ફણસ : દ્વિદળી વર્ગમાં આવેલા મોરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Artocarpus heterophyllus Lam. syn. A. integrifolia Hook F. (સં. પનસ્; હિં फटहर; બં, કાઠાલ; મ. ગુ. ફણસ; અં. જૅકફ્રૂટ) છે. તે ભારતનું મૂલનિવાસી છે. તેનું પ્રકાંડ સીધું અને નળાકાર હોય છે અને લીસી અથવા થોડીક ખરબચડી લીલી કે કાળી છાલ વડે આવરિત હોય છે. છાલ લગભગ 1.25 સેમી. જાડી હોય છે અને ક્ષીરરસનો સ્રાવ કરે છે. પર્ણો સાદાં પહોળાં (5થી 25 સેમી. × 3.5 થી 12 સેમી.) પ્રતિઅંડાકાર–ઉપવલયી(obovate-elliptic)થી માંડી ઉપવલયી; અધોવર્ધી (decurrent), અરોમિલ (glabrous) અને અખંડિત હોય છે. પુષ્પવિન્યાસ કક્ષીય એકાકી, સ્તંભપુષ્પી (cauliflorus) અને શાખપુષ્પી (rariflorous) હોય છે. નર મુંડક અદંડી કે ટૂંકો દંડ ધરાવે છે. માદા મુંડકો લંબચોરસ-અંડાકાર આધાન (receptacle) પર આવેલા હોય છે. ફળ સંયુક્ત સરસાક્ષ (sorosis) 30થી 100 સેમી  25થી 30 સેમી., નળાકાર કે મગદળાકાર (clavate) અને પીળા રંગનું હોય છે. ફળની ઉપરની છાલ જાડી, ખરબચડી, ચર્મિલ અને કંટકમય હોય છે. પુષ્પવિન્યાસનાં બધાં પુષ્પોના પરાગવાહિનીઓ અને પરાગાસનો જેવા અગ્રભાગો એકસાથે જોડાવાથી તે ઉદભવે છે. પ્રત્યેક તીક્ષ્ણ રચના દીર્ઘસ્થાયી પરાગવાહિનીથી બને છે. ફળના ખાવાલાયક માંસલ પીળા રંગના અને શંકુ આકારના ભાગને પેશી કે ચાંપા (flake) કહે છે. તે પરિદલપુંજમાંથી ઉદભવે છે અને ફળના મુખ્ય અક્ષની આસપાસ જોડાયેલાં હોય છે. માંસલ પરિદલપુંજની મધ્યમાં બે અસમાન બીજપત્રો ધરાવતું એક મોટું બીજ હોય છે. તે લંબચોરસ-ઉપવલયી (oblongelliptic) હોય છે અને તેનું કદ 30 × 15થી 20 મિમી. જેટલું હોય છે. તેની ફરતે લાલાશ પડતા રંગનું પાતળું, ઢીલું અને થેલી જેવું ફલાવરણ આવેલું હોય છે. પેશીઓની આજુબાજુ બીજા થોડા ચપટા, લાંબા અને સફેદ રંગના રેસાઓ હોય છે. તે વંધ્ય પુષ્પોના અંશો હોય છે અને ખાવાના ઉપયોગમાં આવતા નથી.

ફણસ

ભારતમાં ફણસના વાવેતર હેઠળના આશરે 13,460 હેક્ટરના વિસ્તાર પૈકી 8,000 હેક્ટર આસામમાં છે. 260 હેકટર ઉત્તરપ્રદેશમાં, બિહારમાં 4,000 હેક્ટર તથા દક્ષિણનાં રાજ્યમાં 1,200 હેક્ટરનો વિસ્તાર છે. ઉત્પાદનની ર્દષ્ટિએ ઉપરનાં રાજ્યોમાં કેરી તથા કેળાં પછી ફણસનું ત્રીજું સ્થાન છે. ફણસ દક્ષિણ ભારતનું ખૂબ જાણીતું ફળ હોવાથી કર્ણાટક અને તામિલનાડુ રાજ્યોમાં એલચી, મરી વગેરે મરીમસાલાના પાકોની વાડીઓમાં તથા કૉફીનાં પ્લાન્ટેશનોમાં છાયાના વૃક્ષ તરીકે તેનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. ઉત્તરપ્રદેશનાં મેદાનોમાં પણ તેનું ઘણું વાવેતર થાય છે.

