પ્રૉસ્ટાગ્લૅન્ડિનો (આયુર્વિજ્ઞાન) : કોષપટલો (cell membranes) દ્વારા ઉત્પન્ન કરતા સ્થાનિક અંત:સ્રાવો (hormones) જેવું કાર્ય કરતાં દ્રવ્યોનો સમૂહ. તે સ્થાનિક કોષો અને પેશી પર અસર કરે એવાં તે જ સ્થળે ઝરેલાં રસાયણો હોવાથી તેમને અધિસ્રાવો (locally acting hormones) જેવા ગણવામાં આવે છે. તેઓ નસોને પહોળી કરે છે, આંતરડાંના અને ગર્ભાશયના સ્નાયુતંતુઓનું સંકોચન કરાવે છે તથા ચરબીની શક્તિદાયક રાસાયણિક ક્રિયાઓ અથવા ચરબીનો ચયાપચય (metabolism) કરાવતા અંત:સ્રાવોથી વિરુદ્ધની અથવા વિધર્મી (antagonistic) ક્રિયા કરે છે. રાસાયણિક બંધારણ પ્રમાણે તે પ્રોસ્ટાનૉઇક ઍસિડના બને છે; જેમાં 9, 11 અને 15 ક્રમાંકનાં સ્થાનો પર હાઇડ્રૉક્સિલ અને કીટો મૂલકો (radicals) સાથે જોડાયેલા હોય છે. અમુક સ્થળે ડિહાઇડ્રૉજિનેશનને કારણે તેમાં બેવડા બંધકો (bonds) પણ હોય છે. તેમને વૈજ્ઞાનિક રીતે 7–[2–(1–ઑક્ટાઇલ) સાયક્લોપેન્ટાયલ] હેપ્ટેનોઇક ઍસિડ કહે છે. તેમાં કાર્બનના 20 પરમાણુ હોય છે, જેમાંના 5 પરમાણુ મળીને પંચચક્રીય વલયિકા (cyclopentane) બનાવે છે. તેમને ટૂંકમાં ‘PGs’ની સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. તેમના વિવિધ વર્ગો છે : PGA, PGB, PGE1, PGF, PGI અને તેમાં PGE2 અને PGFzαની સંજ્ઞાથી ઓળખાતા વિવિધ રસાયણો છે.
PGs મૂળ પુર:સ્થગ્રંથિ(prostate gland)માં શોધાયા હોવાથી તેમને આ નામ મળ્યું છે. તે લેખે તેમને ગુજરાતીમાં પુર:સ્થગ્રંથિ (prostaglandins) કહે છે; પરંતુ હાલ જાણવામાં આવેલું છે કે તે બધા જ કોષકેન્દ્રવાળા કોષોમાં બને છે. દરેક પ્રકારના કોષોના કાર્યને તે અસર કરે છે. તે બહુ જ થોડા પ્રમાણમાં અથવા સ્વલ્પ કદમાન(minute quantity)માં ઉત્પન્ન થાય છે અને ઘણી ઝડપથી અપચયી ઉત્સેચકો(catabolic enzymes)ની મદદથી નાશ પામે છે. તે અંત:સ્રાવ જેવું કાર્ય કરે છે. અંત:સ્રાવોની અસરમાં વધઘટ કરાવે છે. તેમનાં મહત્વનાં કાર્યક્ષેત્રોમાં ઋતુસ્રાવ, સગર્ભિતાના બીજા ત્રિમાસિક કાળ(trimester)માં થતો ગર્ભપાત, ઈજા કે ચેપ પછી ઉદભવતો પીડાકારક સોજાનો શોથ (inflammation) નામનો વિકાર, જઠર કે પક્વાશયમાંનું ચાંદું (પચિતકલાવ્રણ, peptic ulcer), નાક અને શ્વસનનલિકાઓનો સોજો થવાથી દમ જેવો શ્ર્વાસ ચડવો, લોહીના ગઠનકોષોનું એકત્રીકરણ થવું જેવાં વિવિધ કાર્યોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે તેઓ જે સ્થળે ઉત્પન્ન થયા હોય તેની આસપાસની પેશી પર તેમની અસર હોય એવા તે સ્થાનિક અંત:સ્રાવો છે. તેથી તેમને અધિસ્રાવ (apocrine) કહે છે. તેમનાથી વિપરીત રીતે અંત:સ્રાવો લોહીમાં પરિભ્રમણ કરીને દૂરના અવયવની પેશીને અસર કરે છે. વળી આ અધિસ્રાવોને કોઈ વિશિષ્ટ ગ્રંથિ કે કોષો દ્વારા ઉત્પન્ન કરવામાં આવતા નથી. સામાન્ય રીતે વિવિધ સ્થાનિક રાસાયણિક, ભૌતિક અને પ્રતિરક્ષી ઉત્તેજનાઓ અધિસ્રાવોનું ઉત્પાદન અને સ્રવણ (secretion) કરાવે છે.
