પ્લાસ્ટિસાઇઝર

February, 1999

પ્લાસ્ટિસાઇઝર : બહુલકના અણુના આંતરિક રૂપાંતર દ્વારા અંતિમ નીપજની નમ્યતા (flexibility) કે સુઘટ્યતા (plasticity), કઠોરતા (toughness) કે ર્દઢતા (rigidity) તથા ભેજ અને તાપમાન સામેની પ્રતિકારકતા વધારવા માટે તેમજ પ્રક્રમણ (processing) સરળ બનાવવા માટે ઉચ્ચ-બહુલકમાં ઉમેરવામાં આવતો કાર્બનિક પદાર્થ. બહુલકમાંના અણુઓ દ્વિતીયક સંયોજકતા-બંધ વડે એકસાથે જોડાયેલા હોય છે. પ્લાસ્ટિસાઇઝર તેમાંના કેટલાકનું વિસ્થાપન કરી પ્લાસ્ટિસાઇઝર-બહુલક-બંધો બનાવે છે અને એ રીતે બહુલકના શૃંખલાખંડો(chain segments)ના ચલન(movement)માં મદદરૂપ થાય છે. નાઇટ્રોસેલ્યુલોઝને કચકડા(celluloid)માં ફેરવવા આ રીતે કપૂર(camphor)નો ઉપયોગ થયેલો.

પ્લાસ્ટિકની વિવિધ વસ્તુઓ બનાવવા માટેનું કાચું પ્લાસ્ટિક એક યા બીજા પ્રકારના કુદરતી અથવા સંશ્લેષિત રેઝિન જેવા બંધક પદાર્થમાં નીચેના પૈકી એક અથવા વધુ સમૂહોના પદાર્થો ઉમેરી મેળવવામાં આવે છે :

(અ) પૂરકો (fillers) : તાણસામર્થ્ય તથા પૃષ્ઠસમાપન (surface-finishing)  વધારવા તથા બરડપણું, સંકોચન અને ખર્ચ ઘટાડવા વપરાતા પદાર્થો. દા. ત., લાકડાનું ભૂસું, સૂતર, ગ્રૅફાઇટ, કાગળનો માવો વગેરે.

(બ) પ્લાસ્ટિસાઇઝરો.

(ક) ઉદ્દીપકો : ઘનીકરણની તથા બહુલીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા વપરાતા પદાર્થો, દા. ત., વાઇનિલ રેઝિન માટે પેરૉક્સાઇડ.

(ડ) સ્નેહકો : પ્લાસ્ટિકને બીબાંમાં સહેલાઈથી ઢાળી શકાય તેમજ તેની સપાટીનું સમાપન સારું મેળવી શકાય તે માટે વપરાતા ઓલિયેટ, સ્ટિયરેટ વગેરે સાબુ જેવા પદાર્થો.

(ઇ) રંગો : વસ્તુને રંગ આપવા ઉમેરાતા રંજકો કે વર્ણકો.

પ્લાસ્ટિસાઇઝર સામાન્ય રીતે ઊંચા તાપમાને ઊકળતા અને નીચી બાષ્પીયતા (valatility) ધરાવતા એસ્ટર હોય છે; દા. ત., ડાઇઇથાઇલ અને ડાઇમિથૉક્સી ગ્લાયકૉલ થેલેટ. સિબેસેટ એસ્ટરો, ઇથિલીન ગ્લાયકૉલ જેવા પૉલિયૉલ અને તેમના વ્યુત્પન્નો, ટ્રાઇક્રેસાઇલ ફૉસ્ફેટ, દિવેલ વગેરે પ્લાસ્ટિસાઇઝર તરીકે વપરાતા પદાર્થો છે. બધા પ્લાસ્ટિસાઇઝર નીચી ઘનતા ધરાવતા સ્નિગ્ધ પ્રવાહી પદાર્થો છે. તેમની ઘનતા 0.95થી 1.2 ગ્રા.ઘસેમી. અને વક્રીભવનાંક 1.48થી 1.54 સુધીનો હોય છે. સેલ્યુલોઝ પ્લાસ્ટિકની જ્વલનશીલતા ઓછી કરવા ટ્રાઇફિનાઈલ ફૉસ્ફેટ વપરાય છે. નીચા તાપમાને મહત્તમ નમ્યતા માટે એડિપેટ તથા એઝિલેટ વપરાય છે. આ બંને ઉપરાંત ડાઇ–2–ઇથાઇલહેક્ઝાઇલ થેલેટ (DOP) એ ખાદ્ય પદાર્થોને વીંટવા માટેની ફિલ્મ બનાવવા માટે સલામત ગણાતાં પ્લાસ્ટિસાઇઝર છે.

80 %થી 85 % જેટલાં પ્લાસ્ટિસાઇઝર પી.વી.સી. (polyvinyl chloride) રેઝિનમાં વપરાય છે. સેલ્યુલોઝ એસ્ટરમાં તથા રબર પ્રક્રમણમાં પણ પ્લાસ્ટિસાઇઝરનો બહોળો ઉપયોગ થાય છે. એક અંદાજ મુજબ 20 લાખ મેટ્રિક ટન જેટલું પ્લાસ્ટિસાઇઝર પી.વી.સી. સાથે મિશ્ર કરવામાં વપરાય છે.

પ્લાસ્ટિસાઇઝરની કાર્યક્ષમતા તેમજ તેની પી.વી.સી. પદાર્થની સ્થિતિસ્થાપકતા પર અસર નીચેની બાબતોથી આંકી શકાય :

(1) ઓછા પ્રમાણમાં પી.વી.સી.માં ઉમેરવા છતાં જરૂરી ગુણધર્મો મળી રહે તો તે પ્લાસ્ટિસાઇઝર કાર્યક્ષમ ગણાય.

(2) ખૂબ લાંબા સમય માટે અને/અથવા ઊંચા તાપમાને જે પ્લાસ્ટિસાઇઝરનું અવક્રમણ (degradation) થતું ન હોય કે સપાટી પર તે તરી આવતું ન હોય તે કાર્યક્ષમ ગણાય.

જુદી જુદી પ્લાસ્ટિકની વસ્તુઓમાં પ્લાસ્ટિસાઇઝરનું પ્રમાણ કેટલું હોય છે તે નીચેની સારણીમાં દર્શાવ્યું છે :

વસ્તુ પ્લાસ્ટિસાઇઝરનું પ્રમાણ (વજન) : ટકામાં
બૂટનાં સોલ કૅલેન્ડરિંગ કરેલ ફિલ્મો 40થી 50
ચાદરો, કોટિંગ કરેલ તાંતણા (fabrics) 35થી 40
કેબલ-ઇન્સ્યુલેશન 30થી 40
રમકડાં 20થી 30
ઇન્જેક્શન મોલ્ડિંગ તેમજ બહિર્વેધન (extrusion) 5થી 10

પ્લાસ્ટિસાઇઝર તરીકે ભારતમાં કયા પદાર્થો વપરાય છે તેનું પ્રમાણ નીચે દર્શાવ્યું છે :

થેલેટ 60%
ક્લૉરિનેટેડ વૅક્સ/ઑઇલ 30%
એપૉક્સિસ 03%
પૉલિયેસ્ટર 01%

વનિતા પુરાણી

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