ફર્નિચર ઉદ્યોગ

February, 1999

ફર્નિચર ઉદ્યોગ : ઇમારતી લાકડું, ધાતુ, પ્લાસ્ટિક, આરસપહાણ, કાચ વગેરે પદાર્થોમાંથી ઉપયોગી, આરામદાયક અને ઘર તથા કાર્યાલય જેવાં સ્થળોની શોભા વધારતા રાચરચીલાનું ઉત્પાદન કરતો ઉદ્યોગ. ફર્નિચર માનવજીવનમાં ચાર પ્રકારની ઉપયોગી શ્રેણીમાં બનાવવામાં આવે છે; જેમ કે, બેસવા માટે ખુરશી, સામે બેસીને કામ કરવા માટે ટેબલ, વસ્તુઓ મૂકવા માટે કબાટ અને સૂવા માટે પલંગ. ફર્નિચર મોટા-ભાગે હેરફેર કરી શકાય તેવું હોય છે, પરંતુ કેટલીક વાર રસોડા અને બાથરૂમ વગેરેનું ફર્નિચર જમીન અથવા ભીંત સાથે જોડેલું પણ હોય છે. ઘરવપરાશ ઉપરાંત કાર્યાલયો, દવાખાનાં, હોટેલો આરામગૃહો, શૈક્ષણિક સંસ્થાઓ, રેલગાડી અને બસ વગેરે ઉપરાંત ધાર્મિક સ્થળોની જરૂરિયાતને અનુરૂપ ફર્નિચર બનાવવામાં આવે છે. આ ઉપરાંત જાહેર માર્ગોની જરૂરિયાતને અનુરૂપ દીવાબત્તીના થાંભલા અને બાગબગીચામાં મૂકેલા બાંકડા જેવું ફર્નિચર પણ તૈયાર કરવામાં આવે છે. ફર્નિચર સામાન્ય રીતે કઠણ પદાર્થોનું બને છે, છતાં વાદળી જેવા રબર અને ફોમ જેવા પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને ગાદી, ગાદલાં અને તકિયા જેવી ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે; જેમનો મૃદુ ફર્નિચરના વર્ગમાં સમાવેશ કરવામાં આવે છે.

ઓગણીસમી સદી સુધી ફર્નિચર બનાવવાનો ધંધો વ્યક્તિનિષ્ઠ હતો. એકલદોકલ કારીગર અથવા કારીગરોનો નાનો સમૂહ એકત્રિત થઈને તે બનાવતો હતો. આ પદ્ધતિમાં કારીગર પોતાનું અંગત કૌશલ્ય બતાવી શકતો હતો; પરંતુ ફર્નિચરની માગમાં જેમ જેમ વધારો થતો ગયો તેમ તેમ તેનું મોટા પાયા ઉપર ઉત્પાદન કરવા માટે કારખાનાં સ્થપાવા માંડ્યાં. આ ઉદ્યોગમાં સાગ, મેહૉગની, ઓક, બીચ, ટીક અને પાઇન જેવાં ઇમારતી વૃક્ષો યંત્રોથી ચાલતી આરીઓ વડે કાપવામાં આવે છે. હવામાનના ફેરફારથી લાકડામાં આવતી વિકૃતિ અથવા ફાટમાંથી બચવા માટે લાકડાને દબાણયંત્રની મદદથી ત્રિમિતીય આકાર આપવામાં આવે છે. આરી વડે વહેરીને તેનાં યોગ્ય કદનાં ઢીમચાં બનાવવામાં આવે છે અને રેડિયોકંપન વડે અથવા ભઠ્ઠીમાં તપાવીને તેમાંથી યોગ્ય માત્રામાં ભેજ ઉડાડી દેવામાં આવે છે. ત્યારપછી કારખાનાનાં જુદાં જુદાં ખાતાંઓમાં સંઘેડાથી ઘાટ ઉતારવાનું, ફર્નિચરના વિભિન્ન ભાગોને ફેવિકોલ જેવાં સ્નિગ્ધ દ્રવ્યોથી ચોંટાડવાનું, સાંધાઓ પાકા કરવાનું, ડટ્ટા લગાડવાનું, હલકા લાકડાની સપાટી ઉપર સુંદર અને કીમતી લાકડાનું પડ ચડાવવાનું, લાકડાની સપાટી ઉપર જુદી જુદી છાયાઓ ઉપસાવે તેવા રંગ છાંટવાનું – એમ જુદાં જુદાં કામ જુદા જુદા કારીગરો કરે છે. એક કારીગર ફર્નિચરના એક ઘટક ઉપર પોતાને સોંપેલું કામ જેમ જેમ પૂરું કરતો જાય તેમ તેમ તે ઘટકને આગળના કારીગર તરફ મોકલે છે. પ્રત્યેક કારીગરે કરવાના કાર્યનું એવું સુનિશ્ચિત અને સાદું વિભાગીકરણ કરેલું હોય છે કે શિખાઉ કારીગર કોઈક તબક્કે કામ કરતો હોય તોપણ છેવટે આકર્ષક ફર્નિચરનું ઉત્પાદન થઈ શકે છે. ફર્નિચર તૈયાર થયા પછી તેને કાચપેપરથી સુંવાળું બનાવીને તેના ઉપર પૉલિશ કરવામાં આવે છે અને આકર્ષક બનાવવા માટે ટેબલ જેવા ફર્નિચર ઉપર તો આરસપહાણ અથવા કાચ પણ બેસાડવામાં આવે છે. કારખાનામાં પ્રત્યેક ભાગ જોડીને સંપૂર્ણ ફર્નિચર તૈયાર કરવામાં આવે તો તેનું કદ વધી જતું હોવાથી તેને વિવિધ સ્થળોએ મોકલવાનું પરિવહન-ખર્ચ વધારે આવે છે. તેથી ઉત્પાદકો હવે ફર્નિચરની માગ જ્યાં હોય તેવાં સ્થળોએ તેના છૂટા છૂટા ભાગો પારસલમાં ગોઠવીને મોકલે છે, જે તે સ્થળનો ફર્નિચર-વિક્રેતા સ્થાનિક કારીગરોની મદદથી જોડાવીને તેમાંથી આખું ફર્નિચર તૈયાર કરાવી લે છે. આ પ્રકારની વ્યવસ્થાથી ઉત્પાદકના પરિવહન-ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. વળી કોઈ ગ્રાહકે અગાઉ ફર્નિચર ખરીદ્યું હોય અને તેનો એકાદ ભાગ ખરાબ થયો હોય તો તે આખેઆખું નવું ફર્નિચર ખરીદવાને બદલે ખરાબ થયેલો ભાગ બદલાવીને પોતાનું જૂનું ફર્નિચર વાપરી શકે છે.

ભારતમાં ગુજરાત (અમદાવાદ, ઈડર, સંખેડા, જૂનાગઢ, ભાવનગર), મહારાષ્ટ્ર (મુંબઈ, સાવંતવાડી, નાગપુર), કર્ણાટક (બેલગામ, મૈસૂર), કેરળ (કોચીન, ત્રિચુર, તિરુવનન્તપુરમ્), આંધ્રપ્રદેશ (તિરુપતિ), ઓરિસા (પુરી, મયૂરભંજ), આસામ, ઉત્તરપ્રદેશ (અલીગઢ, લખનૌ, ગાઝીપુર, મથુરા), રાજસ્થાન (બીકાનેર), પંજાબ (જલંધર, હોશિયારપુર, અમૃતસર, લુધિયાના) અને જમ્મુ-કાશ્મીર(શ્રીનગર)માં લાકડાનું પરંપરાગત ફર્નિચર બનાવવાના લઘુઉદ્યોગો સારા પ્રમાણમાં વિકસ્યા છે.

જંગલોના નાશ સાથે ઇમારતી લાકડાની પ્રાપ્તિ દિવસે દિવસે વધુ ને વધુ મુશ્કેલ બનતી જાય છે. વળી ઋતુઓના ફેરફારથી, વાતાવરણના વધતા-ઓછા દબાણથી અને ભેજની વધઘટથી લાકડું સંકોચાય છે અથવા ફૂલી જાય છે. તેને લીધે તેમાં વિકૃતિ ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત ફર્નિચરના જુદા જુદા ભાગો બનાવતી વખતે લાકડામાં કાપકૂપી કરવાથી ઘણો બગાડ થાય છે. આવાં અનેક કારણોને લીધે હવે પ્લાયવુડ, પ્લાસ્ટિક, ઍલ્યુમિનિયમ અને પોલાદનું ફર્નિચર બનવા માંડ્યું છે. તેમાં પણ પોલાદનું ફર્નિચર બનાવવાનો ઉદ્યોગ મોટા પાયે વિકસ્યો છે. ઇમારતી લાકડા કરતાં પોલાદનો તન્ય ગુણધર્મ (tensility) વધારે હોવાથી ઓછા દળ(mass)માંથી પોલાદનું ફર્નિચર બનાવી શકાય છે; તેથી તે વજન(weight)માં હલકું હોય છે. વળી તે મજબૂત, લચીલું, સુલભતાથી વિભિન્ન આકારોમાં ઢાળી શકાય તેવું અને ઇનૅમલના જુદા જુદા રંગો લગાડવાથી આકર્ષક બનતું હોવાથી લાકડાના ફર્નિચર કરતાં તે વધુ લોકપ્રિય બન્યું છે. પોલાદનું ફર્નિચર મુખ્યત્વે ત્રણ પ્રકારનું બનાવવામાં આવે છે : (1) ઘરગથ્થુ ફર્નિચર; જેવું કે, કબાટ, પલંગ, સોફા, દીવાન, સ્ટૂલ, પુસ્તકો રાખવાની આલમારી, ખુરસી અને ટેબલો; (2) કાર્યાલયનું ફર્નિચર; જેવું કે  ફાઇલો રાખવાનાં સરકતાં ખાનાંવાળાં કબાટ, રેકર્ડ અને પુસ્તકો રાખવાનો ઘોડો, ખુરસી અને ટેબલ તથા (3) દવાખાનાનું ફર્નિચર; જેવું કે, દર્દી માટે પલંગ, નાનાં બાળકો માટે પારણું, શસ્ત્રક્રિયા માટેનાં ટેબલો અને દાંતની સારવાર માટે ખુરસી. બીજા મહાયુદ્ધ પછી પોલાદના ફર્નિચરની લોકપ્રિયતા વધી છે. ભારતમાં પોલાદનું ફર્નિચર બનાવતાં હાલ 13 મોટાં કારખાનાં છે, જેમાં 34,500 ટન ફર્નિચરનું ઉત્પાદન થાય છે. આ મોટાં કારખાનાંઓમાં ગોદરેજ અને ખીરા કંપનીઓ મોખરે રહી છે. સંગઠિત ક્ષેત્રની અપેક્ષાએ લઘુક્ષેત્રમાં લગભગ 900 કારખાનાં છે અને તેમની ઉત્પાદનક્ષમતા 73,000 ટન છે. દેશનાં નગરો અને મહાનગરો જેવાં કે મુંબઈ, કલકત્તા, ચેન્નઈ, અમદાવાદ, દિલ્હી વગેરેમાં લોખંડ અને પોલાદનું ફર્નિચર બનાવતા અનેક નાના ઘટકો વિકસ્યા છે. પોલાદના ફર્નિચરનો ઉદ્યોગ મુખ્યત્વે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તર-પ્રદેશ અને દિલ્હીમાં વિકસ્યો છે. આ ઉત્પાદનનો આંશિક વપરાશ સ્વદેશમાં થાય છે અને બાકીના ફર્નિચરની નેપાલ, કુવૈત, ઇથિયોપિયા, ટાંઝાનિયા, યુગાન્ડા અને કેન્યા જેવા દેશોમાં નિકાસ થાય છે.

પોલાદના ફર્નિચરમાં એકરૂપતા અને સામ્ય(uniformity and homogeneity)ના ગુણ હોય છે, કારણ કે તેના ઉત્પાદનમાં યંત્રોનો ઉપયોગ થતો હોય છે; પરંતુ તેમાં કારીગરના વ્યક્તિગત કૌશલ્યને કોઈ અવકાશ હોતો નથી, જ્યારે લાકડાના ફર્નિચરમાં વિવિધતા અને કલાત્મકતા દાખલ કરી શકાય તેમ હોવાથી તેમાં વ્યક્તિગત કૌશલ્યને વધુ અવકાશ હોય છે. સંખેડાનું ફર્નિચર તેનો સર્વોત્તમ દાખલો છે. પોલાદના ફર્નિચરમાં ધાતુનો ઉપયોગ થતો હોવાથી જંગલોનો નાશ અટકાવી શકાય અને તે દ્વારા પર્યાવરણનું રક્ષણ કરી શકાય છે. લાકડાના ફર્નિચરને લીધે જંગલોનો નાશ થાય છે, જે પર્યાવરણના સંતુલન માટે જોખમકારક ગણાય.

જયન્તિલાલ પો. જાની