ફર્ક્રિયા : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા એમેરિલિડેસી કુળની રણપ્રદેશમાં થતી માંસલ નાની પ્રજાતિ. તે રામબાણ (કેતકી Agave) સાથે સામ્ય ધરાવે છે અને ઉષ્ણકટિબંધીય અમેરિકાની મૂલનિવાસી છે. ભારત સહિત અનેક દેશોમાં તેની કેટલીક જાતિઓ ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિઓ તરીકે ઉગાડાય છે. અન્ય કેટલીક જાતિઓ વ્યાપારિક રેસાઓના સ્રોત તરીકે અગત્ય ધરાવે છે. તેની જાતિઓ મદ્રાસ, મૈસૂર, મુંબઈ, બંગાળ અને આસામમાં ઉદ્યાનોમાં ઉછેરવામાં આવે છે. કેટલીક જાતિઓ વાડ બનાવવામાં ઉપયોગી છે. ભારતમાં થતી કેટલીક જાતિઓમાં Furcrea watsoniana Hort. syn., F. gigantea var. mediopicta Trel, F. lindeni Jacobi. syn., F. sellosa var. marginata Trel., F. gigantea vent (મોરિશિયસ શણ), F. variegata Hort., F. bedinghausii Koch., F. longaeva Kraw. & Zucc.નો સમાવેશ થાય છે.
તેની બધી જાતિઓનાં પર્ણો લાંબાં, અણીદાર અને લીલા-પીળા-સફેદ પટાવાળાં હોય છે અને પર્ણકિનારીએ થોડા કાંટા જોવા મળે છે. F. watsonianaનાં પર્ણો 2.0થી 2.5 મી. લાંબાં અને 8.0થી 10.0 સેમી. પહોળાં હોય છે. અને તેટલી જ જગામાં ફેલાયેલાં હોય છે. પર્ણોની વચ્ચેથી નીકળતા લાંબા પ્રવૃંત (scape) પર નાનાં પુષ્પો બેસે છે. પુષ્પો ખરી ગયા પછી નાની ગાંઠો જેવું રહે છે. આ ગાંઠો રોપી નવા છોડ તૈયાર કરી શકાય છે. તે ખૂબ સુંદર દેખાતો હોવાથી લૉનમાં અથવા ક્રીડાશૈલો (rockery) પર રોપવામાં આવે છે. F. lindeni પણ સુંદર જાતિ છે; પરંતુ તે F. watsoniana કરતાં થોડી નાની થાય છે અને તેને કૂંડામાં પણ ઉછેરી શકાય છે.
મોરિશિયસ શણ મોટી ક્ષુપ જાતિ છે અને તેના ટૂંકા પ્રકાંડ પરથી 20થી 40 જેટલાં સીધાં-ત્રાંસાં માંસલ પર્ણો ઉત્પન્ન થાય છે. તે કંટકીય પર્ણાગ્ર ધરાવે છે. પર્ણની ઉપરની સપાટી ચળકતી લીલી હોય છે. જીવન દરમિયાન તે માત્ર એક જ વાર ફળ અને બીજ ઉત્પન્ન કરે છે. રામબાણની જેમ તેનું વાનસ્પતિક પ્રજનન પ્રકલિંકા (bulbil) દ્વારા થાય છે. તે કોઈ પણ પ્રકારની ભૂમિમાં થાય છે અને જ્યાં પાણી વધારે પ્રમાણમાં પ્રાપ્ય હોય તેમજ તાપમાન એકસરખું ઊંચું રહેતું હોય ત્યાં તેની વૃદ્ધિ સારી થાય છે. રેસા માટે પર્ણોની પ્રથમ લણણી વાવ્યા પછી ત્રણ વર્ષે કરવામાં આવે છે અને ત્યારપછી વનસ્પતિમાં પુષ્પ બેસે ત્યાં સુધી અથવા તે જીવે ત્યાં સુધી દર 18થી 24 માસના ગાળામાં લણણી કરવામાં આવે છે. પ્રત્યેક પર્ણનું વજન લગભગ 0.9 કિગ્રા. જેટલું હોય છે અને 2.25% રેસા ઉત્પન્ન કરે છે. પ્રતિ એકરે 50,000થી 60,000 પર્ણોનું ઉત્પાદન થતું હોય છે, જેમાંથી 1.0 ટન જેટલા રેસા પ્રાપ્ત થાય છે. રેસાઓનું નિષ્કર્ષણ હાથ કે યંત્રની મદદથી નિર્વિલ્કન (decortication) દ્વારા કરવામાં આવે છે.
મોરિશિયિસ શણ અમેરિકન શણ (sisal) સાથે સામાન્ય ગુણધર્મોની બાબતમાં સામ્ય ધરાવે છે. તે સફેદ, સ્થિતિસ્થાપક અને 0.9 મી.થી 1.2 મી. લાંબું હોય છે. તેનો તંતુકોષ 0.125 સેમી.થી 0.375 સેમી. લાંબો અને 15થી 24 માઇક્રોનનો વ્યાસ ધરાવે છે. તેનો તંતુ નબળો હોવાથી દોરડાં બનાવવામાં આ રેસાઓનો એકલો ઉપયોગ કરવામાં આવતો નથી.
ભારતના વિવિધ સ્રોતમાંથી પ્રાપ્ત કરેલા ફર્ક્રિયા રેસાના એક વિશ્લેષણ મુજબ તેનું મૂલ્ય ટકાવારીમાં આ પ્રમાણે છે : ભેજ 9.3–10.4%; સેલ્યુલોસ 66.9–77.7%; ભસ્મ 2.–12.21% α-જલાપઘટન (hydrolysis) વ્યય, 12.4–28.4%; β-જલાપઘટન વ્યય 14.5–30.1%; ઍસિડ-શુદ્ધીકરણ વ્યય 1.7–6.1%; મર્સરીકરણ વ્યય 11.4–16.8%; અને નાઇટ્રોકરણ લાભ 26.6–40.7%.
મધ્યમ ગુણવત્તાવાળાં દોરડાં બનાવવા માટે મોરિશિયસ શણ મનીલા શણ અને અમેરિકન શણ સાથે મિશ્ર કરવામાં આવે છે. તેનો ઉપયોગ બૂટનાં તળિયાં, સાદડીઓ અને કોથળા બનાવવામાં થાય છે.
રેસાના નિષ્કર્ષણ પછી બાકી રહેલા નકામા દ્રવ્યમાંથી પૉટાશ અને વુડ આલ્કોહૉલ મેળવવામાં આવે છે. તાજાં પર્ણોમાં સૅપોનિન હોય છે. પ્રકાંડ અને પ્રકલિકાના રસમાં પૉલિફ્રુક્ટોસન હોય છે.
ફર્ક્રિયાની F. macrophylla Baker. (ફિક્), F. cabuya Trel. (કૅબૂયા), F. andina Trel. (ચૂચાંchuchao), F. humboldtiana Trel. (કોકુઇઝા) વગેરે રેસા આપતી જાતિઓ છે.
બળદેવભાઈ પટેલ
મ. ઝ. શાહ