ફડકે, વાસુદેવ બળવંત

February, 1999

ફડકે, વાસુદેવ બળવંત (જ. 4 નવેમ્બર 1845, શિરધોન, જિ. કોલાબા; અ. 17 ફેબ્રુઆરી 1883, એડન) : અર્વાચીન ભારતના પ્રથમ ક્રાંતિકાર. મહારાષ્ટ્રના ચિતપાવન બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ. કોંકણના રત્નાગિરિ જિલ્લાના કેલશી ગામનું તેમનું કુટુંબ સોળમી સદીમાં કોલાબા જિલ્લાના શિરધોન ગામે આવીને વસ્યું હતું. વાસુદેવના દાદા અનંતરાવ પેશવાઓના સમયમાં કર્નાલાના કિલ્લાના કિલ્લેદાર હતા અને અંગ્રેજો સામે લડ્યા હતા. વાસુદેવના દાદા તથા પિતાજી બંનેને ત્યાંના લોકો ‘સૂબેદાર’ તરીકે ઓળખતા હતા. તે વિસ્તારના કોળી અને રામોશી જાતિના લોકોનું નેતૃત્વ કરવાના સંસ્કાર વાસુદેવને વારસામાં મળ્યા હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ કલ્યાણમાં તથા માધ્યમિક શિક્ષણ મુંબઈ તથા પુણેમાં લઈ મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન 1859માં તેમનાં લગ્ન થયાં. તેમણે જી. આઇ. પી. રેલવેમાં અને તે પછી 1864માં અને 1865માં લશ્કરના નાણાખાતામાં પુણેમાં નોકરી કરી હતી. કેટલોક સમય તેમણે ધર્મનો આશ્રય સ્વીકાર્યો હતો. તે દરમિયાન કલાકો પર્યન્ત તે સંધ્યા, રુદ્રી, ધ્યાન કરતા અને દત્તાત્રેયની પૂજા કરતા. આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરવા વાસ્તે તેઓ સાધુઓ અને સંન્યાસીઓને પણ મળતા હતા, ધાર્મિક ગ્રંથો વાંચતા, ઉપવાસો કરતા અને ધ્યાન ધરતા હતા.

ઈ. સ. 1870માં તેમની માતા બીમાર પડ્યાં. તેમણે રજાની અરજી કરી; પરંતુ રજા મંજૂર થતાં વધુ સમય વીત્યો. દરમિયાન ચિઠ્ઠી મૂકીને તેઓ શિરધોન જવા નીકળ્યા; પરંતુ વાહનવહેવાર ઝડપી ન હોવાથી તેઓ મોડા પડ્યા. તેઓ ઘેર પહોંચ્યા ત્યારે માતા મૃત્યુ પામ્યાં હતાં. આ બનાવનો તેમને સખત આઘાત લાગ્યો. આવી અત્યાચારી તથા અમાનવીય વિદેશી સરકારનો અંત આણવાનો તેમણે નિર્ધાર કર્યો. તેમણે ગામડાંઓમાં પ્રવાસ કરીને લોકજાગૃતિ વાસ્તે ભાષણો આપ્યાં. તેમણે નેટિવ ઇન્સ્ટિટ્યૂશન નામથી પુણેમાં 1874માં એક બિનસરકારી શાળા શરૂ કરી. પાછળથી તે ભાવે સ્કૂલ નામથી જાણીતી થઈ. ઈ. સ. 1876માં મહારાષ્ટ્રમાં ભયંકર દુષ્કાળ પડ્યો. તેમાં ઘણી મોટી સંખ્યામાં માણસો તથા ઢોર મૃત્યુ પામ્યાં. દુષ્કાળપીડિતોનાં અસહ્ય દુ:ખો તથા વિદેશી સરકારનાં અપૂરતાં રાહતકાર્યોથી વાસુદેવને અતિશય દુ:ખ થયું. આપણા દેશની સરકાર હોય તો આ રીતે માખીની જેમ અસંખ્ય માણસો મૃત્યુ પામે નહિ, એમ તેઓ સતત વિચારવા લાગ્યા. તેથી પ્રજાએ પોતાની સત્તા હસ્તગત કરીને સ્વરાજ સ્થાપવું જોઈએ. તેમણે સ્વરાજ મેળવવા માટે પોતાનું શેષ જીવન રાષ્ટ્રને સમર્પી દીધું. સરકાર-વિરુદ્ધ બળવો કરવા વાસ્તે શિક્ષિતો તૈયાર ન હોવાથી વાસુદેવે રામોશી લોકોના આગેવાનોને મળીને તેમને સંગઠિત કર્યા. તેમનામાં પોતાને માટે વિશ્વાસ પેદા કર્યો. તેમના વડવાઓનાં પરાક્રમોની પ્રશંસા કરી. બ્રિટિશ રાજ પ્રત્યે તેમનામાં અસંતોષ પેદા કર્યો અને તેમને વિદેશીઓની ગુલામી નાબૂદ કરવા પ્રોત્સાહિત કર્યા. ફડકેએ તેમને લડાઈ કરવા માટે ગેરીલા યુદ્ધપદ્ધતિની તાલીમ આપી. રામોશીઓ પોલાદની જેમ મજબૂત બાંધાના, મુસીબતોમાં અડગ રહેનારા, હિંમતવાળા તથા દુશ્મનો સામે ઝૂઝવામાં પાવરધા હતા.

