ફર્નાન્ડીઝ, જ્યૉર્જ

February, 1999

ફર્નાન્ડીઝ, જ્યૉર્જ (જ. 3 જૂન, 1930, મૅંગ્લોર, કર્ણાટક) : અગ્રણી કામદાર નેતા. કોંકણીભાષી જમીનદાર પરિવારમાં જન્મ. પિતા જૉન અને માતા એલિસ. લૈલા કબીર સાથે લગ્ન. પિતાની ઇચ્છા તેમને કૅથલિક પાદરી બનાવવાની હતી, જે માટે મગ્લોરની સેંટ પીટર્સ સેમિનરીમાં તેમને અભ્યાસાર્થે દાખલ કર્યા હતા; પરંતુ ત્યાંના પાદરીઓની બેવડી જીવનપદ્ધતિ જોઈને પાદરીજીવન અંગેનો તેમનો ભ્રમ ભાંગ્યો અને સેમિનરીનો ત્યાગ કર્યો.

જ્યૉર્જ ફર્નાન્ડીઝ

તેઓ મૅંગ્લોર છોડી મુંબઈ આવ્યા અને ત્યાં જાહેર જીવનની શરૂઆત કરી. મુંબઈમાં તેઓ પ્રખર સમાજવાદી નેતા રામમનોહર લોહિયાના સંપર્કમાં આવ્યા અને મનોમન સમાજવાદની દીક્ષા લીધી. 1949માં સમાજવાદી પક્ષમાં જોડાયા અને તે સાથે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ. આ જ અરસામાં તેમણે દક્ષિણ કર્ણાટકમાં સમાજવાદી પક્ષ અને મજૂરમંડળોને સંગઠિત કર્યાં. સમાજવાદી પક્ષની રાષ્ટ્રીય સમિતિના સભ્ય બન્યા પછી 1955માં તેઓ તેના કોષાધ્યક્ષ બન્યા. 1969–71 દરમિયાન તેઓ સમાજવાદી પક્ષના સામાન્ય મંત્રી પણ રહ્યા. તે પૂર્વે 1958માં તેમણે હિંદ મજદૂર પંચાયતની સ્થાપના કરી અને તેના મહામંત્રી બન્યા. યુનાઇટેડ કાઉન્સિલ ઑવ્ ટ્રેડ યુનિયન્સના આવાહક તરીકે તેમણે કાર્ય કર્યું. આમ કામદાર સંઘોનો બહોળો અનુભવ પ્રાપ્ત કરતા ગયા. કામદારોની સમસ્યાઓના ઉકેલ શોધવાના પ્રારંભિક પ્રયાસ તરીકે 1968માં તેમણે બૉમ્બે લેબર કોઑપરેટિવ બૅંકની સ્થાપના કરી. તેના ચૅરમૅન તરીકે તેમની વરણી થઈ હતી.

કામદાર સમસ્યાઓનો ઉકેલ માત્ર આર્થિક નહિ, પણ રાજકીય પ્રયાસોથી પણ લાવવો જોઈએ એમ લાગતાં તેમણે રાજકીય જીવનમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો અને 1961માં મુંબઈ મહાનગરપાલિકાના સભ્ય ચૂંટાયા. 1967માં તેમણે પ્રથમ વાર લોકસભાની બેઠક માટે મુંબઈમાંથી ઉમેદવારી કરી અને તે જમાનામાં મુંબઈના ‘બેતાજ બાદશાહ’ ગણાતા સદોબા પાટીલને હરાવીને ‘જાયન્ટ કિલર’ બનીને લોકસભામાં પ્રવેશ કર્યો. 1974માં તેમના નેતૃત્વ હેઠળ આખા દેશના રેલવે-કર્મચારીઓએ હડતાળ પાડી હતી. 1975માં દેશમાં દાખલ કરવામાં આવેલ કટોકટી દરમિયાન ઇંદિરા ગાંધીની સરકારને ઉથલાવી પાડવાના રાજદ્રોહના આરોપસર, 1977માં તેમને જેલમાં પૂરવામાં આવ્યા. 1977ની લોકસભાની ચૂંટણી જેલવાસ દરમિયાન લડીને તેઓ ફરીવાર ચૂંટાઈ આવ્યા.

