પ્લમ (અં. Plum; લૅ. Prunus cerasifera; કુળ Rosaceae) : સૂકા મેવા પ્રકારનું પશ્ચિમ-મધ્ય એશિયાનું અષ્ઠિલ ફળ તથા તેનું વૃક્ષ. મધ્ય એશિયામાં મોટા પ્રમાણમાં વવાય છે. પ્રજાતિની વાદળી યુરોપી જાતિ (P. domestica) યુરોપમાં, રાતી અમેરિકી (P. americana) જાતિ અમેરિકામાં તથા પીળી જાપાની જાતિ (P. salicina) જાપાનમાં વવાય છે. ફળ તાજાં ખવાય છે તથા સુકવણી કરીને સૂકા મેવા તરીકે અને પીણાં, મુરબ્બા આદિમાં વપરાય છે. તેમાં શર્કરા તથા ગાજરદ્રવ્ય(carotene)ની માત્રા ઊંચી હોય છે. બીજનો ગર્ભ સ્વાદે કડવો હોય છે. તેમાંથી મળતું તેલ ખાદ્ય તથા ઊંજણ તરીકે ઉપયોગી છે. દસેક ઉપજાતિઓ જાણીતી છે. ચણીબોરથી ચીકુ જેવા કદનું ફળ બદરીફળ જેવું પાતળી છાલ, અંદર માવાદાર ગર – વચ્ચે એક કે બે બીજવાળું હોય છે. આ ફળનું વિશ્વનું વાર્ષિક ઉત્પાદન 66 લાખ ટન જેટલું છે. યુરોપમાં બાલ્કન પ્રદેશ મુખ્ય ઉત્પાદક છે. એશિયામાં ચીન મુખ્ય ઉત્પાદક છે.
સમશીતોષ્ણ કટિબંધમાં પ્રજાતિ અનુસાર સમતલ ભૂમિથી માંડીને શીતકટિબંધમાં પહાડી ભૂમિ પર વવાય છે.
યુરોપી જાતિને 800થી 1000 કલાક 7.2° સે. તાપમાન જોઈએ છીએ. ઊંડી, રેતાળ, ગોરાડુ, ક્ષારમુક્ત, સારા નિતારવાળી ભૂમિ તેને અનુકૂળ આવે છે. પોટાશ વધારે હોય તો વૃદ્ધિને વેગ મળે છે. બીજથી અથવા વાનસ્પતિક પદ્ધતિમાં આંખ કલમથી સંવર્ધન કરવામાં આવે છે. એક કે બે વર્ષની કલમો વસંતઋતુમાં રોપણી માટે યોગ્ય ગણાય છે. 6 x 6 મી.ના માપે ચોરસ રોપણી ઇષ્ટ છે. પ્રારંભે થોડાં વર્ષ સુધી કૃંતન (pruning) કરીને વૃક્ષને વિકાસ માટે ઇષ્ટ ઘાટ અપાય છે. વૃક્ષના કદને અનુરૂપ કૅલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટ, સુપર ફૉસ્ફેટ, મ્યુરેટ ઑવ્ પોટાશ અને છાણિયું ખાતર છ વર્ષ સુધી ક્રમશ: વધારે માત્રામાં અપાય છે. તે પછી વાર્ષિક સ્થિર માત્રા જળવાય છે. ફળફૂલના સમયે ભૂમિમાં પૂરો તેમજ સચવાય તે રીતે પિયત અપાય છે. ફૂગ અને જીવાત સામે રક્ષણ આપવું પડે છે.
ફળ અત્યંત મૃદુ હોવાથી તેમને હળવાશથી સુંવાળાં પાન કે કાગળ પાથરેલી ટોપલીમાં ઉતારાય છે. ડીંટાં સાથે ફળ લેવાય છે. તેમની હેરફેરમાં દબાણ, ઘર્ષણ આદિ સામે રક્ષણ મળે તેનું ધ્યાન રખાય છે. ભારતમાં હિમાલયમાં એવો ઘણો વિસ્તાર છે, જે સફરજન ઉગાડવા માટે યોગ્ય નથી, પણ પ્લમની વ્યાપારી ખેતી માટે ઉપયોગમાં લઈ શકાય તેવો છે.
રમણભાઈ પટેલ