ફસાડ : મુખ્ય પ્રવેશદ્વારવાળો મકાનનો મુખભાગ. તેના બાહ્ય દેખાવ અંગે સ્થાપત્યકલામાં આ ભાગ પર ખૂબ જ ધ્યાન આપવામાં આવે છે. તે મકાનની આગવી મુદ્રા ઉપસાવી આપે છે અને એ રીતે મુખ્ય રસ્તા પરની અથવા શેરીમાંની તેની ઉપસ્થિતિ એક આગવી છાપ પ્રગટ કરે છે. ફસાડને મકાન બંધાવવા પાછળના એના માલિકના પ્રયોજન સાથે તેમજ એના વ્યક્તિત્વ સાથે પણ કોઈક પ્રભાવમૂલક સંબંધ હોય છે. તેથી મકાનને જોતાં જ તેના બંધાવનારના વ્યક્તિત્વનોય કંઈક અંદાજ આવે છે.

ભારતીય સ્થાપત્યમાં રહેવાસોના ફસાડ પર એવી અપ્રતિમ  કલા પ્રદર્શિત કરવામાં આવતી કે જેથી તેનું આગવાપણું ઊપસી આવે. કાષ્ઠસ્થાપત્યનાં જૂનાં ઘરોના નમૂનાઓ તથા બારસાખ વગેરેની શિલ્પ-રચનાઓ તેમાં રહેનાર કુટુંબોનાં ધર્મ, રહેણીકરણી વગેરેને અનુરૂપ સંજ્ઞાઓ પ્રદર્શિત કરતી હતી. દરેક યુગમાં સ્થાપત્યશૈલીઓને અનુરૂપ ફસાડની રચના અને સંયોજનો કરાતાં. પાશ્ચાત્ય સ્થાપત્યમાં રેનેસાંસ યુગ દરમિયાન આ વિષયને પ્રાધાન્ય આપવામાં આવેલું. ફસાડ સ્થાપત્યનું એક મહત્વનું અંગ બની રહેલું. દા.ત., પશ્ચિમ ભારતમાં રાજસ્થાનનું મધ્યયુગનું સોળમી-સત્તરમી સદી દરમિયાનનું સ્થાપત્ય આ સંદર્ભમાં ઉલ્લેખનીય છે. જેસલમેર, જયપુર વગેરે નગરોમાંનાં મધ્યયુગીન મકાનોની બાહ્ય ભાગની રચનામાં કલા-કારીગરીની અપ્રતિમ કુશળતા જોવા મળે છે. હવામહેલ (જયપુર) અને જેસલમેરની હવેલીઓ આનાં બેનમૂન ઉદાહરણો છે.

રવીન્દ્ર વસાવડા