ફરાગી ગુજરાતી (જ. 1552; અ. 8 ઑક્ટોબર 1627, અમદાવાદ) : મુલ્લા હસન ફરાગી. અમદાવાદના ઉચ્ચ કોટિના વિદ્વાન. તેઓ ગુજરાતના મહાન સંત હજરત શાહ વજીહુદ્દીનના શિષ્ય હતા અને તેમની મદરેસામાં રહીને બધાં જ ઇસ્લામી શાસ્ત્રોમાં નિપુણતા મેળવી હતી. તેઓ અનેક પુસ્તકોના કર્તા હતા અને તેમની ગણના વિશ્વવિખ્યાત વિદ્વાનોમાં થતી હતી. તેઓ વિશેષ કરીને હદીસ-શાસ્ત્રમાં પારંગત હતા. તેમની કૃતિઓમાંથી 2 અરબી રિસાલા તર્કશાસ્ત્ર વિષયના, હસ્તપ્રત સ્વરૂપે મળે છે. ઑક્ટોબર 1627માં તેમનું અવસાન થયું ત્યારે તેમને અમદાવાદના ખાનપુર વિસ્તારમાં હજરત શાહ વજીહુદ્દીનની ખાનકાહ પાસે દફનાવવામાં આવ્યા હતા. હાલ તે સ્થળે તેમની મજાર મોજૂદ છે. મુલ્લા હસન ફરાગીના ત્રણ દીકરા હતા. મોટા દીકરાનું નામ હુસેન હતું. બીજા મૌલાના મુર્તુઝા હતા, જે અલવી-મદરેસામાં શિક્ષણ આપતા હતા. ત્રીજા દીકરા મૌલાના મૂસા પણ આલિમ (વિદ્વાન) હતા. અમદાવાદના નૂરગંજ મહોલ્લામાં તેમની મજાર છે.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી