પ્રોજેસ્ટેરોન : પ્રાણીઓના માદાના અંડાશય તથા ઓર(placenta)માં ઉદભવતો એક સ્ત્રૈણ અંત:સ્રાવ (female sex hormone). થોડી માત્રામાં તે નર તેમજ માદાની અધિવૃક્ક ગ્રંથિ (adrenal gland) દ્વારા તેમજ નરના વૃષણ દ્વારા પણ ઉત્પન્ન થાય છે. તેનું અણુસૂત્ર C21H30O2 છે.

ગર્ભવતી માદા ભુંડના પિત્તપિંડમાંથી તે મેળવવામાં આવે છે. સ્ટિગ્મેસ્ટેરૉલ જેવા સ્ટીરૉઇડમાંથી પણ તેનું સંશ્લેષણ થઈ શકે છે.

સ્ત્રીના ગર્ભાશયને ગર્ભ ધારણ કરવા માટે તૈયાર કરવામાં પ્રોજેસ્ટેરોન ખૂબ મહત્વનો અંત:સ્રાવ (hormone) છે. સ્ત્રીના માસિક સ્રાવ-ચક્રના લગભગ અર્ધ ભાગે તેનાં બે અંડાશય (ovaries) પૈકીનું કોઈ એક-એક અંડ (egg) મુક્ત કરે છે. આ પ્રક્રિયાને અંડોત્સર્ગ (ovalation) કહે છે. તે અંડાશયમાં એવો ફેરફાર ઉત્પન્ન કરે છે કે જેથી 10થી 12 દિવસ માટે લોહીમાં વધુ માત્રામાં પ્રોજેસ્ટેરોન ઉત્સર્જિત થાય અને તેનું પ્રમાણ વધે. આ પ્રોજેસ્ટેરોન ગર્ભાશયના આંતર-પડને ઉત્તેજિત કરે છે. પરિણામે અંડનું એ નિષેચન (fertilization) થયું હોય તો તે ગર્ભાશયના આંતરપડ સાથે ચોંટી જાય છે. જો ગર્ભધારણ થઈ શક્યો ન હોય તો અંડાશયમાં પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધતું અટકી જાય છે. પરિણામે ગર્ભાશયની આંતરત્વચા તૂટી જઈને માસિક ધર્મ વખતે શરીરની બહાર ફેંકાઈ જાય છે.

ગર્ભાવસ્થા દરમિયાન ઓર વધુ પ્રમાણમાં પ્રોજેસ્ટરોન  ઉપજાવે છે, જેથી ગર્ભાશયના સ્નાયુઓ ઢીલા (વિશ્રાંત, relaxed) રહે અને ગર્ભમાંનું બાળક જલદી ન જન્મે.

રસાયણ : પ્રોજેસ્ટેરોન α- તથા β- એમ બે સ્ફટિકો સ્વરૂપે મળે છે તથા બંને સ્વરૂપોની શરીર-ગુણધર્મી ક્રિયાશીલતા એકસરખી જ છે. તેનું બંધારણીય સૂત્ર નીચે દર્શાવ્યા મુજબ છે :

પ્રોજેસ્ટેરોન સ્ટીરૉઇડ હૉર્મોનનું  પૂર્વગામી સંયોજન છે એમ માનવામાં આવે છે.

પ્રોજેસ્ટેરોન સફેદ, સ્ફટિકમય તથા ગંધવિહીન પાઉડર છે. હવામાં તે સ્થાયી છે, પરંતુ પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ છે. તેનું ગલનબિંદુ α-સ્વરૂપ માટે 128°થી 133° સે. તથા β-સ્વરૂપ માટે 121° સે. છે. તે પાણીમાં અદ્રાવ્ય, આલ્કોહૉલ, ઍસિટોન તથા ડાયૉક્ઝનમાં દ્રાવ્ય તેમજ વનસ્પતિજ તેલોમાં અલ્પ દ્રાવ્ય છે. પ્રાગર્ભાવધીય (progestational) આંતરરાષ્ટ્રીય એકમને અક્રિયતાના 1 મિગ્રા. પ્રોજેસ્ટેરોન તરીકે વર્ણવવામાં આવે છે.

પ્રોજેસ્ટેરોન માસિક ધર્મ પૂર્વેના તણાવ(tension)માં, અનિયમિત માસિક વગેરેમાં ઔષધ તરીકે વપરાય છે. ઢોરોમાં કસુવાવડ થતી અટકાવવા પણ તે ઉપયોગમાં લેવાય છે. સાંધાના વા માટે તથા પ્રોસ્ટેટના કૅન્સર ઉપર પણ તે વપરાય છે. ગર્ભનિરોધક તરીકે તે મોં વાટે લેવાય છે.

જ. પો. ત્રિવેદી