ફરામજી, ફીરોજ

February, 1999

ફરામજી, ફીરોજ (જ. 19 ફેબ્રુઆરી 1878, મુંબઈ; અ. 21 ફેબ્રુઆરી 1938, પુણે) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના જાણીતા નિષ્ણાત તથા સિતાર અને વાયોલિનના વાદક. તેઓ પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે(1860 –1936)ના સમકાલીન હતા. માત્ર ત્રણ વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં માતાએ ઉછેર્યા. નાનપણથી સંગીત પ્રત્યે આકર્ષણ હોવાથી સંગીતના ગાયન-વાદનના કાર્યક્રમોમાં અચૂક હાજર રહેતા. તેમણે સંગીતનું શિક્ષણ વાયોલિન વગાડવાની તાલીમથી શરૂ કર્યું. 1893માં મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી શિક્ષકની નોકરી સ્વીકારી અને ત્યારબાદ ઘણી જગ્યાએ નોકરી કરી, પરંતુ ક્યાંય સ્થિર થઈ શક્યા નહિ. 1895માં રાવલપિંડીમાં એક પારસી કંપનીમાં સારી નોકરી મળી પરંતુ ત્યાંનું હવામાન માફક ન આવતાં મુંબઈ પાછા આવ્યા. થોડાક સમય પછી પુણેમાં વિદેશી વસ્તુઓની દુકાન ખોલી, પરંતુ તેમાં પણ ખોટ સહન કરવી પડી. ત્યારબાદ પુણેના એક પારસી કૉન્ટ્રૅક્ટરની કંપનીમાં પુણે–મહાબળેશ્વર વચ્ચે ટપાલની હેરફેર કરવા માટેની નોકરીમાં જોડાયા અને મહાબળેશ્વરમાં રહેવા લાગ્યા. ત્યાંના સંગીતના એક જલસામાં સિતારવાદન સાંભળ્યું અને સિતારવાદન તરફ આકર્ષાયા. સિતારની તાલીમ સાથે સંગીતશાસ્ત્રનું પણ અધ્યયન કર્યું. 1922થી સંગીતનાં પુસ્તકો લખવાની અને તે પ્રકાશિત કરવાની પ્રવૃત્તિ શરૂ કરી. 1926માં તેમનું પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું અને ત્યારપછીનાં 12 વર્ષમાં  હિંદી ભાષામાં સંગીતશાસ્ત્ર પર તથા સંગીતનાં વિવિધ પાસાં પર તેમણે કુલ 36 પુસ્તકો લખ્યાં અને પ્રકાશિત કર્યાં. તેમણે લખેલાં પુસ્તકોમાં ‘સિતાર ગત તોડે સંગ્રહ’, ‘ખ્યાલ ગાયકી’, ‘દિલખુશ ઉસ્તાદી ગાયકી’, ‘એન્સાયક્લોપીડિયા ઑવ્ મ્યૂઝિક’, ‘તાનપ્રવેશ’, ‘ભારતીય શ્રુતિસ્વર શિક્ષા’, ‘રાગશાસ્ત્ર’, ‘સંગીત શ્રુતિસ્વર શિક્ષા’, ‘રાગશિક્ષક’, ‘સંગીતલહરી’, ‘ફીરોજ રાગ સિરીઝ’, ‘હિંદુસ્તાની ગાયકી’, ‘રાગ-લક્ષણ ગીતમાલિકા’, ‘હિંદુસ્તાની સંગીતવિદ્યા’, ‘સંત-ગીતલહરી’ વગેરેનો સમાવેશ થાય છે.

પારસી હોવાને કારણે તેમનાં પુસ્તકોમાં ઉપયોગમાં લેવાયેલ હિંદી ભાષામાં પારસી-ગુજરાતી બોલીની લઢણ દેખાઈ આવે છે. ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના શાસ્ત્રકાર તરીકે તેઓ એકલા જ પારસી વિદ્વાન નામના પામ્યા છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે