પ્લૂવિયલ પ્રદેશો (વૃષ્ટીય પ્રદેશો) (Pluvial regimes)

February, 1999

પ્લૂવિયલ પ્રદેશો (વૃષ્ટીય પ્રદેશો) (Pluvial regimes) : પૃથ્વી પરના કેટલાક વિશિષ્ટ વિસ્તાર કે સ્થળમાં નિયમિત થતી વર્ષા–હિમવર્ષાની મોસમી તથા વાર્ષિક ગતિવિધિ. પૃથ્વી પરના વિવિધ પ્રાદેશિક વિભાગોના ભૌગોલિક સંદર્ભમાં સરેરાશ રીતે વિચારતાં, અયનવૃત્તો પર તેમજ બંને ગોળાર્ધોના 40° ઉ. દ. અક્ષાંશથી ધ્રુવો તરફના પ્રદેશોમાં કેટલાક એવા વિસ્તારો છે જ્યાં વાર્ષિક વર્ષાપ્રમાણ ત્યાંના વાર્ષિક બાષ્પીભવન-પ્રમાણ કરતાં વધી જતું હોય એવી પરિસ્થિતિ પ્રવર્તે છે; જ્યારે ગુરુદાબપટ ધરાવતા ઉપઅયનવૃત્તીય વિસ્તારોમાં, વિશેષે કરીને મહાસાગરોના પ્રદેશો પર, વાર્ષિક બાષ્પીભવનનું પ્રમાણ વાર્ષિક વર્ષાપ્રમાણ કરતાં વધી જતું હોય છે. ઊંચા અક્ષાંશોવાળા કિનારાનાં સ્થળો પર શિયાળાની મોસમમાં વરસાદ વધુ પડતો હોય છે. અંતરિયાળ ખંડીય ભાગોમાં તેમજ મોસમી પવનોની અસરવાળા પ્રદેશોમાં સામાન્ય રીતે ઉનાળાની મોસમમાં વરસાદ વધુ પડતો હોય છે. બંને ગોળાર્ધોમાં વાતા વ્યાપારી પવનો પણ ભારે વરસાદની પરિસ્થિતિનું નિર્માણ કરે છે.

પ્રાચીન આબોહવાશાસ્ત્ર(palaeoclimatology)ના સંદર્ભમાં જોતાં, ઉપલબ્ધ પુરાવાઓનાં તારણો નિર્દેશ કરે છે કે અતિ ભારે વરસાદ પડતો હોય એવા વૃષ્ટીય પ્રદેશો અયનવૃત્તો તથા ઉપઅયનવૃત્તો સાથે સંકળાયેલા હતા. આજના રણપ્રદેશોમાં જળવાયેલી મળી આવતી-સરોવર-પગથીઓ (lake terraces) અતીતમાં પ્રવર્તેલા વૃષ્ટીય તબક્કાઓ માટેનો ઉત્તમ પુરાવો રજૂ કરે છે. યુ.એસ.ના પશ્ચિમ ઉટાહમાં આવેલું બોનવિલે સરોવર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઓછામાં ઓછાં છેલ્લાં 5 લાખ વર્ષો દરમિયાન આ સરોવરની સપાટીમાં મોટા પ્રમાણમાં તેમજ ઝડપી વધઘટ થયા કરી છે, તેમાં છેલ્લો વૃષ્ટીય તબક્કો આશરે 10,000 વર્ષ અગાઉ પ્રવર્તેલો, તે વખતે આ સરોવરની સપાટી આજના કરતાં 180 મીટર ઊંચાઈ પર હતી. દક્ષિણ સહરામાં આવેલું ચાડ સરોવર પણ આ પ્રકારની ઘટનાનું બીજું નોંધપાત્ર ઉદાહરણ છે.

મોટાભાગના નિષ્ણાતો ઉપઅયનવૃત્તોના આ વૃષ્ટીય પ્રદેશોના કાળ-તબક્કાઓને ઊંચા અક્ષાંશો પર વખતોવખત પ્રવર્તેલા હિમીભવનના ગાળાઓ સાથે ગોઠવે છે. ઠંડા સમયગાળાઓ દરમિયાન વૈશ્વિક વર્ષાપ્રમાણ તથા બાષ્પીભવન પ્રમાણ ઘટતું હોય છે. તે વખતે પૃથ્વી પરનાં હિમપટ વિસ્તૃતિ પામતાં હોવાને કારણે ઉપઅયનવૃત્તીય પ્રદેશો ખાસ કરીને શિયાળામાં ભારે વરસાદ મેળવે છે. અર્વાચીન પુરાવો અયનવૃત્તોમાં હિમજન્ય અને આંતરવૃષ્ટીય ગાળા વચ્ચે મળતાપણું સૂચવે છે. અયનવૃત્તો પરના નીચાણવાળા ભાગો છેલ્લા હિમીભવનના કાળ દરમિયાન લગભગ સૂકા અને પશ્ચાદ્ હિમકાળ વખતે જળભીના રહેલા.

વૃષ્ટીય કાળગાળા : વર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં જોતાં, વિષુવવૃત્તના તથા અયનવૃત્તોના કેટલાક વિસ્તારોમાં શુષ્ક કે અર્ધશુષ્ક આબોહવાના સંજોગો પ્રવર્તે છે, પરંતુ ભૂતકાળમાં તેમ ન હતું. ત્યાં ઘણો વરસાદ પડતો હતો. અયનવૃત્તીય પ્રદેશોના આવા ભારે વર્ષાના કાળગાળાને વૃષ્ટીય કાળગાળા કહેવાય છે. એમ મનાય છે કે ઊંચાઈ ધરાવતા ભૂમિપ્રદેશો તથા ધ્રુવીય વિસ્તારો પરની હિમાચ્છાદિત પરિસ્થિતિને કારણે ભારે વર્ષા થતી હશે. આમ શુષ્ક વિસ્તારોના વૃષ્ટીય કાળગાળાઓનો સહસંબંધ હિમાચ્છાદિત વિસ્તારોના હિમજન્ય કાળગાળાઓ સાથે સ્થાપી શકાય. જૂના સરોવર-નિક્ષેપો, જળતરંગોના મારાથી ત્યાં તૈયાર થયેલા સીડીદાર પ્રદેશો, જૂનાં સરોવરોનાં તટ-લક્ષણો વૃષ્ટીય કાળગાળાઓ માટે પુરાવાઓની ગરજ સારે છે. ઉત્તર ગોળાર્ધમાં હિમજથ્થાઓનું પ્રમાણ વધવાથી રશિયાના કૉકેસસ પર્વતો પર પ્રવર્તેલા હિમીભવનથી કાળા સમુદ્રની જળસપાટી નીચી ઊતરી ગયેલી; પરંતુ સાથે સાથે વર્ષાપ્રમાણ વધવાથી આંતરખંડીય કાસ્પિયન સમુદ્રની જળસપાટીમાં વધારો થયેલો. એશિયા, ઑસ્ટ્રેલિયા, આફ્રિકા (ચાડ સરોવર) તથા ઉત્તર અમેરિકા(બોનવિલે સરોવર)નાં વર્ષાનિર્મિત સરોવરો આ પ્રકારનાં ઉદાહરણો છે

આંતરવર્ષાકાળ (interpluvial periods) પર્યાય એ આંતરહિમકાળ(interglacial periods)નો સમકક્ષ ગણાય છે, જેમાં વર્ષાપ્રમાણ અલ્પ રહે છે અને સરોવરો શોષાતાં જઈને શુષ્ક-અર્ધશુષ્ક બની રહે છે.

ગિરીશભાઈ પંડ્યા