પ્રોટૉનમંડળ (protonosphere)

February, 1999

પ્રોટૉનમંડળ (protonosphere) : પૃથ્વીના ઉચ્ચતર વાતાવરણનો વિસ્તાર જેના મુખ્ય ઘટકોમાં હાઇડ્રોજનના (તટસ્થ) પરમાણુ અને પ્રોટૉન (હાઇડ્રોજનના આયન) હોય છે; અને જેને આયનમંડળનો સૌથી બહારનો વિસ્તાર પણ ગણી શકાય. 100 કિમી. ઊંચાઈ સુધીના વાતાવરણના સૌથી નીચેના સમમંડળ(homosphere)માં વિક્ષોભને લીધે વાતાવરણના ઘટકોનું સતત મિશ્રણ થતું હોય છે, જ્યારે 100 કિમી.થી ઉપર વિષમમંડળ(heterosphere)માં વિવિધ ઘટકો એકબીજાથી અલગ પડે છે.

વિષમમંડળમાં હાઇડ્રોજન અન હિલિયમ જેવા હલકા વાયુઓ કરતાં નાઇટ્રોજન અને ઑક્સિજન જેવા વધુ ભારે ઘટકોનું વૈપુલ્ય (concentration) ઊંચાઈ સાથે વધારે ઝડપથી ઘટે છે, અને છેલ્લે વાતાવરણમાં હલકા ઘટકોનું જ પ્રાધાન્ય હોય છે. દિવસ દરમિયાન સામાન્ય સ્થિતિમાં 1,000 કિમી.ની ઊંચાઈએ મુખ્યત્વે હિલિયમ અને તેના આયન હોય છે, જ્યારે 2,500 કિમી. પર હાઇડ્રોજન અને પ્રોટૉન હોય છે. પ્રોટૉનમંડળમાં ઊંચાઈ સાથે ઘનતા સતત ઘટતી જાય છે અને છેલ્લે પૃથ્વીથી આશરે એક લાખ કિમી.ની ઊંચાઈએ પ્રોટૉનમંડળ આંતરગ્રહીય માધ્યમ સાથે ભળી જાય છે.

મુખ્યત્વે સૂર્યના પાર-જાંબલી વિકિરણને લીધે જળબાષ્પ, મિથેન અને હાઇડ્રોજનનું વિભાજન થવાથી હાઇડ્રોજનના પરમાણુ ઉત્પન્ન થાય છે. આ જ ઘટકો શુક્ર, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યૂન ગ્રહો પર અસ્તિત્વ ધરાવતા હોવાથી આ દરેક ગ્રહને પણ પ્રોટૉનમંડળ હોવું જોઈએ એમ માનવામાં આવે છે.

પરંતપ પાઠક