વાસુદેવે પુણેમાં વિદ્યાર્થીઓનાં સંગઠનો સ્થાપીને તેમને વિવિધ કામગીરી સોંપી. એક જૂથ શાળાઓની બહાર ગુપ્ત સભાઓ ભરતું. બીજું જૂથ દેશભક્તિનાં ગીતો ગાતું નગરના માર્ગો પર સરઘસો કાઢતું. ત્રીજું જૂથ સંતોની પ્રાર્થનાઓ તથા ભક્તિગીતો ગાતું અને ચોથું જૂથ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટેના ઉત્સાહી સભ્યોનું બનેલું હતું. પ્રત્યેક જૂથના સભ્યને ભારતમાતાની વેદી ઉપર પોતાના અમૂલ્ય જીવનનું બલિદાન આપવા અને રાષ્ટ્રની હાકલનો જવાબ આપવા તત્પર રહેવાની પ્રતિજ્ઞા લેવી પડતી હતી. વાસુદેવ યુવાનોને તલવાર, ભાલા તથા અન્ય શસ્ત્રો વાપરવાની તાલીમ આપતા હતા. તેઓ રાતના સમયે જંગલમાં અથવા દૂરના એકાંત સ્થળે યુવકોને શસ્ત્રોની તાલીમ આપતા, તેથી તેમની આ પ્રવૃત્તિ તરફ સરકારનું ધ્યાન ગયું નહોતું. વાસુદેવ પોતે એક વ્યાયામવીર હતા. તેમના મહત્વના અનુયાયીઓ મધ્યમ વર્ગના બ્રાહ્મણો હતા. તેમના ગુપ્ત સંગઠનમાં કેટલીક મહિલાઓ પણ જોડાઈ હતી અને વાસુદેવની પત્ની તેમની આગેવાન હતી. વાસુદેવે સર્વે સભ્યોને પોતાનો હેતુ જાહેર કર્યો હતો કે તે બ્રિટિશ રાજ સામે સશસ્ત્ર સંગ્રામ કરવા માગે છે. તેઓ કહેતા કે તેમણે કરેલી નાનકડી શરૂઆતમાંથી (તણખામાંથી) ભવિષ્યમાં આખો દેશ બળવો કરશે. તેમની ડાયરીમાં જણાવ્યા પ્રમાણે, દેશના ઉદ્યોગોના નાશ તથા સિંચાઈની અવગણના માટે બ્રિટિશ સરકાર જવાબદાર છે. દેશના જુદા જુદા પ્રદેશોમાં પોતાના માણસો મોકલીને ત્યાં બળવો કરીને અરાજકતા પેદા કરવાની વાસુદેવની યોજના હતી. આવો બળવો કરવા હજારો માણસો જોડાશે અને ભારતના પ્રજાસત્તાકની રચના કરવામાં આવશે.

બળવો શરૂ કરવા વાસુદેવે 20 ફેબ્રુઆરી, 1879ની તારીખ ઠરાવી. તેમણે પોતાના સાથીઓને શસ્ત્રો, નાણાં, કપડાં વગેરે વહેંચી દઈને સ્વયંસેવકોની બે ટુકડીઓ પાડી. એક ટુકડીનું નેતૃત્વ તેમણે પોતે સંભાળ્યું અને બીજી ટુકડીની આગેવાની તેમના વિશ્વાસુ સરદાર દોલતરાવ નાયકને સોંપી. બંને ટુકડીઓમાં કુલ 200થી ઓછા સૈનિકો હતા.

બળવો કરવા માટે મોટું લશ્કર અને તેને નિભાવવા માટે ખૂબ નાણાં જોઈએ. નાણાં પ્રાપ્ત કરવા વાસ્તે વાસુદેવ તથા દોલતરાવે ધનિકોને ત્યાં ધાડ પાડવાનો નિર્ણય કર્યો. ધાડ પાડતા અગાઉ ગ્રામવાસીઓને તેઓ જણાવતા કે અંગ્રેજો સામે લડવા અમારે નાણાંની આવશ્યકતા છે. તેઓ માત્ર દુરાચારી શ્રીમંત શાહુકારોનાં મકાનો પર ધાડ પાડશે. ગરીબો, સ્ત્રીઓ તથા બાળકોને કોઈ પજવણી કરવામાં આવશે નહિ. દાગીના, ઝવેરાત અને રોકડ રકમ સ્વેચ્છાએ આપી દેશે તો બળજબરી કરવામાં આવશે નહિ; પરંતુ કોઈએ સ્વેચ્છાએ કંઈ આપ્યું નહિ. 23 ફેબ્રુઆરી, 1879ના રોજ તેમણે પુણે નજીક ધમારી ગામે ધાડ પાડી. તે પછી દડવી, નિંબગાંવ, પનમાલ, જેજુરી સહિત વીસથી પચીસ ગામોમાં ધાડ પાડી. તેથી સરકારનાં સૂત્રો સચેત બન્યાં. પોલીસ અને લશ્કર ફડકે અને તેમના સાથીઓને પકડવા સાવધ બન્યાં. તેથી ફડકેને ખાધાપીધા વિના, જીવ બચાવવા, એક સ્થળેથી બીજે સ્થળે દોડધામ કરવી પડી. તેમને જંગલમાં અને વૃક્ષો ઉપર આશ્રય લેવાની ફરજ પડી. નદીઓમાં કૂદી, તરીને નાસી જવું પડ્યું. કેટલીક વાર ગ્રામવાસીઓ વાસુદેવને આશ્રય આપતા, તેમને સંતાડી રાખતા અને પોલીસને ગેરમાર્ગે દોરતા. બળવો કચડી નાખવા સરકારે મેજર હેન્રી વિલિયમ ડૅનિયલને ખાસ જવાબદારી સોંપી, વાસુદેવની ધરપકડ કરવા વાસ્તે સરકારે રૂપિયા ચાર હજારનું ઇનામ જાહેર કર્યું. તે સામે વાસુદેવે ગવર્નરનું માથું ઉતારી લાવનાર માટે રૂપિયા પાંચ હજાર તથા જિલ્લા કલેક્ટર અને સેશન્સ જજ દરેકના માથા માટે રૂપિયા ત્રણ હજારનાં ઇનામો જાહેર કર્યાં.

વાસુદેવનો વિશ્વાસુ સરદાર દૌલતરાવ નાયક મેજર ડૅનિયલના ગોળીબારનો ભોગ બન્યો. રામોશીઓએ પાછળથી ફડકેનો વિશ્વાસઘાત કર્યો અને લૂંટેલાં નાણાં, ઝવેરાત વગેરે વહેંચી લીધાં. વાસુદેવે રોહિલાઓના સરદાર ઇસ્માઇલખાન સાથે દરેકને માસિક રૂ. 10/-ના પગારથી પાંચ સો રોહિલા આપશે એવો કરાર કર્યો પરંતુ તેમની યોજના કાર્યાન્વિત થાય તે અગાઉ, માઈલો સુધી ચાલીને તથા દોડીને થાકી ગયેલા વાસુદેવની બીજાપુર જિલ્લાના દેવરનવદગી ગામના બુદ્ધવિહારમાંથી 21 જુલાઈ, 1879ની વહેલી સવારે ધરપકડ કરવામાં આવી.

પુણેની સેશન્સ કૉર્ટમાં તેમના ઉપર કેસ ચલાવવામાં આવ્યો. તેમને આજીવન કાળા પાણી(દેશવટા)ની સજા કરવામાં આવી. ત્યારે કૉર્ટની બહાર ભેગા થયેલા લોકો તેમની જય પોકારતા હતા. તેમને બહાર લાવવામાં આવ્યા ત્યારે લોકોએ તેમને વંદન કર્યાં અને કેટલાકે તેમના ચરણસ્પર્શ કર્યા. મુંબઈની વડી અદાલતે તેમની અપીલ રદ કરી. અનેક કેન્દ્રીય વર્તમાનપત્રોએ તેમની રાષ્ટ્રભક્તિની પ્રશંસા તથા તેમને કરેલી સજાની ટીકા કરી. સેંકડો લોકોએ પુણે રેલવેસ્ટેશને તેમને ભાવભીની આખરી વિદાય આપી; એક યુરોપીય મહિલાએ તે દેશભક્ત સ્વાતંત્ર્યસેનાનીને પુષ્પગુચ્છ ભેટ ધરી હસ્તધૂનન કર્યું. તેમને સજા ભોગવવા એડન લઈ જવામાં આવ્યા, ત્યાંથી નાસી જવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ પકડાઈ ગયા. એડનમાં તેમનું મૃત્યુ થયું. તેમની સ્મૃતિમાં તેમના વતન શિરધોન ગામમાં 14 નવેમ્બર, 1940ના રોજ એક સ્તંભ ખુલ્લો મૂકવામાં આવ્યો. 15 ઑગસ્ટ, 1957ના રોજ કૉંગ્રેસ પક્ષના તત્કાલીન નેતા એસ. કે. પાટીલના અધ્યક્ષપદે તેમનું સ્મારક રચવા એક સમિતિની રચના કરવામાં આવી. યશવંતરાવ બી. ચવાણના હસ્તે 1965માં વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ માટે શિરધોન ખાતે એક મકાન (મંદિર) ખુલ્લું મૂકવામાં આવ્યું. તેમણે એડનની જેલમાં લખેલી નોંધપોથી તેમની આત્મકથા જેવી છે. તેને સાચવી રાખવામાં આવી છે.

જયકુમાર ર. શુક્લ