પ્લીમથ : ઇંગ્લૅન્ડના ડેવોન જિલ્લામાં આવેલું શહેર. ભૌ. સ્થાન : 50° 22´ ઉ. અ. અને 4° 08´ પ. રે. તે પ્લીમથ સાઉન્ડને મળતી પ્લીમ અને તમાર નદીઓની વચ્ચે આવેલું છે, જે 1821 હેક્ટરના વિસ્તારને આવરી લે છે. ઇંગ્લૅન્ડનું નૌકાદળ મુખ્યત્વે આ જળમાર્ગનો ઉપયોગ કરે છે. મૂળ સુડટોન પ્લીમથ નામ ધરાવતા આ બંદરથી ફ્રાંસમાં મોકલાતાં લશ્કરને કારણે તેમજ વધતા વ્યાપારને કારણે તેનો વિકાસ વહેલો થયેલો. સર વૉલ્ટેર રેલે દ્વારા વર્જિનિયા વસાહત ઊભી કરવા પ્લીમથ બંદરનો ઉપયોગ કરેલો. એલિઝાબેથન સમયના સાહસિકો માટે પણ આ બંદર ખૂબ ઉપયોગી હતું. સ્પૅનિશ લડાયક જહાજોના કાફલા પર હુમલા કરવા માટે (1588) બ્રિટિશ કાફલો અહીંથી જ આગળ જતો હતો. ટ્યૂડર કૅસલને સ્થાને ચાર્લ્સ બીજા(1660 –’85)એ સિટાડેલ બાંધીને દક્ષિણ તરફી જળમાર્ગ પર વર્ચસ્ જમાવેલું.
1690માં તમાર નદીના પૂર્વ કાંઠા પર રૉયલ ડૉકયાર્ડ (જહાજવાડો) શરૂ કરાયો, પ્લીમથ ડૉક શહેર (જેને 1824માં ડેવોન પૉર્ટ નામ અપાયું) સ્થપાયું અને ડેવોન પૉર્ટ અને પ્લીમથની વચ્ચે સ્ટોનહાઉસ વિકસાવાયું. 1914માં આ બધાંને જોડી દેવામાં આવ્યાં. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન પ્લીમથે હવાઈ હુમલામાં અતિશય નુકસાન વેઠ્યું હતું. નવા પ્લીમથમાં બ્રિટનનાં કેટલાંક નાગરિક અને વ્યાપારિક–ખરીદકેન્દ્રો આવેલાં છે. તમાર અને પ્લીમ નદી પર બંધાયેલા નવા પુલો રસ્તાઓને સાંકળી લે છે. અહીં નવા હળવા ઉદ્યોગો, યાંત્રિક સામગ્રી, પ્રિસિશન-સાધન, ઊંઝણનાં સાધનો, રસાયણ અને ઇજનેરી ઉત્પાદનો શરૂ કરવામાં આવેલાં છે. 2019માં તેની વસ્તી લગભગ 2,62,100 નોંધાયેલી છે.
ગિરીશ ભટ્ટ