પ્લિની (ગેયસ પ્લિનિયસ સિક્ધદસ)

February, 1999

પ્લિની (ગેયસ પ્લિનિયસ સિક્ધદસ) (જ. ઈ. સ. 23, નોવમ કોમમ, ઉત્તર ઇટાલી; અ. ઈ. સ. 79) : રોમન ઇતિહાસકાર. તે રોમ ગયો અને વકીલાત શરૂ કરી. ત્યારબાદ લશ્કરમાં જોડાઈને જર્મની, સ્પેન અને ગોલ પ્રદેશમાં સેવા આપી. સમ્રાટ વેસ્પેસિયન તેનો મિત્ર હતો. તેણે પ્લિનીને ગવર્નર તરીકે નીમ્યો હતો. તે ઘણો ઉદ્યમી હતો. તેણે 160 ગ્રંથો લખ્યા છે. તેના પ્રગટ કરેલા ગ્રંથોમાં માત્ર ‘ધ નૅચરલ હિસ્ટરી’ મળે છે. તેના 37 ગ્રંથ છે અને તેમાં ભૂગોળ, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, શરીરશાસ્ત્ર, માનવશાસ્ત્ર, ખનિજવિદ્યા, વૈદકીય શાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે. તેના ખોવાઈ ગયેલા કે નાશ પામેલા ગ્રંથોમાં ‘ઑન માર્ક્સમૅનશિપ ઑવ્ કેવેલરી’, ‘ધ જર્મન વૉર્સ’ (20 ગ્રંથોમાં), ‘ધ ટ્રેનિંગ ઑવ્ એન ઓરેટર’ (3 ગ્રંથોમાં) વગેરેનો સમાવેશ થાય છે.

જયકુમાર ર. શુક્લ