પ્લેજિયોક્લેઝ (Plagioclase) : ફેલ્સ્પાર ખનિજો પૈકીનો એક ખનિજ-જૂથપ્રકાર; ટેક્ટોસિલિકેટ સમૂહનાં ખનિજો. પ્લેજિયોક્લેઝના સામાન્ય નામથી ઓળખાતાં ફેલ્સ્પાર ખનિજો ટ્રાયક્લિનિક વર્ગમાં સ્ફટિકીકરણ પામે છે. પ્લેજિયોક્લેઝ ખનિજો સમરૂપતા(isomorphism)નો વિશિષ્ટ ગુણધર્મ ધરાવતાં હોવાથી તેમનું રાસાયણિક બંધારણ Na2O·Al2O3·6SiO2થી CaO·Al2O3·2SiO2 સુધી ક્રમશ: બદલાતું રહે છે. રાસાયણિક બંધારણની ભિન્નતા મુજબ આ સમરૂપ શ્રેણીને 6 ખનિજપ્રકારોમાં વિભાજિત કરેલી છે. તેની ક્રમશ: ગોઠવણી નીચે મુજબ છે :
Ab અને An એ આલ્બાઇટ અને ઍનૉર્થાઇટ માટે અપાયેલાં સંજ્ઞાકીય સંક્ષિપ્ત નામ છે.
સિલિસિક ઍસિડનું પ્રમાણ આલ્બાઇટમાં વધુ હોય છે, જે ઍનૉર્થાઇટ તરફ જતાં ક્રમશ: ઘટતું જાય છે; એ જ રીતે Na અને Caનું પ્રમાણ પણ પ્રત્યેકમાં બદલાતું રહે છે. આથી આલ્બાઇટ–ઑલિગોક્લેઝને ઍસિડ પ્લેજિયોક્લેઝ, ઍન્ડેસાઇન-લેબ્રેડોરાઇટને મધ્યમ પ્લેજિયોક્લેઝ અને બિટોનાઇટ–ઍનૉર્થાઇટને બેઝિક પ્લેજિયોક્લેઝ તરીકે ઓળખવામાં આવે છે. ઑર્થોક્લેઝ ફેલ્સ્પારની સાથે પ્લેજિયોક્લેઝની સરખામણી કરતાં, આલ્બાઇટમાં તેને સમકક્ષ Al2O3·SiO2નું પ્રમાણ 1 : 3 જેટલું જ રહે છે, પરંતુ ઍનૉર્થાઇટમાં તે ઘટીને 1 : 1 થઈ જાય છે.
Na અને Ca સાથેના SiO2ના 1 : 3થી 1 : 1ના બદલાતા જતા પ્રમાણને કારણે રાસાયણિક બંધારણમાં પણ બદલાવ આવતો જાય છે. બદલાતી જતી પરિસ્થિતિ હેઠળ તે વિકાસ પામતું જતું હોવાથી તેમાં એકાંતર પટ્ટીરચના (zoning) તૈયાર થતી હોય છે, જે પ્લેજિયોક્લેઝ ખનિજની પરખ માટેનું વિશિષ્ટ લક્ષણ બની રહે છે. કિનારી કરતાં મધ્ય ભાગમાં જો An માત્રા વધુ હોય તો સામાન્ય એકાંતર પટ્ટીરચના પેદા થાય છે, પરંતુ કિનારી પર An માત્રા વધુ હોય તો તેનાથી વિરુદ્ધ રચના તૈયાર થાય છે. Ab અને Anની માત્રાનો સરખો આંતરવિકાસ રચાય તો પર્થાઇટને સમકક્ષ ર્દશ્ય ઊભું થાય છે.
પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પારની ઉત્પત્તિ ઘન દ્રાવણ(solid solutions)માંથી ઊંચા તાપમાને (1540°થી 1100° સે.) થતી હોય છે ઊંચા તાપમાને સંતુલન સ્થિતિના સંજોગો હેઠળ ખનિજનું બંધારણીય માળખું અવ્યવસ્થિત રીતે ગોઠવાય છે, જ્યારે નીચા તાપમાને તે સુયોજિત બની રહે છે. આ કારણે જે તે ખડકમાં જુદા જુદા સંજોગો હેઠળ વિકાસ પામેલા મળી આવતા જુદા જુદા પ્લેજિયોક્લેઝની ખનિજછેદની ર્દશ્યસ્થિતિ સૂક્ષ્મદર્શક હેઠળ જોવામાં આવતાં જુદી જુદી હોય છે. આમ ખડકમાં કયા પ્રકારના બંધારણવાળું પ્લેજિયોક્લેઝ છે તે જાણવા માટે વિશિષ્ટ નિર્ધારણ-પદ્ધતિ વિકસાવવામાં આવેલી છે.
શુદ્ધ આલ્બાઇટ તેને કહેવાય, જેમાં Na2O·Al2O3·6SiO2 (Ab100An0)નું પૂરેપૂરું પ્રમાણ હોય; પરંતુ તેમાં An માત્રા ભળતાં ફેરફાર થતો જાય છે; તેમ છતાં Ab100An0થી Ab90An10 સુધીનો ફેરફાર ધરાવતા પ્લેજિયોક્લેઝને આલ્બાઇટ તરીકે ઓળખાવવામાં આવે છે. આ અર્થઘટન પ્લેજિયોક્લેઝના પ્રત્યેક ખનિજપ્રકારને લાગુ પાડી શકાય.
આલ્બાઇટ બહુરૂપતા (polymorphism) દર્શાવતા કેટલાક પ્રકારોમાં પણ તૈયાર થતું હોય છે; જેમ કે, (1) ક્લીવલેન્ડાઇટ (cleavelandite) : તે મેજ આકારના દેખાવવાળા સ્ફટિકોમાં તૈયાર થતું હોય છે. યુગ્મ સ્ફટિકો આલ્બાઇટ અને પેરિક્લિન નિયમને અનુસરે છે. ક્યારેક વળેલા સ્ફટિકો પણ તૈયાર થતા હોય છે. ગ્રૅનાઇટ ઉત્પત્તિની અંતિમ પેગ્મેટાઇટ–કક્ષા દરમિયાન તેના પંખાકાર સમૂહ વિકસે છે. (2) પેરિસ્ટેરાઇટ (peristerite) : તેનું બંધારણ Ab98An2 અને Ab85 An15 વચ્ચેનું હોય છે એટલે કે તેની વિકાસ-કક્ષા ઑલિગોક્લેઝ તરફી હોય છે. તે રત્ન પ્રકારમાં ખપી શકે છે અને અત્યંત આકર્ષક હોય તો ચંદ્રમણિ (moonstone) તરીકે ઓળખાય છે. (3) એડ્વેન્ચ્યુરાઇન અથવા સૂર્યમણિ (Adventurine or sunstone) : બહુરૂપતાદર્શક આ પ્રકારનું ખનિજ આલ્બાઇટથી ઑલિગોક્લેઝ થઈને એન્ડેસાઇન સુધીના ફેરફારવાળું હોઈ શકે છે. તેના રચનાત્મક માળખામાં પાતળી પતરીઓથી જોડાયેલાં અનેક પડ હોય છે અને માતૃદ્રાવણમાંથી Fe2O3ની માત્રા ભળતાં તેમાં રતાશ પડતી ઝાંય વિકસે છે.
ઍનૉર્થાઇટ બહુધા ગેબ્બ્રો, નોરાઇટ અને ઍનૉર્થોસાઇટ જેવા બેઝિક ખડકોમાં જોવા મળે છે.
આલ્બાઇટથી ઍનૉર્થાઇટ સુધી છ પ્લેજિયોક્લેઝની માહિતી ગુજરાતી વિશ્વકોશમાં તે તે અધિકરણોમાં આપેલી છે.
ગિરીશભાઈ પંડ્યા