાં શુભ-અશુભ પાસાં આલેખાયાં હોય છે.

આ કથામાં નવલકથાની જેમ મોટા મોટા બનાવો તો ઠીક પણ નાની નાની ઘટનાઓ પણ જોવા મળતી નથી.

આ કૃતિ એકબીજા સાથે પરોવાઈને પોતાના તાર્કિક પરિણામના અંત સુધી પહોંચે છે, જ્યાં ઘટનાઓ અને બનાવો એકસૂત્રે ગૂંથાયેલાં છે. આ પ્રવાહ સાતત્ય ધરાવે છે. આમાં તનાવ પણ છે અને સમતોલપણું પણ છે. વિષયવસ્તુ એકધારું અને સળંગ છે. દરેક પાત્ર અને બનાવ વિષયવસ્તુને પ્રગટ કરતાં રહે છે. આ જ નવલકથાની લાક્ષણિકતા છે.

‘ફસાનએ અજાયબ’માં પાત્રોના નમૂના જોવા મળે છે. પાત્રોનો વર્તાવ તેમના ખાસ સ્વભાવનો અરીસો છે. આ પ્રમાણે ‘ફસાનએ અજાયબ’ પોતાના યુગની કથાઓથી તદ્દન જુદી તરી આવે છે. સરૂર સાહેબના કથાલેખન સમયે નવલકથાનો પ્રારંભકાળ હતો.

રજ્જબઅલી બેગે પોતાના માહોલને પોતાની કથામાં એવી રીતે વણી દીધો છે કે ક્યારેક વાચકને આ માહોલ સત્ય કરતાં કાલ્પનિક વધારે લાગે છે.

ઓગણીસમી સદીના અમીર-ઉમરાવોની જીવનશૈલીનું પ્રતિબિંબ ‘ફસાનએ અજાયબ’માં જોવા મળે છે. તે એક ખાનદાનીનું જીવનદર્શન છે. ‘ફસાનએ અજાયબ’માં વિશેષ કરી સામાન્ય લોકોનાં પાત્રો જોવા મળતાં નથી. તેમાં રાજકુંવરો, રાજકુંવરીઓ, પ્રધાનો અને પ્રધાનોના પુત્રો જ ર્દષ્ટિગોચર થાય છે.

રજ્જબઅલી બેગની આ વાર્તા નિરૂપણ પરત્વે વિશિષ્ટ છે. આમાં જે ઘટનાઓ જોવા મળે છે તે એ યુગનાં લગભગ બધાં જ પુસ્તકોમાં જોવા મળે છે. બેગનો હેતુ એવી વાર્તાઓની નકલ કરવાનો નથી. આ યુગની સભ્યતા અને જીવનશૈલી તેમજ પરંપરાઓને રજૂ કરવાની તેમની ભાવના હતી.

આ વાર્તાની એક ખાસ વિશિષ્ટતા એ છે કે એનું પ્રાણતત્ત્વ ભારતીય છે. આ ભારતીયતા વાર્તા પૂરતી જ નથી, પરંતુ વાર્તાના કથાવિષયની રચનામાં પણ એનો પ્રભાવ ઝળકી ઊઠે છે. એનું સ્થાન એક પાત્ર જેવું છે.

મલકાએ પોપટ દ્વારા જે પત્ર મોકલ્યો હતો તે ઉર્દૂ સાહિત્યમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે. આ પત્રમાં હૃદયની વાત હૃદયસ્પર્શી ભાષામાં કહેવામાં આવી છે. તેમાં રંગીન આલેખનની પાછળ હૃદયની વેદના ડોકિયું કરે છે અને વાચકના હૃદય પર અસર કર્યા વગર રહેતી નથી. તે યુગના ઉર્દૂ ગદ્યનો તે સર્વોત્તમ નમૂનો છે.

તેની ભાષા શિષ્ટ છે. આ અસામાન્ય કૃતિ ઈ. સ. 1843માં લખનૌથી પ્રકાશિત થઈ હતી.

જમાલુદ્દીન રહીમુદ્દીન શેખ