પ્રેબિશ, રાઉલ ડી. (જ. 1901 – ) : રાષ્ટ્રસંઘના નેજા હેઠળની ‘અન્કટાડ’ (UNCTAD) જેવી સંસ્થાને પ્રેરક બળ પૂરું પાડતા વિખ્યાત અર્થશાસ્ત્રી. દક્ષિણ અમેરિકાના ચીલી દેશમાં જન્મેલા આ અર્થશાસ્ત્રી આંતરરાષ્ટ્રીય વ્યાપાર તથા વિકાસલક્ષી અર્થશાસ્ત્રના નિષ્ણાત ગણાય છે. તેમણે શરૂઆતનું શિક્ષણ પોતાના દેશમાં અને ઉચ્ચ શિક્ષણ અમેરિકામાં લીધું. અર્થશાસ્ત્રમાં ડૉક્ટર ઑવ્ ફિલૉસૉફી(Ph.D.)ની પદવી પ્રાપ્ત કર્યા પછી થોડાક સમય સુધી યુનિવર્સિટી-કક્ષાએ અધ્યાપન તથા સંશોધન કર્યું અને ત્યારપછી તેઓ આર્જેન્ટિનાના અને સાથોસાથ ‘અન્કટાડ’ના આર્થિક સલાહકાર નિમાયા. વિશ્વવ્યાપારને પ્રોત્સાહન, ઝડપી આર્થિક વિકાસ તથા વિકાસશીલ દેશોની વાણિજ્ય-વ્યાપારને લગતી જરૂરિયાતો પ્રત્યે વિશેષ ધ્યાન આપવાના હેતુથી 1964માં રાષ્ટ્રસંઘના નેજા હેઠળ જિનિવા ખાતે યોજવામાં આવેલ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ‘યુનાઇટેડ નૅશન્સ કમિશન ફૉર ટ્રેડ ઍન્ડ ડેવલપમેન્ટ’ (UNCTAD) સંસ્થાની સ્થાપના થતાં તેના પ્રથમ સેક્રેટરી-જનરલ તરીકે તેમની વરણી થઈ. ખેતીની પેદાશો માટે વ્યાપારની શરતો પ્રતિકૂળ થવાનું વલણ સતત ધરાવતી હોય છે અને તેને લીધે વિકાસશીલ દેશોમાંથી વિકસિત દેશોમાં આવકની હેરફેર થાય છે. આ અંગેની તેમની રજૂઆત ‘પ્રેબિશ-સિંગર પ્રબંધ’ નામથી જાણીતી બની છે. વિકાસશીલ દેશોએ ઔદ્યોગિકીકરણ કરવા માટે સંરક્ષણાત્મક જકાતોનો આશ્રય લેવો જોઈએ. આ બાબતને તેઓ સમર્થન આપે છે. વિકાસશીલ દેશો દ્વારા કરવામાં આવતી પ્રાથમિક ચીજવસ્તુઓ નિકાસોમાંથી તેમને પ્રાપ્ત થતી આવકમાં વૃદ્ધિ થાય, તેમને વધુ આર્થિક સહાય અપાય તેમજ તેવા દેશોમાંથી થતી ઔદ્યોગિક ચીજવસ્તુઓની નિકાસોમાં વધારો થાય તે માટે તેમણે જે સૂચનો કર્યાં છે તે નોંધપાત્ર છે.
આંતરરાષ્ટ્રીય વ્યાપાર તથા વિકાસલક્ષી અર્થશાસ્ત્રને લગતા તેમના સંશોધન-લેખો ઉપરાંત તેમના ગ્રંથોમાં ‘ધ ઇકૉનૉમિક ડેવલપમેન્ટ ઑવ્ લૅટિન અમેરિકા ઍન્ડ ઇટ્સ પ્રૉબ્લેમ્સ’ (1950), ‘ટૂવર્ડ્સ એ ન્યૂ ટ્રેડ પૉલિસી ફૉર ડેવલપમેન્ટ’ (1964) તથા ‘કૉમર્શિયલ પૉલિસી ઇન ધ અન્ડરડેવલપ્ડ કન્ટ્રિઝ’ વિશેષ નોંધપાત્ર છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે