ફરમાકામ : પ્રબલિત સિમેન્ટ કૉન્ક્રીટના બાંધકામ માટે તૈયાર કરાતું માળખું. માળખા દ્વારા જરૂરિયાત મુજબની બાજુઓ રચાય છે. આવી રીતે તૈયાર થયેલ માળખા-ફરમાકામમાં કૉન્ક્રીટ ઢાળવામાં આવે છે. ફરમાને શટરિંગ પણ કહેવાય છે.
ફરમાકામ લાકડાં, પ્લાયવુડ કે લોખંડનાં પતરાંનું બનાવાય છે. જે આકારના પ્રબલિત સિમેન્ટ-કૉન્ક્રીટનું બાંધકામ કરવાનું હોય તે આકારની પેટી જેવી રચના કરવામાં આવે છે. તે ઉપરથી ખુલ્લી હોય છે. તેની નીચે તેમજ બાજુઓમાં (સાઇડમાં) પાટિયાંઓ આવેલાં હોય છે. ફરમાને નીચે ટેકાઓ (વળીઓ) રાખવામાં આવે છે.
ફરમાકામની અંદર પ્રબલિત સિમેન્ટ-કૉન્ક્રીટ માટે જરૂરી એવું લોખંડ (reinforcement) સળિયાઓના સ્વરૂપમાં મૂકવામાં આવે છે. સિમેન્ટ, કપચી, રેતી તથા પાણીનું મિશ્રણ (કૉન્ક્રીટ મિક્સ) તે ફરમામાં ઠાલવવામાં આવે છે. ત્યારબાદ કડિયાઓ કૉન્ક્રીટ ચણતરની ઉપરની સપાટીનું ઓપકામ (ફિનિશિંગ) કરે છે. ફરમાની અંદરનું કૉન્ક્રીટ બરાબર જામીને સખત બની જાય પછી ફરમાકામને હઠાવવામાં આવે છે. સામાન્ય રીતે શરૂઆતમાં પડખાંનાં પાટિયાંઓ હઠાવવામાં આવે છે અને પછીથી નીચેના ટેકાઓ હઠાવવામાં આવે છે. અલગ અલગ પ્રકારના સિમેન્ટ-કૉન્ક્રીટ બાંધકામમાં કૉન્ક્રીટિંગ કર્યા પછી ફરમાકામ હઠાવવા માટે નીચે મુજબ(પૃ. 581)ની સમયમર્યાદા સામાન્ય રીતે રાખવામાં આવતી હોય છે.
બાંધકામ/ફરમાકામનો પ્રકાર |
ફરમા હઠાવવાની સમયમર્યાદા |
|
(1) | દીવાલ, પિલર તથા બીમનાં પડખાંનાં પાટિયાં | 24 થી 48 કલાક |
(2) | છત નીચેનાં પાટિયાં | 3 દિવસ |
(3) | બીજાં નીચેનાં પાટિયાં | 7 દિવસ |
(4) | છત નીચેના ટેકાઓ | |
(અ) 4.5 મીટર સુધીનો ગાળો | 7 દિવસ | |
(આ) 4.5 મીટરથી વધુ ગાળો | 14 દિવસ | |
(5) | બીમ તથા કમાન નીચેના ટેકાઓ | |
(અ) 6 મીટર સુધીનો ગાળો | 14 દિવસ | |
(આ) 6 મીટરથી વધુ ગાળો | 21 દિવસ |
પાટિયાંઓ, ટેકાઓ, લોખંડના ત્રાપા (plates) જેવાં ફરમાકામ માટેનાં સાધનો વારંવાર વાપરી શકાય છે. લાકડાની વસ્તુઓમાં ફૂલવા તથા સંકોચાવાથી તડ ન પડે તે માટે તેમજ લોખંડના ત્રાપાઓ તથા ટેકાઓમાં કાટ ન લાગે તે માટે સપાટીઓ પર સમય સમય પર યોગ્ય પદાર્થનું આવરણ લગાવવું જોઈએ.
આદર્શ ફરમાકામ નીચે મુજબના ગુણધર્મો ધરાવતું હોવું જોઈએ : (1) ફરમાકામનો માલસામાન વાજબી ભાવવાળો તથા વારંવાર વાપરી શકાય તેટલો ટકાઉ હોવો જોઈએ. (2) માળખું સખત હોવું જોઈએ જેથી નમન લઘુતમ થાય. (3) માળખું વજનમાં હલકું હોવું જોઈએ. (4) માળખાની સપાટી ભેજ ન પ્રવેશી શકે તેવી હોવી જોઈએ તથા તેનું ફૂલવાનું તથા સંકોચાવાનું પણ લઘુતમ હોવું જોઈએ. (5) માળખાની સપાટી લીસી હોવી જોઈએ, જેથી કૉન્ક્રીટની સપાટી પણ લીસી મેળવી શકાય. (6) તેનાથી રચાતા સાંધાઓ મજબૂત હોવા જોઈએ. (7) માળખું બાંધકામ માટે તથા નિરીક્ષણ માટે હરતાફરતા લોકોનું વજન વહન કરવા માટે સક્ષમ હોવું જોઈએ.
રાજેશ માનશંકર આચાર્ય