પ્રેસિયોડિમિયમ : આવર્તકોષ્ટક(periodic table)ના III B સમૂહનાં લૅન્થેનાઇડ શ્રેણી તરીકે ઓળખાતાં દુર્લભ મૃદા તત્વો (rare earth elements) પૈકીનું એક ધાત્વિક તત્વ. સંજ્ઞા Pr. ઑસ્ટ્રિયન રસાયણવિદ સી. એફ. આઉઅર વૉન વેલ્સબેકે 1885માં તે સમયે ડિડિમિયમ તરીકે ઓળખાતા તત્વના એમોનિયમ ડિડિમિયમ નાઇટ્રેટ ક્ષારમાંથી વિભાગીય (fractional) સ્ફટિકીકરણ દ્વારા પ્રેસિયોડિમિયમ અને નિયોડિમિયમ ક્ષારો જુદા પાડી આ તત્વની શોધ કરી હતી. ડિડિમિયમના લીલા અંશમાંથી આ તત્વ મળ્યું હોવાથી ગ્રીક શબ્દો prasios (leek green) અને didymus (twin) પરથી તેનું નામ પ્રેસિયોડિમિયમ પડ્યું છે. કુદરતી રીતે પ્રાપ્ય તત્વ લગભગ 100 % Prનો સ્થાયી સમસ્થાનિક (isotope) 140.907 ધરાવે છે.
તેનાં મુખ્ય ખનિજો મૉનેઝાઇટ, બાસ્ટનેસાઇટ, એલોનાઇટ તથા સિરાઇટ છે. તે વિભંજન (fission) નીપજ તરીકે પણ મળી આવે છે. તત્વના ક્લૉરાઇડ કે ફ્લોરાઇડના કૅલ્શિયમના ભૂકા વડે અપચયન દ્વારા અથવા પીગળેલા હેલાઇડના વિદ્યુતવિભાજન દ્વારા પ્રેસિયોડિમિયમ મેળવી શકાય છે. આયન-વિનિમય તેમજ દ્રાવણ-નિષ્કર્ષણ દ્વારા પણ તે અલગ કરી શકાય છે.
પ્રેસિયોડિમિયમ મૃદુ, ટિપાઉ અને સહેલાઈથી પિગાળી શકાય તેવી ધાતુ છે. તેનો રંગ પીળાશ પડતો છે. પણ હવામાં તેની સપાટી ઝાંખી પડે છે. તેના અગત્યના ભૌતિક ગુણધર્મો નીચે પ્રમાણે છે :
પ્રેસિયોડિમિયમના ભૌતિક ગુણધર્મો | |
પરમાણુભાર | 140.9077 |
પરમાણુક્રમાંક | 59 |
ઇલેક્ટ્રૉનીય સંરચના | [Xe] 4f36s2 |
ઘનતા (ગ્રા./ઘસેમી.) (25° સે.) | 6.475 |
ગલનબિંદુ (°સે.) | 931 |
ઉત્કલનબિંદુ (°સે.) | 3520 |
સંયોજકતા | 3,4 |
માનક વિભવ (E°, વોલ્ટ) | 2.47 |
(Pr3+ + 3e = Pr) |
હવામાં ગરમ કરતાં (200°થી 400° સે.) તે ઑક્સાઇડ બનાવે છે. તે પાણી સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન ઉત્પન્ન કરતું હોવાથી તેને પ્લાસ્ટિકના આવરણમાં બંધ કરીને અથવા ખનિજતેલમાં રાખવામાં આવે છે. 98.8 %થી 99.9 % શુદ્ધ ધાતુ તરીકે તે પાટા, સળિયા કે પાતળાં પતરાં રૂપે મળી રહે છે.
પ્રેસિયોડિમિયમનો ઉપયોગ તેના ક્ષારો બનાવવામાં મિશ ધાતુ (misch metal) તરીકે ઓળખાતી મિશ્રધાતુ ધાતુમાં, કાર્બન વીજચાપ (arc) માટેના અંતર્ભાગ(core)માં, ઉદ્દીપક તરીકે, લેસર કિરણો માટે, સંદીપકો(phosphors)માં, કાચને રંગીન બનાવવા, ચિનાઈ માટીનાં પાત્રોને ઓપ (glaze) આપવા વગેરેમાં વપરાય છે. જેટ એન્જિનના ભાગો બનાવવા વપરાતી ઊંચી ક્ષમતાવાળી મૅગ્નેશિયમ ધાતુની મિશ્રધાતુ બનાવવામાં પણ તે વપરાય છે. Pr3+ આયન NMR(nuclear magnetic resonance)માં સૃતિ (સ્થાનાંતર) (shift) પ્રક્રિયક તરીકે ઉપયોગી છે.
દેવીદાસ ગાંધી