1977ની સામાન્ય ચૂંટણીમાં ઇન્દિરા કૉંગ્રેસનો પરાજય થતાં કટોકટી ઉઠાવી લેવામાં આવી અને અન્ય નેતાઓની જેમ તેમને પણ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. તેના પગલે મોરારજીભાઈ દેસાઈના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં જનતા પક્ષની સરકાર રચવામાં આવી, જેમાં પ્રારંભે ફર્નાન્ડીઝ સંદેશાવ્યવહાર ખાતાના અને થોડાક સમય બાદ ઉદ્યોગખાતાના મંત્રી બન્યા. ઉદ્યોગપ્રધાન તરીકે કોકા-કોલા જેવી બહુરાષ્ટ્રીય કંપનીને જાકારો આપીને તેમણે સ્વદેશીને ઉત્તેજન આપવાનું પહેલું પગલું લીધું અને એથી તેમની રાજકીય પ્રતિષ્ઠા વધી. ત્યારબાદ તેઓ ફરી ફરીને લોકસભામાં ચૂંટાતા રહ્યા. વી. પી. સિંહની સરકારમાં તેઓ રેલવે-મંત્રી બન્યા. રેલવેમંત્રી તરીકે તેમણે 1974ની રેલવે હડતાળમાં સંડોવાયેલા જે નેતાઓ અને કર્મચારીઓને શિક્ષા થઈ હતી તે બધાને પુન:સ્થાપિત કરવાના આદેશ આપ્યા. લોકસભાની તેમની કારકિર્દી દરમિયાન પોતાના મતદાર-વિભાગ અને લોકો માટે લાંબું ગૃહકાર્ય (homework) કરીને આવનાર જાગરૂક, સજ્જ અને સ્પષ્ટભાષી રાજકારણી તરીકે તેમની છબી ઊપસી. 1990ના બે માસ માટે તેમણે કાશ્મીરની બાબતોનો હવાલો પણ સંભાળ્યો હતો. જનતાદળના નેતા લાલુપ્રસાદ યાદવ સાથે રાજકારણની મૂળભૂત બાબતો અંગે મતભેદો ઊભા થતાં 1994માં તેમણે અલાયદા સમતાપક્ષની રચના કરી અને તેનું પ્રમુખપદ સંભાળ્યું. 1998ની સામાન્ય ચૂંટણી પછી સમતાપક્ષે અટલબિહારી વાજપાઈના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં જે મિશ્ર સરકાર બની તેમાં જોડાવાનું નક્કી કર્યું અને આ સરકારમાં તેઓ સંરક્ષણમંત્રી બન્યા. ઍડમિરલ વિષ્ણુ ભાગવતની ભારતીય નૌકાદળના સર્વોચ્ચ સેનાપતિપદેથી બરતરફીના પ્રશ્ને તેમનો નિર્ણય વિવાદાસ્પદ રહ્યો, પરંતુ મિશ્ર સરકારમાં તેઓ સાચા અર્થમાં વડાપ્રધાનના સાથી પ્રધાન પુરવાર થયા. મે 1999માં પાકિસ્તાન વિરુદ્ધ કારગિલની લશ્કરી કારવાઈઓ – ‘ઑપરેશન વિજય’ તેમની ધીરજ, કુનેહ, મુત્સદ્દીગીરી અને આક્રમકતાનો સંકેત આપે છે. તેઓ તેરમી લોકસભામાં ચૂંટાતાં ફરીથી કેન્દ્રના સંરક્ષણપ્રધાન તરીકે નિમાયા છે.

આ રાજકીય કારકિર્દીના સમાંતરે તેઓ કામદારોને ભૂલ્યા નહોતા. સ્વદેશી, બેરોજગારી, વસ્તીવિસ્ફોટ, શિક્ષણ અને ગરીબી વગેરે સમસ્યાઓ વિકટ દેખાતી હોય તોપણ તેમના ઉકેલ પ્રત્યે દેશ પ્રતિબદ્ધતા અપનાવે  તો તે ઉકેલી શકાય એમ તેમનું માનવું છે. આવાં રાષ્ટ્રવ્યાપી કાર્યો હાથ ધરવા છતાં તેમણે કામદારપ્રવૃત્તિમાં કોઈ ચૂક ન, આવવા દીધી; દા.ત., હિંદ મજદૂર કિસાન પંચાયતના સામયિક ‘પ્રતિપક્ષ’ના મુખ્ય સંપાદક તરીકેની કામગીરી તેમણે ચાલુ રાખી છે. આ ઉપરાંત ‘ધી અધર સાઇડ’, ‘વૉટ એઇલ્સ ધ સોશિયાલિસ્ટ્સ’ અને ‘ધ કૅશ્મીર પ્રૉબ્લેમ’ જેવાં પુસ્તકો પણ તેમણે લખ્યાં છે.

નિજી જીવનમાં અત્યંત સાદગીના અને પ્રામાણિકતાના આગ્રહી આ રાજકારણી ભારતીય રાજકારણમાં રાજકીય વિવાદો જગાવવા માટે જાણીતા બન્યા છે.

રક્ષા મ. વ્યાસ