પ્લાસ્મિડ

February, 1999

પ્લાસ્મિડ : કોષના મુખ્ય DNA સૂત્રથી અલગ પરંતુ સંજનીન(genome)ના ભાગ રૂપે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો DNAનો ટુકડો. તેમાં આવેલા જનીનિક ઘટકો કુળ સંજનીનો(genome)ના 1થી 3% જેટલા હોય છે. પ્લાસ્મિડોનું થતું પુનરાવૃત્તિ(replication)નિર્માણ મુખ્ય DNA સૂત્રના નિર્માણથી સ્વતંત્ર હોય છે. કોષમાં આવેલા ઉત્સેચકોની મદદથી પ્લાસ્મિડની પુનરાવૃત્તિની પ્રક્રિયા થતી હોય છે. પ્લાસ્મિડો મોટાભાગના સૂક્ષ્મ જીવોમાં મળી આવે છે. બૅક્ટેરિયામાં તેઓ આકારે ગોળ, જ્યારે ફૂગમાં રેખામય (linear) હોય છે.

પરોપજીવી જીવન પસાર કરતા કેટલાક બૅક્ટેરિયાના પ્લાસ્મિડમાં આવેલા સંજનીનોને યજમાન(host)ના શરીરમાં દાખલ કરવાથી પ્રતિજૈવકોનું ઉત્પાદન, વિશિષ્ટ પ્રતિજૈવકો (antibiotics) અને ભારે ખનિજદ્રવ્યોનું પ્રતિરોધન, ખાંડનું પ્રકિણ્વન (fermentation) અને આંત્ર-વિષ (enterotoxin) ઉત્પાદન કરવાની ક્ષમતા નિર્માણ થાય છે.

પ્લાસ્મિડમાં નિયંત્રક-ઉત્સેચકો (restricted enzymes) માટેનાં કેટલાંક સ્થાનો હોવાથી, ત્યાંથી સહેલાઈથી પ્લાસ્મિડને છેદી શકાય છે અને ત્યાં પરકીય (foreign) DNAનું પ્રસ્થાપન કરી શકાય છે. આર્થિક અગત્યની ર્દષ્ટિએ આ લાક્ષણિકતાનો લાભપ્રદ ઉપયોગ જનીનક ઇજનેરી વડે કરવામાં આવે છે. આ તકનીકીને લીધે આયુર્વેદ તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે ઉપયોગી એવા જૈવી સંશ્લેષણ માટે કારણભૂત એવા અનેક જનીનોનું જોડાણ પ્લાસ્મિડ સાથે કરવામાં આવે છે; એટલું જ નહિ પરંતુ એક જ પ્લાસ્મિડમાં આવાં એક કરતાં વધારે જનીનોનું સંયોજન પણ સાધ્ય છે.

હાલમાં કેટલાંક ઔષધીય કારખાનાંઓમાં ઈ. કોલી બૅક્ટેરિયાના પ્લાસ્મિડમાં માનવ-ઇન્સ્યુલિનના સંશ્લેષણ માટે કારણભૂત DNAનું પ્રસ્થાપન કરીને મોટા પ્રમાણમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન થાય છે, જે મધુપ્રમેહથી પીડાતા માનવી માટે આશીર્વાદરૂપ બન્યું છે. તે જ પ્રમાણે આ તકનીકી વડે મોટા પાયા પર વિવિધ પ્રતિજૈવકો(antibiotics)નું ઉત્પાદન પણ સાધ્ય બન્યું છે. કોષની અંદર આવેલ સંજનીનમાં વધારાના DNAને ઉમેરવાની આ તકનીકી પુન:યોજક (re-combinant) તકનીકી તરીકે ઓળખાય છે. પ્લાસ્મિડમાં ઉમેરાતા વધારાના DNAને લીધે ‘ચીઝ’ના ઉત્પાદન માટે અગત્યના એવા ઉત્સેચકનું ઉત્પાદન સાધ્ય બન્યું છે. વળી બૅક્ટેરિયાના પ્લાસ્મિડમાં ચરબીના વિઘટન માટે આવશ્યક એવા ઉત્સેચક માટેના જનીનો ઉમેરીને, તેના બહોળા ઉપયોગથી ટૅન્કરમાંથી ગળી જતા તેલનું વિઘટન કરી પ્રદૂષણ નિવારી શકાયું છે.

મ. શિ. દૂબળે

હોસંગ ફરામરોજ મોગલ