પ્રેહ-ખન મંદિર : પ્રાચીન કંબુજ દેશ(કંબોડિયા)ના કોમ્પોંગ-સ્વાય નગરમાં આવેલું મહામંદિર. આ મંદિરનું બાંધકામ લગભગ 200 વર્ષ સુધી ચાલ્યું હોવાનું જણાય છે. મધ્યના મુખ્ય દેવાલયને ફરતા ચાર પ્રાકાર અને તેની અંદર અનેક આનુષંગિક ઇમારતો, ખાઈઓ અને પુલો કરેલ છે. મુખ્ય દેવાલય સ્વસ્તિકાકાર છે. તેની ચારે બાજુ પ્રવેશદ્વારો કરેલાં છે, જે ફરતી વીથિકાઓમાં ખૂલે છે. વીથિકાઓ સાથે જોડાયેલા ચાર મુખમંડપો પૈકીના એક સાથે બે ગ્રંથાલયો જોડાયેલાં છે. કંબોડિયામાં દેવાલયની અંદર અને દેવાલયની સમ્મુખ પ્રવેશદ્વારની બંને બાજુએ બે મકાનો કરવામાં આવતાં, જેમને ગ્રંથાલય તરીકે ઓળખવામાં આવતાં. વીથિકાઓમાં અગાઉ ઈંટેરી સ્તંભોનો પ્રયોગ થતો. તેને સ્થાને આ મંદિરથી પથ્થરના સ્તંભો કરવાની પ્રથાનો પ્રારંભ થતો જોવામાં આવે છે. વળી વીથિકા પર લાકડાને સ્થાને પથ્થરનું કમાનાકાર વિતાન કરવાની પ્રથા પણ અહીંથી શરૂ થાય છે. આ મંદિરનું મુખ્ય દેવાલય અને તેને ફરતો પ્રાકાર સૂર્યવર્મા પહેલા(1010–1049)એ બંધાવ્યાં હતાં, જ્યારે બીજો પ્રાકાર અને તેની અંદરનાં બાંધકામો સૂર્યવર્મા બીજા(1113–1150)એ અને ત્રીજો તથા ચોથો પ્રાકાર તેમજ તેમની અંદરનાં બધાં બાંધકામો જયવર્મા સાતમા(1181–1218)એ બંધાવી મંદિરને સંપૂર્ણ બનાવ્યું હતું. તેના બહારના ભાગમાં 600 × 300 મીટરનું કૃત્રિમ જળાશય કરેલું છે, જેનું પાણી પ્રાકારને પૂર્વ બાજુથી છેદીને અડધે સુધી અંદર પ્રવેશે તેવી રચના કરેલી છે. આ જળાશયની મધ્યમાં મેબોન નામનું સ્વસ્તિકાકાર દેવાલય કરેલું છે. જયવર્મા સાતમાના સમયમાં મહાયાન બૌદ્ધ ધર્મનો અભ્યુદય થતાં પ્રેહ-ખન મહામંદિર ધાર્મિક પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર રહ્યું હોવાનું જણાય છે. આ મંદિર પ્રશિષ્ટ ખ્મેર સ્થાપત્યશૈલીના પ્રારંભકાલનો સરસ નમૂનો ગણાય છે.

પ્રવીણચંદ્ર પરીખ