ફર્ટ, આલ્બર્ટ

February, 1999

ફર્ટ, આલ્બર્ટ (જ. 7 માર્ચ 1938) : ફ્રેન્ચ ભૌતિકવિજ્ઞાની અને વર્ષ 2007ના નોબેલ પુરસ્કારના વિજેતા. ગીગાબાઇટ હાર્ડ ડિસ્ક ડ્રાઇવની સફળતા માટે જવાબદાર બૃહત્કાય ચુંબકીય અવરોધ(giant magnetoresistance)ની શોધ બદલ પીટર ઍન્ડ્રિયાઝ ગ્રૂન્બર્ગની ભાગીદારીમાં ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મળેલો. ફર્ટ અને ગ્રૂન્બર્ગે આ શોધ લગભગ એક જ સમયે પણ સ્વતંત્રપણે કરેલી.

આલ્બર્ટ ફર્ટ

પૅરિસના ઈકોલ નોરમલ સુપિરિયર(Ecole Normale Superieure)માંથી 1962માં સ્નાતક થયા. 1963માં પૅરિસ યુનિવર્સિટીમાંથી માસ્ટરની અને 1970માં યુનિવર્સિટી પૅરિસ  સુદ(Universite Paris  Sud)માંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી.

1988માં લોખંડ અને ક્રોમિયમના બહુસ્તરોમાં બૃહત્કાય ચુંબકીય અવરોધ ઘટના (GMR) શોધી, જે સ્પિન્ટ્રૉનિક્સના ઉદભવ તરીકે સ્વીકૃત થયેલ છે. આલ્બર્ટ ફર્ટે સ્પિન્ટ્રૉનિક્સના ક્ષેત્રે ઘણુંબધું યોગદાન (સંશોધન) કર્યું છે.

હાલમાં (2008માં) તે પૅરિસ યુનિવર્સિટી  સુદમાં પ્રાધ્યાપક તરીકે શિક્ષણ અને સંશોધનકાર્ય કરે છે. આ ઉપરાંત નૅશનલ સાયન્ટિફિક રિસર્ચ સેન્ટરના અને થેલ્સ ગ્રૂપના નિયામક તરીકે પણ સેવાઓ આપે છે. તેઓ મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં ભૌતિકવિજ્ઞાનના સંલગ્ન પ્રાધ્યાપક પણ છે.

તેમને અનેક વૈજ્ઞાનિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, અકાદમીઓ અને કૉલેજો તરફથી ઍવૉર્ડ, ચંદ્રક, ફેલોશિપ અને માનસન્માન મળેલાં છે.

પ્રહલાદ છ. પટેલ