પ્લૅખાનૉવ, જ્યૉર્જી વાલેનટિનોવિચ

February, 1999

પ્લૅખાનૉવ, જ્યૉર્જી વાલેનટિનોવિચ (જ. 11 ડિસેમ્બર 1856, ગુડાલોવકા, રશિયા; અ. 30 મે 1918, ટેરિયૉકી, ફિનલૅન્ડ) : અગ્રણી માર્ક્સવાદી સિદ્ધાંતપ્રવર્તક તથા રશિયામાં માર્ક્સવાદી ચળવળના સ્થાપક. ઉમરાવ કુટુંબમાં જન્મ. વોરોનેચ મિલિટરી એકૅડેમીમાં અભ્યાસ પૂરો કર્યા પછી પિટર્સબર્ગની કૉન્સ્ટેન્ટિનૉવસ્કોર મિલિટરી સ્કૂલમાં લશ્કરી અધિકારી થવાના ઇરાદાથી દાખલ થયા.

રાજ્યશાસ્ત્ર

તેમની તરત જ માઇનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં બદલી કરવામાં આવી. ત્યાં બીજા વર્ષ દરમિયાન સામાન્ય લોકોને લાભદાયી નીવડે તેવી લોકરંજક ક્રાંતિકારી ચળવળને સફળ બનાવવા તેમણે તેનો અભ્યાસ કર્યો. 1877માં ‘લૅન્ડ ઍન્ડ ફ્રીડમ’ નામના લોકપ્રિય સંગઠનના નેતા બન્યા પછી તેમણે ભૂગર્ભ રાજકીય ચળવળમાં ઝંપલાવ્યું હતું. તેમનાં કેટલાંક લખાણો ઉપર્યુક્ત સંગઠનના નામે પ્રકાશિત થયા હતાં, જેમાંનાં કેટલાંક પર માર્ક્સવાદની અસર દેખાતી હતી. પ્લૅખાનૉવે લોકચળવળ ચાલુ રાખવા માટે આતંકવાદ-વિરોધી અલગ જૂથની રચના કરી. એ જૂથ અલ્પજીવી નીવડ્યું. 1880માં ધરપકડ ટાળવા માટે પોતે વિદેશ ચાલ્યા ગયા અને 1917 સુધી રશિયા પાછા ન ફર્યા.

તેમણે 1883માં કેટલાક મિત્રોની સાથે મળીને શ્રમજીવીઓની મુક્તિ માટે પ્રથમ રશિયન માર્ક્સવાદી ક્રાંતિકારી સંગઠનની સ્થાપના કરી. તેનાં બે મોટાં પ્રકાશનો – ‘સોશિયાલિઝમ ઍન્ડ પૉલિટિકલ સ્ટ્રગલ’ (1883) અને ‘અવર ડિફરન્સેસ’(1885)માં તેમણે લોકરંજક (populism) લડતની ખંડનાત્મક ટીકા શરૂ કરી અને રશિયન માર્ક્સવાદનો વિચારધારાવિષયક પાયો નાખ્યો.

‘સોશિયાલિઝમ ઍન્ડ પૉલિટિકલ સ્ટ્રગલ’ના પ્રકાશનનાં દસ કે તેથી વધારે વર્ષો દરમિયાન પ્લૅખાનૉવના જૂથે મોટા પ્રમાણમાં સમાજવાદી સાહિત્ય બહાર પાડ્યું, પણ માર્ક્સવાદીઓ રશિયન કામદારવર્ગથી અલિપ્ત રહ્યા. જોકે 1890ના મધ્ય સુધીમાં સરકાર વિરોધી પ્રવૃત્તિના પુનરુદ્ધાર પછી તે જૂથે લેનિન સહિત કેટલાક ઉમદા અનુયાયીઓને જીતી લીધા. બુદ્ધિજીવી ક્રાંતિકારીઓમાંથી કેટલાકે સંચાલકો વિરુદ્ધ મજૂરોના સંઘર્ષને આગળ વધારવા માટે કામદારોના માણસો સાથે સંબંધ પ્રસ્થાપિત કર્યો હતો. પ્લૅખાનૉવ અને તેમના મિત્રો આ જૂથની સાથે જોડાયા. તેમની પ્રવૃત્તિઓના પરિપાક રૂપે 1898માં રશિયન સમાજવાદી લોકશાહી મજૂરપક્ષની સ્થાપના થઈ.

1890ના દસકામાં પ્લૅખાનૉવે જનતાવાદીઓની વિરુદ્ધ તેમનો વાદવિવાદ ચાલુ રાખ્યો. ખાસ કરીને ‘ઇતિહાસના એકત્વવાદી વિચારનો વિકાસ’ પરના તેમના પુસ્તકમાં 1898માં તેમણે રૂઢિચુસ્ત માર્ક્સવાદના બચાવમાં ઘણાંબધાં લખાણોની એક લેખમાળા પ્રકાશિત કરી. ખાસ કરીને જે લોકો પુનરુત્થાનવાદી સુધારાવાદી હતા અને તેમનાથી જુદા ફંટાતા હતા તેઓ તેમના લખાણના લક્ષ્ય હતા.

1903માં પક્ષમાં બૉલ્શેવિક અને મૅન્શેવિક જૂથો તરીકે ભાગલા પડ્યા. પ્લૅખાનૉવે શરૂઆતમાં બૉલ્શેવિકોના નેતા લેનિનનો પક્ષ લીધો, પરંતુ સૈદ્ધાંતિક મતભેદો પડતાં તેઓ તેમાંથી નીકળી ગયા. ત્યારબાદ તેમના પર હુમલાઓ થયા. ત્યારપછી તે મૅન્શેવિકોની સાથે જોડાઈ ગયા. તેમની બાકીની જિંદગીમાં અને ખાસ કરીને 1906 અને 1914ની વચ્ચે તેમણે પાર્ટીને ફરીથી સંગઠિત કરવાના પ્રયત્નો કર્યા, જે વ્યર્થ ગયા.

તેમના જીવનના છેલ્લા બે દશકા દરમિયાન પ્લૅખાનૉવ દાર્શનિક, કલાત્મક, સાહિત્યિક અને ઐતિહાસિક અભ્યાસમાં ઊંડા ખૂંપી ગયા હતા. આ બધાં ક્ષેત્રોમાં તેમણે મહત્વનું પ્રદાન કર્યું, પરંતુ તે રાજકીય જીવનમાંથી સંપૂર્ણપણે નિવૃત્ત નહોતા થયા. બીજી આંતરરાષ્ટ્રીય પરિષદના દાવેદાર સભ્ય તરીકે એમણે 1904–1905ના રશિયા-જાપાન યુદ્ધના પરિણામ અંગે પરાજિત મનોદશાથી પીડાયેલા હતા. એથી વિરુદ્ધ પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન તેમણે ઍન્ટેન્ટેને ટેકો આપ્યો હતો. જેમાં તેઓ એવું માનતા હતા કે જર્મન લશ્કરવાદ રશિયાને અને અન્યત્ર કામદારોની ચળવળને ચોક્કસપણે નુકસાન કરશે.

1880માં પ્લૅખાનૉવે જેનો પાયો નાંખ્યો હતો તેને માટે 1905ની ક્રાંતિ ‘એ ટેસ્ટ કેસ’ તરીકેની સફળ યુક્તિ હતી. તેમણે ધારણા બાંધી હતી તે પ્રમાણે બુઝ્ર્વા લોકો વર્ત્યા ન હતા. ખેડૂતોનું સંગઠન જેની ભૂમિકાને તેમણે ઓછી આંકી હતી તે એક મહત્વનું ક્રાંતિકારી બળ પુરવાર થયું હતું અને આમ છતાં તેમણે તેમના સિદ્ધાંતોમાં મૂળભૂત રીતે સુધારો કર્યો નહિ અને તેથી બે ક્રાંતિઓની વચ્ચે તેમની વગ ઘટી ગઈ.

1917ની ફેબ્રુઆરીની ક્રાંતિનું પ્લૅખાનૉવે અભિવાદન કર્યું અને 1917માં રશિયા પાછા ફરતી વખતે વિજય મળે ત્યાં સુધી યુદ્ધ ચાલુ રાખવાની અપીલ કરી. તેમણે ક્રાંતિના સૈનિકોને ખેડૂતો અને કામદારોની માંગણીઓનાં વિશાળ રાષ્ટ્રીય હિતોને તાબે થવા માટે સૂચવ્યું હતું. જોકે વચગાળાની સરકારને કટોકટીના ગાળામાં તેની મહત્વની નીતિઓનો અમલ કરવામાં તેમણે મદદ કરી હતી. તેઓ બૉલ્શેવિકોની સત્તા તરફની કૂચને ખાળવામાં નિષ્ફળ પુરવાર થયા અને તેમના બૉલ્શેવિકો પરના આક્ષેપોને પરિણામે અતિઉત્સાહી એવા લાલ સંત્રીઓ દ્વારા તેમને ‘લોકોના એક નંબરના શત્રુ’ તરીકે માનસિક રીતે સતાવવામાં આવ્યા હતા.

સરમણ ઝાલા