ફરાઇદી ચળવળ : બંગાળમાં અંગ્રેજોના શાસન વિરુદ્ધની સ્થાનિક ચળવળ. જોકે એનો મૂળ ઉદ્દેશ ઇસ્લામનું શુદ્ધીકરણ અને મુસ્લિમોના પુનરુદ્ધારનો હતો. આ ચળવળ ફરીદપુરના હાજી શરીઅતુલ્લાહે શરૂ કરી હતી. તેમણે જાહેર કરેલું કે હિંદ જ્યારથી બ્રિટિશ હકુમત નીચે આવ્યું છે ત્યારથી તે ‘દારુલહર્બ’ (મરુભૂમિ) બની ગયું છે. તેમણે પોતાના મુરિદો પાસે પ્રતિજ્ઞાપૂર્વક સોગંધ લેવડાવ્યા હતા કે તેઓ મિતાહારી જીવન જીવશે અને વિદેશીઓના રાજકીય આધિપત્ય અને આર્થિક શોષણ સામે લડત ચાલુ રાખશે. પૂર્વ બંગાળમાં ખાસ કરીને ફરીદપુર જિલ્લો અને નિકટવર્તી પ્રદેશોમાં આ બ્રિટિશ વિરોધી ચળવળને ટેકો પ્રાપ્ત થયો હતો. હાજી શરીઅતુલ્લાહના પુત્ર દુદુમિયાં(1819–1860)એ માનવજાતની સમાનતા ઉપર ભાર મૂક્યો હતો અને જાહેર કર્યું હતું કે પૃથ્વી ખુદાની હોઈ કોઈને એ વારસા રૂપે રાખવાનો કે તેના ઉપર કરવેરા નાખવનો અધિકાર નથી. આમ આ આંદોલન છેવટે કૃષિ આંદોલનમાં ફેરવાયું હતું. 1860માં દુદુમિયાંનું અવસાન થતાં ફરાઇદી ચળવળ ઠંડી પડી ગઈ.
પ્રવીણચંદ્ર પરીખ