ફડકે, વિઠ્ઠલ લક્ષ્મણ (મામાસાહેબ) (જ. 2 ડિસેમ્બર 1887, જાંબુલપાડા, જિ. રત્નાગિરિ; અ. 29 જુલાઈ 1974, ગાંધીઆશ્રમ, ગોધરા) : અસ્પૃશ્યતાનિવારણ આદિ હરિજનસેવાનું રચનાત્મક કાર્ય કરનાર ગાંધીમાર્ગી સેવક અને સ્વાતંત્ર્યસૈનિક. તેમનો જન્મ ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રત્નાગિરિમાં લીધું. નાનપણથી અંગ્રેજી નહિ ભણવાના અને બ્રિટિશ સરકારની નોકરી નહિ કરવાના વિચારો ધરાવતા હોવા છતાં પિતાની ઇચ્છાને માન આપીને અંગ્રેજી શાળામાં દાખલ થયા. 1905માં મુંબઈમાં બહેનને ઘેર રહ્યા. આ દરમિયાન નાસિક જઈ, સાવરકરને ઘેર ત્રણ દિવસ રહી, ‘મિત્રમેળા’ની પ્રવૃત્તિ વિશે માહિતી મેળવી. મુંબઈમાં વાંચવાનો શોખ કેળવાયો. સ્વદેશભક્તિની ધૂન લાગી. રત્નાગિરિ જઈને ત્યાં કૉંગ્રેસના જહાલ જૂથના નેતાઓના સ્વદેશીનો પ્રચાર વિદેશી માલનો બહિષ્કાર, રાષ્ટ્રીય શિક્ષણ અને સ્વરાજ કાર્યક્રમનો પ્રચાર કર્યો. રાષ્ટ્રીય શાળા માટે ફંડ ઉઘરાવ્યું; સ્વદેશીના પ્રચાર માટે ભાષણો કર્યાં. સ્કૂલ ફાઇનલ(મૅટ્રિકની સમકક્ષ)ની પરીક્ષા આપવાને બદલે પોલીસ પાછળ પડેલી હોવાથી ઘર છોડી વડોદરામાં ગંગનાથ વિદ્યાલયમાં શિક્ષક તરીકે જોડાયા. ત્યારથી તે ‘મામાસાહેબ’ તરીકે ઓળખાતા થયા. તેમને રાજદ્રોહી ગણીને ત્યાંથી છૂટા કરવા બ્રિટિશ સરકારે દબાણ કર્યું હતું. ક્રાંતિકારી પ્રવૃત્તિને કારણે કેન્દ્ર સરકારે તે વિદ્યાલય બંધ કરાવ્યા બાદ મામાસાહેબ ગિરનાર ગયા. ત્યાં સંતરામજીના મંદિરમાં સાડા ત્રણ વરસ અજ્ઞાત રીતે રહ્યા. ઑક્ટોબર 1914માં ગિરનારથી મહારાષ્ટ્ર ગયા.
મામાસાહેબને અજ્ઞાતવાસ દરમિયાન ત્રણેક વરસ ગાંધીજીનું ‘ઇન્ડિયન ઓપિનિયન’ છાપું વાંચવા મળ્યું હતું. સાધારણ માણસને જશના સાચા અધિકારી ગણવાની ગાંધીજીની રીતથી તેમના માટે તેમનો આદર વધ્યો હતો. દક્ષિણ આફ્રિકાથી 1915માં ભારત આવેલા ગાંધીજીને 26 ફેબ્રુઆરી, 1915ના રોજ પુણેમાં તેઓ મળ્યા. તેમને લાગ્યું કે, ‘એક મહાપુરુષ જેને હું ઝંખતો હતો તે મારો મિત્ર બની ગયો……’ ગાંધીજીએ અમદાવાદમાં સ્થાપેલા કોચરબ આશ્રમમાં 28 જૂન 1915ના રોજ તેઓ જોડાયા. ત્યાં બધું ઘરકામ-દળવું, વીણવું, રસોઈ કરવી વગેરે કરતા. વીસપચીસ કિલો શાક ખરીદી માથે ઉપાડીને આશ્રમમાં લાવતા.
નવેમ્બર 1917માં ગોધરામાં ભરાયેલ પ્રથમ ગુજરાત રાજકીય પરિષદમાં ગાંધીજીના આગ્રહથી હાજરી આપી. ત્યાં ભંગીવાસમાં થયેલી સભામાં અંત્યજશાળા ચલાવવાનું કામ મામાને સોંપવામાં આવ્યું. જૂન 1919માં શાળા ચલાવવા ગોધરા ગયા. ગાંધીયુગની એ પ્રથમ અંત્યજશાળામાં તેઓ ભંગીનાં છોકરાંઓને સ્વચ્છ કરતા અને શિક્ષણ આપતા. છોકરાં નાસી જાય ત્યારે લાંબા અંતર સુધી તેમનો પીછો કરી માબાપને સમજાવી તેમને પાછાં લઈ આવતા. શાળા શરૂમાં કાચા ઝૂંપડામાં, પછી ભાડાના પાકા મકાનમાં અને તે પછી આશ્રમના નવા મકાનમાં ચાલતી. ગાંધીજી તે અરસામાં બે વાર ગોધરા આવીને તેમની સાથે રહ્યા હતા. આશ્રમમાં શિક્ષણ આપવા ઉપરાંત ખેતી, મોચીકામ વગેરે શીખવવામાં આવતું. તેમણે આશ્રમમાં છોકરાંઓને દૂધ મળે તે માટે ગાયો રાખવા માંડી. અંત્યજોનાં છોકરાંઓના શિક્ષણ માટેના તેમના વિચારો પ્રયોગશીલ હતા. આશ્રમમાં શ્રમનું કામ કરાવવાના તેઓ આગ્રહી હતા. ગુજરાતભરની અંત્યજશાળાઓની તપાસની જવાબદારી મામાને સોંપવામાં આવી હતી. 1921માં અમદાવાદમાં મળેલા કૉંગ્રેસના અધિવેશનમાં સફાઈ કરનાર સ્વયંસેવકોની ટુકડીના તેઓ મુખી હતા. તેમાં પ્રશંસનીય કામગીરી માટે તેમને રજતચંદ્રક મળ્યો હતો.
1924માં બોરસદમાં અંત્યજ પરિષદ ભરવામાં આવી. તેના પ્રમુખપદે મામા ફડકે હતા. પરીક્ષિતલાલ મજમુદારે તેમની પાસે તાલીમ લીધી તે પછી ખારા-અબ્રામાના આશ્રમનું સંચાલન તેમને સોંપવામાં આવ્યું. મામાના વિદ્યાર્થીઓમાંના એક મૂળદાસ વૈશ્ય સંસદસભ્ય બન્યા હતા.
તેમણે સ્વાતંત્ર્ય-સંગ્રામમાં ભાગ લઈ કારાવાસ વેઠ્યો હતો. 1931માં તેમને નવ માસની જેલની સજા થયેલી, પરંતુ ગાંધી ઇર્વિન કરાર થવાથી તેઓ વહેલા છૂટ્યા હતા. 1932માં તેમને સાબરમતી અને તે પછી વિસાપુરની જેલમાં અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. 1942ની ‘હિંદ છોડો’ ચળવળ શરૂ થતાં તેમને અટકાયતી કેદી તરીકે દોઢ વરસ સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા.
તેમના સમગ્ર જીવનમાં સૌથી વધારે પ્રભાવ લોકમાન્ય ટિળક અને ગાંધીજીનો પડ્યો હતો.
જયકુમાર ર. શુક્લ