PGs કોષની ચયાપચયની ક્રિયાઓનું નિયમન કરે છે. સામાન્ય રીતે તે કોષમાં આવેલા ચક્રીય AMP (cyclic AMP) નામના રસાયણ દ્વારા પોતાનું કાર્ય કરે છે. તેઓ ચક્રીય AMPનું કોષમાંનું કદમાન (quantity) વધારે છે અથવા ઘટાડે છે. ઘણા અંતસ્રાવો કોષમાંના ચક્રીય AMPની વધઘટ કરીને પોતાનું કાર્ય કરે છે તેથી PGsની અસર હેઠળ ચક્રીય AMPના કદમાનમાં જે વધઘટ થાય છે તેની વિવિધ દેહધાર્મિક કાર્યો પર અસર પડે છે; જેમ કે, અરૈખિક સ્નાયુતંતુઓ(smooth muscle-fibres)નું સંકોચન અને શિથિલન, સ્થાનિક રુધિરવહન (perfusion), પ્રજનન, ગઠનકોષોનું એકત્રીકરણ, શ્વસન, ચેતા-આવેગવહન (nerve impulse conduction), ચરબીનો ચયાપચય, પ્રતિરક્ષાલક્ષી પ્રતિભાવ વગેરે. વળી તે શોથ (inflammation), નવવિકસન (neoplasia) અથવા ગાંઠ થવી જેવી વિવિધ વિકારકારી ક્રિયાઓમાં પણ સક્રિય છે.
PGsનો ઉપયોગ ઔષધશાસ્ત્રમાં પણ થાય છે. તે અતિશય સક્ષમ રસાયણો છે અને તેથી તેમનો 1 ગ્રામનો 10 કરોડમો ભાગ પણ ઔષધશાસ્ત્રીય અસર (pharmacological effect) ઉત્પન્ન કરે છે. ક્યારેક જુદા જુદા પ્રકારના PGs જુદાં જુદાં પ્રાણીઓમાં અલગ અલગ અસરો પણ કરે છે. તેમની વિવિધ અસરોને લીધે એવું મનાય છે કે કેટલાક પ્રતિરક્ષી વિકારો, રુધિરભારી હૃદયી નિષ્ફળતા (congestive cardiac failure), પાતળા ઝાડા કરતા રોગો, કૉલેરા, શોથકારી વિકારો, તાવ, સાંધામાં પીડાકારક સોજો (શોથ) કરતા વિકારો, કેટલાક મૂત્રપિંડવિકારો, ઝામર, ઈજા અને લોહીમાં પરુ ફેલાવતા જીવાણુઓના ફેલાવાથી થતી સપૂયરુધિરતા(septicaemia)ના વિકાર વગેરે વિવિધ રોગો અને વિકારોની સારવારમાં તેમનો ઉપયોગ થશે.
હાલ સગર્ભાવસ્થાના મધ્યકાળમાં ગર્ભશિશુ મૃત્યુ પામે ત્યારે તેને સંદિગ્ધ ગર્ભપાત (missed abortion) કહે છે. તે સમયે તેવા મૃત ગર્ભનો પાત કરાવવા માટે PGsનો ઉપયોગ થાય છે. ગર્ભાશયની ગ્રીવા પક્વ અને પહોળી બને જેથી પૂર્ણકાળે પ્રસવક્રિયા શરૂ થઈ શકે તે માટે PGE2 અથવા PGF2aનો ઉપયોગ કરાય છે. PGE1ના સમધર્મી (રિઓપ્રૉસ્ટિલ અને મિઝોપ્રૉસ્ટિલ) તથા PGE2ના સમધર્મી (ઇન્પ્રૉસ્ટિલ, આબોપ્રૉસ્ટિલ કે ટ્રાઇમોપ્રૉસ્ટિલ) જઠરના ચાંદાની સારવાર માટે ઉપયોગી છે. બાળકોમાં જોવા મળતી કેટલીક હૃદયની જન્મજાત કુરચનાઓમાં ફેફસાંમાં રુધિરાભિસરણ સુધારવા માટે ઍલ્પ્રોસ્ટેડિલ (PGE1) અને ઇપોપ્રૉસ્ટેનૉલ(PGI2)નો ઉપયોગ કરાય છે. PGE1નો ઉપયોગ લૈંગિક અક્ષમતા(impotence)ની સારવારમાં તથા PGE1 અને PGI2નો ઉપયોગ રુધિરદાન (રક્તદાન) માટેના લોહીમાં ગઠનકોષોની સંખ્યા વધારવા માટે પણ કરવાનું સૂચન છે. તેઓ હાથપગની નસોના સંકોચાવાથી થતા વિકારોમાં પણ લાભકારી ગણાય છે.
શ્રીપ્રકાશ ત્રિવેદી
શિલીન નં. શુક્લ