ઉષ્ણકટિબંધનો પાક હોવાથી ગરમ અને ભેજવાળું હવામાન તેને માફક આવે છે. 450થી 1,200 મીટરની ઊંચાઈ સુધી પણ ટેકરીઓના ઢોળાવ ઉપર તેનું વાવેતર થઈ શકે છે, પરંતુ 1,000 મીટરથી વધુ ઊંચાઈએ થયેલ વાવેતરનાં ફળ ગુણવત્તામાં નબળાં રહે છે.

ફણસના વાવેતર માટે સારો નિતાર હોવો ખાસ જરૂરી છે. સારા નિતારવાળી વિવિધ પ્રકારની જમીનમાં તે થઈ શકે છે. ભારે પણ સારા નિતારવાળી દળદાર કાંપવાળી જમીન તેને માફક આવે છે.

ફણસની ચોક્કસ જાતો નથી. વાવેતરમાંનાં તેનાં વૃક્ષોમાં ઘણી વિવિધતા હોય છે; છતાં સામાન્ય રીતે તેના પ્રકારો બે જૂથોમાં વહેંચાયેલા છે : (1) સખત માવાવાળા અને (2) નરમ માવાવાળા. મહત્વના પ્રકારોમાં (1) રુદ્રાક્ષી તથા (2) સિંગાપુર અથવા સિલોન જાતો છે. બીજસંવર્ધનમાં પણ તે પોતાના ગુણધર્મો જાળવી રાખે છે. રુદ્રાક્ષી જાતનાં ફળ પ્રમાણમાં નાનાં, નરમ માવાવાળાં તથા ગુણવત્તામાં નબળાં હોય છે. રુદ્રાક્ષી જાતનું વાનસ્પતિક પ્રસર્જન મૂલકાંડ ઉછેરથી થાય છે. સિંગાપુર અથવા સિલોન જાત શ્રીલંકામાંથી મેળવીને દાખલ કરાયેલ છે. તે રોપણી બાદ બેથી અઢી વર્ષમાં જ ફળ આપે છે.

તેનું પ્રસર્જન મોટાભાગે બીજથી અથવા બીજમાંથી ઉછેરેલ રોપાઓથી થાય છે. વાનસ્પતિક પ્રસર્જનમાં સામાન્ય અને સફળ પદ્ધતિ ભેટ-કલમની છે. અન્ય પદ્ધતિઓમાં ભારતમાં ગુટી-કલમ તથા જાવામાં આંખ-કલમની પદ્ધતિ છે.

ઉનાળા દરમિયાન જમીનને ખેડી, કરબી, નિયુક્ત અંતરે 30 x 30 x 30 સેમી. લાંબા, પહોળા, ઊંડા ખાડા ખોદી તપવા દેવામાં આવે છે. ચોમાસાની શરૂઆતમાં નબળી જમીન હોય તો ખાડાની માટી સાથે સારું કહોવાયેલ 10 કિલોગ્રામ છાણિયું ખાતર ભેળવી ખાડા પૂરવામાં આવે છે. ફણસનું વાવેતર 10 x 10થી 13 x 13 ચોરસ મીટરના અંતરે થઈ શકે છે. બીજને વાવતા અગાઉ 24 કલાક પાણીમાં બોળી રાખવાથી સારો ઉગાવો થાય છે. રોપાથી વાવેતર કરવાને બદલે અગાઉ તૈયાર કરેલ ખાડાઓમાં ચોમાસામાં સારા વરસાદ બાદ સીધાં બીજ વાવવાં અનુકૂળ રહે છે. કલમની રોપણી ચોમાસા દરમિયાન થઈ શકે છે. સંશોધન-આધારિત ખાતરોની કોઈ ખાસ ભલામણ કરાતી નથી. સામાન્ય રીતે સારું કહોવાયેલ છાણિયું ખાતર કે ગળતિયું ખાતર ઝાડદીઠ 40થી 50 કિલોગ્રામ આપવું પૂરતું થઈ રહે છે.

ફણસના પાકને વરસાદ ન હોય ત્યારે પિયત આપવું જરૂરી બને છે. બાકી તો કૉફી તથા મરીમસાલાના પાકોના પિયત સાથે તેને પૂરતા પ્રમાણમાં ભેજ મળી રહે છે. સામાન્ય રીતે તેના પાકને ખેડ, ખાતર, પાણી અને નીંદામણની કોઈ ખાસ અલગ માવજત આપવામાં આવતી નથી; પરંતુ કૉફી તથા મસાલાના પાકોમાં છાયાના વૃક્ષ તરીકે ઉછેરાતાં હોવાથી આ પાકોની માવજત સાથે ફણસની માવજત પણ આપોઆપ થઈ જાય છે. ઉત્તર ભારતમાં શિયાળા દરમિયાન પાકની શરૂઆતની વૃદ્ધિના સમયે હિમ સામે રક્ષણની કાળજી લેવાય છે.

સિંગાપુર જાત સિવાયની અન્ય જાતોમાં વાવેતર બાદ આઠમા વર્ષથી ફળ બેસવાની શરૂઆત થાય છે. સામાન્ય રીતે ફળ માર્ચથી જૂન માસ દરમિયાન લાગે છે. ઊંચાઈ ઉપર કરેલ વાવેતરમાં સપ્ટેમ્બર સુધી ફળ આવવાનું ચાલુ રહે છે.

ફણસનાં ફળ કદમાં ઘણાં મોટાં હોય છે. સારા વિકસેલ ફળનું વજન 25થી 30 કિલોગ્રામ થાય છે. ઝાડદીઠ આશરે 200થી 500 ફળનું ઉત્પાદન પ્રતિવર્ષ મળે છે.

ફણસના પાકને નીચે પ્રમાણેની જીવાતો અને રોગો થાય છે :

[અ] જીવાતો : ફણસની ગંભીર જીવાતોમાં (1) થડ કોરી ખાનાર ઇયળ, (2) ચીકટો અને (3) ભીંગડાંવાળી જીવાતનો સમાવેશ થાય છે.

[બ] રોગો : મહત્વના રોગોમાં (1) પિન્ક રોગ, (2) થડનો સડો, (3) ફળનો સડો તથા (4) નર પુષ્પવિન્યાસનો સડો છે. સામાન્ય નિયંત્રણનાં પગલાંઓમાં રોગગ્રસ્ત ભાગોને છાંટણીથી દૂર કરવામાં આવે છે, તથા બોર્ડો મિશ્રણ અથવા તાંબાયુક્ત ફૂગનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે.

તેના ફળનો 30% ભાગ ખાદ્ય હોય છે. 100 ગ્રા. ખાદ્ય ભાગનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : ભેજ 76.2 ગ્રામ, પ્રોટીન 1.9 ગ્રા., મેદ 0.1 ગ્રા., કાર્બોહાઇડ્રેટ્સ 19.8 ગ્રા., રેસા 1.1 ગ્રા., ખનિજતત્વો 0.9 ગ્રા., કૅલ્શિયમ 20 મિગ્રા., ફૉસ્ફરસ 41.0 મિગ્રા. [ફાઇટિન (ફૉસ્ફરસ) 17 મિગ્રા.], લોહ 0.5 મિગ્રા., થાયેમિન 0.03 મિગ્રા., રિબોફ્લેવિન 0.13 મિગ્રા., નાયેસીન 0.4 મિગ્રા., ઍસ્કૉર્બિક ઍસિડ 7.0 મિગ્રા., કૅરોટીન 175.0 માઇક્રોગ્રામ, કાર્યશક્તિ 88 કિ. કૅ.

કાચા ફળમાં નાઇટ્રોજનનું પ્રમાણ લગભગ 0.42% જેટલું હોય છે. તેના પ્રોટીનના બંધારણમાં આવેલા આવશ્યક એમિનોઍસિડનું પ્રમાણ આ પ્રમાણે છે : આર્જિનીન 1.92, સિસ્ટીન 1.44, હિસ્ટિડીન 0.96, લ્યૂસીન 8.0, આઇસોલ્યૂસીન 7.2, લાયસીન 4.8, મિથિયોનીન 1.44, ફિનાઇલઍલેનિન 7.68, થિયોનિન 5.76, ટ્રિપ્ટોફેન 1.28 અને વેલાઇન 8.8 ગ્રા./16 ગ્રા. N.

ખાદ્ય ફળ તરીકે તે શોખીનોનું માનીતું ફળ ગણાય છે. તેની પેશી લીસી, મીઠી સુગંધીવાળી અને રુચિકર હોય છે. તેના કકડા કરીને ખવાય છે અથવા આઇસક્રીમ, કૅન્ડી, શાકભાજી, અથાણાં અને પાપડ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. ડબ્બાબંધ (canned) ફળનો ઉપયોગ શરબત, જામ અને જેલી બનાવવામાં થાય છે. ખાંડ અને મધ સાથે મિશ્ર કરી પાકી પેશીનું પરિરક્ષણ કરવામાં આવે છે. કાચા ફળની પેશીઓને ઘી કે તેલમાં તળીને મીઠું ભેળવી તેની ચકતીઓ બનાવી ખાવામાં આવે છે. ફળની છાલનો ઉપયોગ ઢોરોના ખાણ તરીકે થાય છે. બીજ અનેક ખાદ્ય બનાવટોમાં ખૂબ વપરાય છે.

તેનું કાષ્ઠ પ્રમાણમાં સખત હોય છે. રસકાષ્ઠ (sapwood) ઝાંખું અને અંત:કાષ્ઠ (heartwood) ચકચકિત પીળું હોય છે. તે ખુલ્લું થતાં ઘેરા રંગનું બને છે. તેનું સરેરાશ વજન 595 કિગ્રા./ઘમી. હોય છે. તેનું પરિપક્વન (seasoning) સહેલાઈથી થાય છે. તેના પર ઊધઈ કે ફૂગનું આક્રમણ થતું નથી. તે ટકાઉ (સરેરાશ આયુષ્ય 120 માસથી 179 માસ) હોય છે અને વંકાતું કે ચિરાતું નથી. પહાડી વિસ્તારમાં અને મેદાનમાં ઊગતા ફણસના પ્રકાષ્ઠ(timber)ની સાગના ગુણધર્મોના સંદર્ભમાં ટકાવારીમાં ઉપયુક્તતા આ પ્રમાણે છે : વજન 91 : 84, પાટડાનું સામર્થ્ય 87 : 68, પાટડાની દુર્નમ્યતા (stiffness) 89 : 66, સ્તંભ તરીકેની ઉપયુક્તતા 88 : 67, આઘાત–અવરોધક-શક્તિ 73 : 63, આકાર-જાળવણી 87 : 100, અપરૂપણ 101 : 96; કઠોરતા (hardness) 99 : 97. તેનો સુતારીકામમાં – પેટીઓ, રાચરચીલું, કૅબિનેટ, પલંગ, ખુરસીઓ તેમજ ચૌરંગ વીણા અને તાનપૂરા જેવાં સંગીતનાં સાધનો બનાવવામાં ઉપયોગ થાય છે. કાષ્ઠને ઉકાળવાથી પીળો રંગ પ્રાપ્ત થાય છે. તેની ભૂકીમાંથી ઑક્ઝૅલિક ઍસિડ મેળવવામાં આવે છે. છાલમાંથી દોરડાના રેસા બનાવવામાં આવે છે. પર્ણોનો ઘાસ-ચારા તરીકે અને પતરાવળાં બનાવવામાં ઉપયોગ થાય છે.

આયુર્વેદ અનુસાર લીલું ફણસ મલાવિષ્ટંભક, મધુર, બલકર, દોષલ, તૂરું, ગુરુ અને વાતુલ હોય છે. કુમળું ફણસ મધુર, જડ, કફકર અને મેદવર્ધક હોય છે અને દાહ, વાયુ, પિત્ત, ક્ષતક્ષય અને રક્તપિત્તનો નાશ કરે છે. પાકેલું ફણસ શીતળ, દાહક, સ્નિગ્ધ, તૃપ્તિકારક, રુચિકર, માંસવર્ધક, કફકર, બલકર, પૌષ્ટિક, જંતુકારક, વૃષ્ય અને દુર્જર હોય છે અને રક્તપિત્ત, ક્ષતક્ષય અને વાયુનો નાશ કરે છે. ફણસની ગોટલી મધુર, વૃષ્ય, જડ અને વિષ્ટંભક હોય છે. તેનાં બીજ કડવાં, મુખશુદ્ધિકર અને ગુરુ હોય છે. તેનું પાણી વૃષ્ય, મધુર અને ત્રિદોષનાશક હોય છે. તેનો ઉપયોગ મોં ફાટ્યું હોય તે ઉપર, શોફોદર, બાળકને થતા આમસંગ્રહણીમાં, કંઠરોગ, રક્તાતિસાર અને કૉલેરામાં પણ થાય છે.

જ. પુ. ભટ્ટ

બળદેવભાઈ પટેલ