ફખ્રી (અથવા અલ-ફખ્રી)

February, 1999

ફખ્રી (અથવા અલ-ફખ્રી) : અરબી ભાષાનું ઇતિહાસવિષયક પુસ્તક. આ પુસ્તકનું પૂરું નામ ‘અલ-ફખ્રી ફિલ આદાબુલ સુલ્તાનિયા વદ દોલુલ ઇસ્લામિયા’ છે. તેના લેખકનું નામ મુહમ્મદ બિન અલી બિન તબાતબા અલ-મારૂફ બિ. ઇબ્નુત-તિક્તકા છે. આ લેખકને 1301માં ઇરાકના મોસલ શહેરના રાજવી ફખ્રુદીન ઈસા બિન ઇબ્રાહીમના દરબારમાં આશ્રય મળતાં તેણે પોતાનું ઇતિહાસનું પુસ્તક ફખ્રુદ્દીનને અર્પણ કરીને તેનું સંક્ષિપ્ત નામ ‘ફખ્રી’ અથવા ‘અલ-ફખ્રી’ પાડ્યું હતું.

લેખકે આ ઇતિહાસના પહેલા ભાગમાં શાસનના નિયમો તથા પ્રણાલિકાઓની ચર્ચા કરીને રાજવીની જવાબદારી અને પ્રજાના અધિકારોની વિસ્તૃત છણાવટ કરી છે તથા પવિત્ર કુરાન તથા હદીસના આદેશો મુજબ રાજવીઓને ઉપદેશો આપવામાં આવ્યા છે. બીજા ભાગમાં રાજ્યતંત્રના વિવિધ પ્રકારો જેવા કે ખિલાફત, સલ્તનત, બાદશાહત વગેરેની છણાવટ કરીને વધુમાં તે સમયના કૃષિ અને મહેસૂલને લગતા સુધારાઓની વિગતો પણ આપી છે.

ફખ્રી અથવા અલ-ફખ્રીની મૂળ અરબી પ્રત 1860માં પ્રકાશિત થઈ હતી. 1895માં હાર્ટવિગ ડૅરેનબર્ગે પૅરિસથી એમ. એમિલી ઍમીના ફ્રેંચ અનુવાદ સાથે અને 1947માં સી. ઇ. જે. વિટિંગે લંડનથી અંગ્રેજી અનુવાદ સાથે આ પુસ્તક પ્રગટ કર્યું હતું. 1962માં લાહોરથી જાફરશાહ ફુલવારીએ કરેલો ઉર્દૂ અનુવાદ પણ પ્રગટ થઈ ચૂક્યો છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી