ફરસી : પ્રાચીન કાળથી યુદ્ધમાં વપરાતું પરંપરાગત શસ્ત્ર. તે કુહાડીના ઘાટનું લાંબા હાથાવાળું હોય છે. તેનું પાનું મુખ્યત્વે પોલાદનું અને હાથો લાકડાનો હોય છે. શત્રુ પર સહેજ દૂરથી ઘા થઈ શકે તે માટે તેનો હાથો કુહાડીના હાથા કરતા લાંબો રાખવામાં આવે છે. શત્રુ પર જીવલેણ હુમલો થઈ શકે તે માટે તેના હાથાના ઉપરના ભાગ પર એક તરફ અત્યંત તીક્ષ્ણ ધારવાળું શંકુ આકારનું પાનું બેસાડવામાં આવે છે.

ફરસી

ઈ. પૂ. 8000માં તે અસ્તિત્વમાં હતું એવા પુરાવા સાંપડ્યા છે. માણસ જ્યારે પ્રાણીઓના માંસ પર જીવતો હતો ત્યારે નજીકથી પ્રાણીઓનો શિકાર કરવા માટે આ હથિયારનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ જુદી જુદી ટોળીઓ વચ્ચેના સશસ્ત્ર સંઘર્ષમાં પણ તેનો ઉપયોગ થવા લાગ્યો.

મહાભારતના યુદ્ધમાં પાંડવો અને કૌરવો બંનેની સેનામાં આ શસ્ત્ર ધારણ કરનાર સૈનિકોની અલાયદી ટુકડીઓ રાખવામાં આવી હતી. ભારતનાં મધ્યકાલીન યુદ્ધોમાં સૈનિકોની ટુકડીઓની ગોઠવણમાં આ પ્રથા ચાલુ રહી હતી. રોમન યુદ્ધોમાં પણ ફરસી ધારણ કરતા સૈનિકોનો વ્યાપક ઉપયોગ થતો હતો. ત્યારપછીથી નજીકથી શત્રુ પર વાર કરી શકાય એવાં વિસ્ફોટક સામગ્રી ધરાવતાં પિસ્તોલ અને રિવૉલ્વર જેવાં અદ્યતન શસ્ત્રોની શોધ થતાં તલવાર, ભાલા અને ફરસી જેવાં પરંપરાગત શસ્ત્રો ધીમે ધીમે લુપ્ત થતાં ગયાં. વિશ્વના કોઈ પણ દેશની સંગઠિત સેનામાં હવે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામનું તે આયુધ હોવાથી આ શસ્ત્રને પરશુ તરીકે પણ ઓળખવામાં આવે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે