પ્રેમાનંદ સાહિત્ય સભા

February, 1999

પ્રેમાનંદ સાહિત્ય સભા : ગુજરાતીના આખ્યાનકવિ પ્રેમાનંદની સ્મૃતિમાં તેના વતન વડોદરામાં સાહિત્ય, સંગીત, કલા-સંસ્કાર પ્રવૃત્તિ ચલાવતી સંસ્થા. મૂળ નામ ‘વડોદરા સાહિત્ય સભા’. સ્થાપના 11મી નવેમ્બર 1916. ‘શ્રી પ્રેમાનંદ સાહિત્ય સભા’નું નામાભિધાન 1 જાન્યુઆરી 1944ના રોજ. સભાનું વિશાળ ભવન વડોદરા ખાતેના દાંડિયા બજાર સ્થિત લકડી પુલ સામે 145.33 ચોમી. જમીનમાં બંધાયેલું છે. તેનું ભૂમિપૂજન 28 જાન્યુઆરી 1963ના રોજ થયેલું. સભાના મકાનમાં ‘પ્રેમાનંદ સાહિત્ય ભવન’ અને ‘રાજરત્ન રમણલાલ દેસાઈ સભાગૃહ’ ઉપરાંત ગ્રંથાલય, સંશોધનખંડ, કાર્યાલય વગેરે આવેલાં છે.

પ્રેમાનંદ ત્રિશતાબ્દી નિમિત્તે સભાએ ‘પ્રેમાનંદ જીવન-પ્રશસ્તિ’નો આરસનો શિલાલેખ, વડોદરા ખાતેના કવિ પ્રેમાનંદના જન્મસ્થળે તકતીમાં મુકાવ્યો છે. સભાની વિવિધ પ્રવૃત્તિઓમાં સાહિત્યવિષયક વ્યાખ્યાનો અગ્રપદે છે. ‘જયંતી પ્રવચનો’ની શ્રેણીમાં કવિ ન્હાનાલાલ, કેશવ હર્ષદ ધ્રુવ, રમણભાઈ નીલકંઠ, ડાહ્યાભાઈ દેરાસરી, અંબાલાલ જાની, કનૈયાલાલ મુનશી, બળવંતરાય ઠાકોર, રામાનારાયણ વિ. પાઠક, ગજેન્દ્રશંકર પંડ્યા આદિનાં વિદ્વદભોગ્ય વ્યાખ્યાનો સમાવિષ્ટ છે. વળી, ‘ભોગીલાલ સાંડેસરા’ વ્યાખ્યાનમાળા જેવી વ્યાખ્યાનશ્રેણીઓ, શ્રીમંત મહારાજા સાહેબનો ‘શ્રીમંત હીરક મહોત્સવ’ (1935) તથા કાલિદાસ સ્મૃતિદિનની ઉજવણી, દીવાન સર મનુભાઈ ઇનામી નિબંધપ્રવૃત્તિ, વક્તૃત્વકળાની હરીફાઈ, સંગીતસ્પર્ધાઓ, નૃત્ય અને નાટ્યોત્સવો, મુશાયરા અને કવિસંમેલનોનું તેમજ ગ્રંથવિમોચન સમારંભો, સાહિત્યકારોના સન્માન સમારંભો, સાહિત્યનો ચોતરો જેવા સાહિત્યોત્તેજક કાર્યક્રમોનું આયોજન, સ્વાધ્યાય મંડળોનું સંચાલન વગેરે આ સભાની સાહિત્યિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ છે. સભા તરફથી પ્રેમાનંદ સુવર્ણચંદ્રક મેળવનાર કવિસાક્ષરોમાં મરીઝ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, હરિવલ્લભ ભાયાણી, ઉમાશંકર જોશી, ધાર્મિકલાલ પંડ્યા, સુરેશ જોષી, ચંદ્રવદન મહેતા, મધુ રાય, પ્રિયકાન્ત પરીખ, અમૃત ઘાયલ આદિનો સમાવેશ થાય છે.

આ સભા તરફથી થયેલાં મહત્વનાં પ્રકાશનોમાં (1) ‘પ્રેમાનંદ આખ્યાનશ્રેણી’, (2) ‘સાહિત્યકાર’ (ત્રૈમાસિક), (3) ‘સાહિત્યકાર પ્રેમાનંદ’, (4) ‘વડોદરા સાહિત્યસભા રજતમહોત્સવ ગ્રંથ’, (5) ‘કાલિદાસ સ્મૃતિપર્વ’, (6) ‘પુષ્પોની સૃષ્ટિમાં’, (7) ‘સાહિત્યગંગા’, (8) ‘સાહિત્યકાર શામળ ભટ્ટ’, (9) ‘સાહિત્યકાર અખો’, (10) ‘સાહિત્યકાર વલ્લભ ભટ્ટની વાણી’, (11) ‘સ્વાતિબિંદુ’, (12) ‘ભમ્રરગીતા’, (13) ‘ગનીમની લડાઈનો પવાડો’, (14) ‘નર્મગદ્ય’, (15) ‘વડોદરાના વિદ્યમાન સારસ્વતોની છબી તથા પરિચય’, (16) ‘સર મનુભાઈ નંદશંકર જન્મશતાબ્દીગ્રંથ’, (17) ‘નરસિંહ મહેતાની હૂંડી’, (18) ‘ગુજરાતી રંગભૂમિનું ઇતિહાસદર્શન’, (19) ‘ગઝલનું શીલ અને સૌંદર્ય’, (20) ‘રંગમંચન’, (21) ‘વાગર્ઘ્ય’, (22) ‘મહાકવિ પ્રેમાનંદ ત્રિશતાબ્દી સ્મૃતિગ્રંથ’ અને (23) ‘પ્રેમાનંદ સાહિત્યસભાનાં પચાસ વર્ષ – પ્રવૃત્તિઓ તથા પ્રેમાનંદપરિચય – ગ્રંથ’નો સમાવેશ થાય છે.

હરગોવિંદદાસ કાંટાવાળા, મટુભાઈ કાંટાવાળા, અતિસુખશંકર ક. ત્રિવેદી, રમણલાલ વ. દેસાઈ અને મંજુલાલ ર. મજમુદાર જેવા સાહિત્યકારોએ પ્રેમાનંદ સાહિત્ય સભાના પ્રમુખપદે રહીને તેને માર્ગદર્શન-સેવા આપી છે.

જૉસેફ પરમાર