પ્રેમાભાઈ હીમાભાઈ (જ. 1815, અમદાવાદ; અ. 1887, અમદાવાદ) : અમદાવાદના દાનવીર નગરશેઠ. ભારતના મુઘલ બાદશાહ જહાંગીર પાસેથી નગરશેઠનો ઇલકાબ મેળવનાર શાંતિદાસ ઝવેરી(1590–1660)ના વંશજ પ્રેમાભાઈ વીશા ઓસવાળ જૈન હતા. તેઓ ધનિક કુટુંબના હતા. તેઓ અફીણ અને રૂનો વેપાર, ધીરધાર તથા શરાફી જેવા પરંપરાગત વ્યવસાયો દ્વારા શ્રીમંત બન્યા હતા. પ્રેમાભાઈ, ફૉર્બ્સ, ભોળાનાથ સારાભાઈ, થિયોડોર હોપ જેવી સમાજનિષ્ઠ વ્યક્તિઓના સહકારથી 1848માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સ્થપાઈ હતી. પ્રેમાભાઈ જેવા ધનાઢ્ય સજ્જનોના પ્રયાસથી આ સોસાયટીની શૈક્ષણિક, સાહિત્યિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિને ઉત્તેજન મળ્યું હતું. 1849માં પ્રેમાભાઈએ ઝવેરીવાડમાં મહાવીર સ્વામીનું મંદિર બંધાવ્યું હતું. 1863માં જ્યારે ગુજરાતમાં ભયંકર દુષ્કાળ પડ્યો ત્યારે નગરશેઠ પ્રેમાભાઈ, મગનભાઈ કરમચંદ, હઠીસિંગ કેસરીસિંગ, બેચરદાસ લશ્કરી વગેરે અમદાવાદના શ્રીમંતોએ લોકોને ભૂખમરામાંથી બચાવવા રાહત-ફાળો એકઠો કર્યો હતો. તેમાં પ્રેમાભાઈએ રૂપિયા બે લાખની મોટી રકમ આપી હતી. 1857ના વિપ્લવમાં બળવાખોરોએ તારનાં દોરડાં કાપી નાખ્યાં ત્યારે પ્રેમાભાઈએ ઇન્દોર અને અમદાવાદ વચ્ચે ટપાલની સગવડ કરી આપવાથી તત્કાલીન અંગ્રેજ કલેક્ટર મિ. હેડો તથા ન્યાયાધીશ મિ. વૉર્ડન દરરોજ નિયમિત સમાચાર મેળવી શકતા હોવાથી, તેઓ તેમના ઉપર ખુશ હતા. તે સમયે ઘાયલ થયેલા લોકો માટે પ્રેમાભાઈ અને તેમના બનેવી હઠીસિંગ કેસરીસિંગે અમદાવાદમાં એક દવાખાનું શરૂ કર્યું હતું. લોકોની જ્ઞાનપિપાસા સંતોષવા પ્રેમાભાઈએ અમદાવાદમાં ‘હીમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ’ નામથી એક પુસ્તકાલય શરૂ કરી તેને પુસ્તકોથી સમૃદ્ધ કર્યું. ગુજરાત કૉલેજ સ્થાપવામાં તેમણે રૂપિયા દસ હજારનો ફાળો આપ્યો હતો. મુંબઈમાં ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થનારને ચાંદ (મેડલ) આપવાની તેમણે વ્યવસ્થા કરી હતી. 1863માં મુંબઈમાં વિક્ટોરિયા ગાર્ડન તથા આલબર્ટ મ્યુઝિયમની સ્થાપના માટે અને આસપાસમાં બગીચો બનાવવા માટે તેમણે માતબર રકમનું દાન કર્યું હતું. સૌરાષ્ટ્રમાં શત્રુંજય પર્વત પર તેમણે રૂપિયા પાંચ લાખના ખર્ચે એક ભવ્ય દેવાલય તથા ધર્મશાળા અને પાંજરાપોળ પણ બંધાવ્યાં હતાં; તેમણે નરોડા, સરખેજ, બરવાળા, ગુંદી, માતર અને ઉમરાળામાં ધર્મશાળાઓ બંધાવી હતી. તેમની લોકકલ્યાણની પ્રવૃત્તિઓની કદર કરીને સરકારે તેમને મુંબઈ રાજ્યની ધારાસમિતિ(લેજિસ્લેટિવ કાઉન્સિલ)ના સભ્યપદે નીમ્યા હતા. તેમની સ્મૃતિમાં અમદાવાદ શહેરના લોકોએ પ્રેમાભાઈ હૉલ બંધાવ્યો હતો.
જયકુમાર ર. શુક્લ