પ્રોટિસ્ટા : સરળ દેહરચના ધરાવતા એકકોષી કે બહુકોષી પેશીરહિત સજીવોનો એક સમૂહ. જર્મન પ્રાણીવિજ્ઞાની હેકલે (1866) તેને ‘સૃષ્ટિ’નો દરજ્જો આપ્યો. એક વર્ગીકરણ પ્રમાણે આદિકોષકેન્દ્રી (prokaryotic) સજીવોને નિમ્ન પ્રોટિસ્ટામાં અને સુકોષકેન્દ્રી (eukaryotic) પ્રોટિસ્ટાને ઉચ્ચ પ્રોટિસ્ટામાં મૂકવામાં આવ્યા. આ વર્ગીકરણ-પદ્ધતિ આ પ્રમાણે દર્શાવવામાં આવે છે : સૃષ્ટિ : પ્રોટિસ્ટા; ઉપસૃષ્ટિ : નિમ્નપ્રોટિસ્ટા; વિભાગ 1 : સાઇઝોફાઇટા (બૅક્ટેરિયા); વિભાગ 2 : સાયનોફાઇટા (નીલહરિત લીલ). ઉપસૃષ્ટિ : ઉચ્ચ પ્રોટિસ્ટા; વિભાગ : ક્લૉરોફાઇટા, યુગ્લિનોફાઇટા, ઝેન્થોફાઇટા, બૅસિલારિયોફાઇટા, પાયરોફાઇટા, ફિયોફાઇટા, રહોડોફાઇટા, મિક્સોફાઇટા, માયકોફાઇટા; સમુદાય : પ્રજીવ.
વ્હિટેકરે (1969–1973) કોષવિદ્યા અને જૈવ રસાયણને આધારે આપેલી વર્ગીકરણ-પદ્ધતિમાં સજીવોને ચાર સૃષ્ટિમાં વર્ગીકૃત કર્યા છે : મોનેરા, પ્રોટિસ્ટા, મેટાફાઇટા અને મેટાઝુઆ. તેમના મતે પ્રોટિસ્ટા સુકોષકેન્દ્રી એકકોષી કે બહુકોષી પેશીવિહીન દેહરચના ધરાવતા સજીવો છે. તેમને પ્રકાશસંશ્લેષી પ્રોટિસ્ટા અને અપ્રકાશસંશ્લેષી પ્રોટિસ્ટામાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. પ્રકાશસંશ્લેષી પ્રોટિસ્ટામાં લીલ અને અપ્રકાશસંશ્લેષી સજીવોમાં ફૂગ અને પ્રજીવ સમુદાયમાં પ્રાણીઓનો સમાવેશ થાય છે.
કોષવિદ્યાકીય લક્ષણોને આધારે ફૂગ(મિક્સોફાઇટા અને માયકોફાઇટા)ને વ્હિટેકરે (1973) પ્રોટિસ્ટાથી અલગ કરી અને નવી ‘ઉપસૃષ્ટિ’નો દરજ્જો આપ્યો છે.
જૈમિન વિ. જોશી