પ્રૉક્સી : કંપનીની સભામાં તેના સભ્યના બદલે અન્ય વ્યક્તિએ હાજર રહીને મત આપવાનો અધિકાર. દેશવિદેશમાં રહેતા કંપનીના સભ્યો વિવિધ કારણોસર કંપનીની સભામાં હાજર રહી શકતા નથી. તેઓ કંપનીના સાચા માલિકો હોવા છતાં કંપનીના સંચાલનમાં ભાગ લઈ શકતા નથી. આથી તેઓ પોતાનો અભિપ્રાય આપી, વહીવટમાં ભાગ લઈ પોતાનો ફાળો આપી શકે તે હેતુથી કંપની ધારામાં પ્રૉક્સીની જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈ અનુસાર સભ્ય પોતે જાતે સભામાં હાજર રહેવાને બદલે પોતાના પ્રતિનિધિ તરીકે અન્ય કોઈ વ્યક્તિને સભામાં હાજર રહેવાનો અને પોતાના વતી મત આપવાનો અધિકાર આપે છે. તેને પ્રૉક્સી કહેવામાં આવે છે. જે વ્યક્તિને આવો અધિકાર મળ્યો હોય તેને અધિકૃત પ્રતિનિધિ કહે છે.

શૅરમૂડીવાળી બધી કંપનીઓએ તેના સભ્યોને મોકલેલી પ્રત્યેક નોટિસમાં માહિતી પ્રગટ કરવાની રહે છે કે જે સભ્યને સભામાં હાજર રહેવાનો અને મત આપવાનો અધિકાર છે, તે પોતાના વતી હાજરી અને મત આપવા કોઈ પણ વ્યક્તિની અધિકૃત પ્રતિનિધિ તરીકે નિમણૂક કરી શકશે અને એ વ્યક્તિ કંપનીનો સભ્ય હોવો જરૂરી નથી. નોટિસની સાથે સામાન્ય રીતે કંપની પ્રૉક્સી-પત્રનું કોરું ફૉર્મ પણ મોકલી આપે છે.

અધિકૃત પ્રતિનિધિ તરીકેની નિમણૂકની માહિતી સભ્યે કંપનીને ઓછામાં ઓછા 48 કલાક પહેલાં આપવાની હોય છે. કંપનીનો કોઈ પણ સભ્ય 24 કલાક પહેલાં આવેલા પ્રૉક્સી-પત્રો – દસ્તાવેજો તપાસી શકે છે; પરંતુ તે માટે તેણે 3 દિવસ અગાઉ નોટિસ આપવી જરૂરી છે. જો પ્રૉક્સી-પત્ર આપ્યા પછી, સભ્ય જાતે જ સભામાં હાજર રહે તો પ્રૉક્સી-અધિકાર આપોઆપ રદ ગણાય છે. પ્રૉક્સી-દસ્તાવેજ લેખિત હોવો જોઈએ. કંપનીના ચાલુ સભ્યે પ્રૉક્સી માટેનું નિયત ફૉર્મ હોય તો તે ભરીને તેમાં સહી કરેલી હોવી જોઈએ.

ભારતની સર્વોચ્ચ અદાલતે પ્રૉક્સી અંગે ઘડેલા નિયમો મુજબ, (1) સગીર વ્યક્તિને પ્રૉક્સી-અધિકૃત પ્રતિનિધિ તરીકે નીમી શકાય નહિ. (2) કંપનીનો કોઈ સભ્ય જો અભણ હોય તોપણ તેની પ્રૉક્સીનો સ્વીકાર થઈ શકે છે; પણ તેણે કોઈ એક સાક્ષીની હાજરીમાં અંગૂઠાની નિશાની કરવી પડે છે. તે અંગે સાક્ષીએ તેમાં સહી કરવી પડે છે. સભ્યની હાજરીમાં અને વિનંતીથી પ્રૉક્સી આપવામાં આવી છે તેમ પ્રૉક્સી-ફૉર્મના છેલ્લા પાને લખવાનું રહે છે.

ખાનગી કંપનીનો સભ્ય એક સમયે એક જ પ્રૉક્સી નીમી શકે. પ્રૉક્સી અંગે કંપની ધારાની જોગવાઈઓનો ભંગ કરવા બદલ કંપનીના અધિકારીને રૂ. 500 સુધીનો દંડ થઈ શકે છે. પ્રૉક્સીનો દસ્તાવેજ કંપની ધારાના પરિશિષ્ટમાં આપેલ નમૂના પ્રમાણેનો હોય તો આર્ટિકલ્સની કોઈ જોગવાઈનું પાલન થયું ન હોય એટલા માટે જ પ્રૉક્સીનો દસ્તાવેજ રદબાતલ ગણાય નહિ.

સંદીપ ભટ્ટ