પ્રૉસ્ટાગ્લૅન્ડિન

February, 1999

પ્રૉસ્ટાગ્લૅન્ડિન : વૈવિધ્યપૂર્ણ શરીરક્રિયાધર્મી અસરો દર્શાવતાં પ્રાકૃતિક, રાસાયણિક રીતે અન્યોન્ય સંબંધિત, લાંબી (20–કાર્બન) શૃંખલાવાળા ચરબીજ ઍસિડોનો સમૂહ.

પુર:સ્થ (prostate) ગ્રંથિમાંથી મેળવવામાં આવેલો હોવાથી તેનું ‘પ્રૉસ્ટાગ્લૅન્ડિન’ નામ પ્રચલિત થયું છે. શરીરનાં અન્ય અંગો યકૃત, મૂત્રપિંડ વગેરેમાં પણ તે ઉત્પન્ન થાય છે.

પ્રૉસ્ટાગ્લૅન્ડિન શરીરના નિયંત્રણતંત્રના એક ભાગ તરીકે વર્તે છે. તંત્રના બીજા ભાગરૂપ એવા અંત:સ્રાવો (hormones) વિવિધ ગ્રંથિઓમાંથી શરીરના વિવિધ ભાગો તરફ સંદેશા લઈ જાય છે, જ્યારે પ્રૉસ્ટાગ્લૅન્ડિન કોષોની વચ્ચે સ્થાનિક રીતે કાર્ય કરે છે. તે કેટલાક સંજોગોમાં શરીરને રક્ષણ આપે છે; દા.ત., જઠરમાં બનતો પ્રૉસ્ટાગ્લૅન્ડિન વ્રણ (ulcer) થતો અટકાવી શકે છે; પણ જો વ્યક્તિની શારીરિક સ્થિતિ બગડી હોય તો વધુ પડતા પ્રૉસ્ટાગ્લૅન્ડિનનું ઉત્પાદન માઠી અસર કરે છે. આઘાત (shock) લાગ્યો હોય ત્યારે આવું બની શકે છે.

સૌપ્રથમ 1930માં કર્ઝરોક અને લીબે માનવીના ગર્ભાશયનું પ્રબળ સંકોચન તેમજ શિથિલન પ્રૉસ્ટાગ્લૅન્ડિન દ્વારા થાય છે તે શોધી કાઢ્યું. 1933–35માં ગોલ્ડબ્લેટે આ સંયોજનો રક્તચાપ ઘટાડે છે તેમ જણાવ્યું. 1957–62ના અરસામાં તેનું અલ્પ પ્રમાણમાં વિશ્લેષણ થયું તથા 1962માં તેનો અનુજાત પ્રૉસ્ટેનૉઇક ઍસિડ છે તેમ શોધાયું. સૌપ્રથમ 1962માં કુદરતી પ્રૉસ્ટાગ્લૅન્ડિનનું અલગીકરણ તથા અભિજ્ઞાન (identification) થયા બાદ તેના સંશોધનમાં સારી એવી પ્રગતિ થઈ છે. વિકિરણધર્મી કાર્યદ્રવ(substrate)ની મદદથી એવું સાબિત થયું છે કે પ્રૉસ્ટાગ્લૅન્ડિન E2 (PGE2)ના સંશ્લેષણમાં ઍરાકિડૉનિક ઍસિડ પૂર્વગામી (precursor)  છે. પ્રૉસ્ટાગ્લૅન્ડિનનું જૈવ વિશ્લેષણ એન્ડોપેરોક્સાઇડ મધ્યવર્તીઓ મારફતે થાય છે. આ મધ્યસ્થીનું અલગીકરણ થઈ શકયું છે, તથા તેમની લાક્ષણિકતાઓ નક્કી થઈ છે. તેમને PGG2 તથા PGH2 નામ આપવામાં આવ્યાં છે.

પ્રૉસ્ટાગ્લૅન્ડિનના સામાન્ય બંધારણમાં બે ઉપશાખાઓવાળું એક મધ્યસ્થ વલય હોય છે.

કેટલાક પ્રૉસ્ટાગ્લૅન્ડિનનાં બંધારણ સારણીમાં આપેલાં છે. કાર્બૉક્સિલ સમૂહવાળી શૃંખલામાં 5, 6–દ્વિબંધ સમપક્ષ (cis) હોય છે તથા ω શૃંખલામાં 13, 14 દ્વિબંધ વિપક્ષી (trans) હોય છે અને હાઇડ્રૉક્સિલ સમૂહ કાર્બન 15 ઉપર હોય છે. મધ્યસ્થ વલયપ્રણાલી સાથે અસમ (chiral) C8 તથા C12 સાથે આ શૃંખલાઓ ત્રિવિમ વિશિષ્ટતા (અવકાશીય વિશિષ્ટતા) દ્વારા જોડાયેલ હોવાને કારણે આ સંયોજનો જૈવવૈજ્ઞાનિક વિશિષ્ટતા ધરાવે છે. વૈજ્ઞાનિકો 20 કરતાં વધુ પ્રૉસ્ટાગ્લૅન્ડિન પારખી શક્યા છે.

પીળી ડુંગળીમાં પ્રૉસ્ટાગ્લૅન્ડિન A1 હોવાનું માલૂમ પડ્યું છે.

સારણી : કેટલાંક પ્રૉસ્ટાગ્લૅન્ડિન

નામ

અસર

ટૂંકું નામ બંધારણ
પ્રૉસ્ટાગ્લૅન્ડિન  G2 PGG2
પ્રૉસ્ટાગ્લૅન્ડિન  H2 PGH2
પ્રૉસ્ટાગ્લૅન્ડિન  E2

(વાહિકા-વિસ્ફારક જઠર-અમ્લ સ્રાવ ઘટાડે)

PGE2
પ્રૉસ્ટાગ્લૅન્ડિન  D2 PGD2
પ્રૉસ્ટાગ્લૅન્ડિન  F2a PGF2a
પ્રૉસ્ટાગ્લૅન્ડિન  I2 PGI2

1970ની શરૂઆતમાં એમ જાણવા મળ્યું કે પ્રૉસ્ટાગ્લૅન્ડિનને ઔષધ તરીકે લેવાના સમયાનુસાર તે પીતપિંડ(corpus tuteum)નું અપપોષણ (હ્રાસ) કરી ગર્ભપાત નિપજાવી શકે અથવા પ્રસવમાં મદદકર્તા બની શકે છે. આમ તે સંતતિનિરોધક તરીકે વપરાશમાં આવ્યાં છે. સંશોધિત બંધારણવાળા પ્રૉસ્ટાગ્લૅન્ડિન દ્વારા દર્દી ઉપર જરૂર પ્રમાણે અસર લાવી શકાય છે. મોટાં જાનવરોના માસિક સ્રાવને નિયંત્રિત કરવા માટે તેનાં ઇન્જેક્શન આપવામાં આવે છે. માનવી માટે ફળદ્રૂપતાનું નિયમન કરતાં પ્રૉસ્ટાગ્લૅન્ડિન આધારિત ઔષધો મેળવવાં મુશ્કેલ છે.

એમ મનાય છે કે પ્રૉસ્ટાગ્લૅન્ડિન અને તેમનાં તુલ્યરૂપી (analogues) તથા તેમનાં વિરોધી રસાયણો (antagonistics) સંધિશોથ (arthritis), દમ (asthma), બંધ નાક (blocked nasal passages), ઊંચો રક્તદાબ, અને વ્રણ (ulcer) વગેરેની સારવારમાં ઉપયોગી નીવડી શકે છે.

જ. પો. ત્રિવેદી