પ્રેતભોજન : મરણ પછી બારમા દિવસે હિંદુ પરંપરા મુજબ અપાતું સમૂહભોજન. પુરાણ પ્રમાણે મરેલ મનુષ્યનો દેહ બળી ગયા પછી તે અતિવાહિક કે લિંગશરીર ધારણ કરે છે. જ્યારે તેને અનુલક્ષીને પિંડ વગેરે દેવામાં આવે છે ત્યારે તેને પ્રેતશરીર કે ભોગશરીર પ્રાપ્ત થાય છે. આ શરીર સપિંડીકરણ સુધી રહે છે અને પછી પોતાનાં કર્માનુસાર સ્વર્ગ કે નરકમાં જાય છે તેવી માન્યતા છે.

હિંદુઓની અંત્યેષ્ટિ ક્રિયાનો અંતિમ ભાગ પિંડદાન છે, જે સૂતકના દિવસોમાં કરવામાં આવે છે. પિંડદાનની પ્રથા એક યા બીજા પ્રકારે વિશ્વના તમામ ધર્મોમાં પ્રચલિત છે. સૂતકના દિવસોમાં મૃત્યુ પામેલ વ્યક્તિને જીવિત માનવામાં આવે છે. વૈદિક યુગમાં પિંડદાનમાં ભાગ લેવા માટે સામાન્યત: પિતૃઓને આમંત્રિત કરવામાં આવતા. સૂત્રોમાં દર્શાવ્યા પ્રમાણે મૃત્યુ પછીના પ્રથમ દિવસે મૃતક માટે પિંડદાન કરવું જોઈએ. ભાતના ગોળાને ‘પિંડ’ કહેવા પાછળ કારણ એવું હતું કે તે પ્રેતના શરીર(પિંડ)ના અવયવોને પૂરક માનવામાં આવતું. ભાતના આ ગોળાની સાથે તેની શુદ્ધિ માટે પાણી પણ ઢોળવામાં આવતું અને પ્રેતને નામ લઈને બોલાવવામાં આવતું. ‘અહીં સ્નાન કરો’ એમ બોલીને દૂધ અને પાણીના મિશ્રણને વાયુમંડળમાં છાંટવામાં આવતું. વળી તેને સુગંધિત પદાર્થો તેમજ યમલોકના અંધકારમય માર્ગમાં પ્રકાશ માટે દીવો પણ આપવામાં આવતો. અગિયારમા દિવસે બ્રાહ્મણોને જમાડવામાં આવતા. આ ભોજનમાં માંસાહાર પણ પીરસવામાં આવતો એવા ઉલ્લેખ ગૃહ્યસૂત્રોમાં છે.

મૃત વ્યક્તિને પ્રેત માનીને ભોજન આપવાની તેમજ તેના નામે અન્ય ક્રિયાઓ કરવા પાછળ સામાન્ય રીતે બે પ્રકારના ભાવ છે : એક ભાવ ભયનો છે. એવી માન્યતા હતી કે મૃત વ્યક્તિનો સ્વાર્થ હજુ પણ કુટુંબની સંપત્તિ તથા સંબંધીઓમાં છે, જેને તે ત્યાગવા નથી માગતો અને પરિણામે તે ઘરની આસપાસ ક્યાંક અસ્તિત્વ ધરાવતી હશે. બીજો ભાવ મૃતક માટેનો સ્નેહ અને પ્રેમભાવ છે. તેથી મૃત્યુ પામેલ વ્યક્તિના જીવિત સંબંધીઓ તેના ભાવિ કલ્યાણ માટે ઉત્સુક હોય છે. પરિણામે અગ્નિસંસ્કારથી શરૂ કરી બારમાની વિધિ સુધી પ્રેતભોજન આપવાની રૂઢિ પાછળ મૃત વ્યક્તિને પિતૃલોકમાં પ્રવેશ કરાવવાનો ઉદ્દેશ જણાય છે.

મૃત્યુ પછીના દસમા દિવસે જીવિત સગાંઓના વાળ અને નખ કાપવામાં આવે છે અને મૃતકની પ્રેતદશાના નિવારણ માટે મૃતક તેમજ યમરાજને પિંડદાન કરવામાં આવે છે. અગિયારમા દિવસે મૃતકને જળ આપવામાં આવે છે અને પ્રેતને મોક્ષ મળે તે માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવામાં આવે છે. સપિંડીકરણ અથવા પ્રેતને પિતૃઓ સાથે સંયુક્ત કરવાની ક્રિયા બારમા દિવસે પૂરી થયા પછી બાર માસ સુધી પ્રત્યેક માસ પૂરો થવાને થોડા દિવસ બાકી હોય ત્યારે માસિક શ્રાદ્ધ અને છેવટે વાર્ષિક શ્રાદ્ધ કરવામાં આવે છે કે જેને ‘વરસી’ કહે છે.

પ્રેતભોજનને ‘પ્રેતાન્ન’ તેમજ ‘પ્રેતશ્રાદ્ધ’ જેવા શબ્દો દ્વારા પણ પરંપરાથી ઓળખવામાં આવે છે. પ્રેતશ્રાદ્ધમાં કોઈ વ્યક્તિના મરવાની તિથિથી એક વર્ષ સુધીમાં થનારાં સોળ શ્રાદ્ધનો સમાવેશ થાય છે. તેમાં સપિંડી, માસિક અને છમાસિક વગેરે શ્રાદ્ધનો સમાવેશ થાય છે. આમ કરવાથી અસદ્ગતિવાળો આત્મા સદ્ગતિ પામે છે એવું મનાય છે.

એવું પણ મનાય છે કે જે લોકોની શ્રાદ્ધ વગેરે કે ઊર્ધ્વદૈહિક ક્રિયા નથી થતી, તે પ્રેત-અવસ્થામાં રહે છે. કોઈ પોતાના કર્મ પ્રમાણે ઊર્ધ્વદૈહિક ક્રિયા થઈ ગયા પછી પણ પ્રેત જ થઈ રહે છે. પુરાણોમાં એમ પણ દર્શાવાયું છે કે જે લોક આહુતિ દેતા નથી, દાન દેતા નથી, તીર્થયાત્રા કરતા નથી, વિષ્ણુની પૂજા કરતા નથી, પરસ્ત્રીહરણ કરી લાવે છે, જૂઠા અથવા નિર્દય હોય છે, માદક પદાર્થને સેવનારા અથવા આવા પ્રકારનાં કે બીજાં કુકર્મ કરનાર હોય છે તે પ્રેત થઈને સદા દુ:ખ ભોગવ્યા કરે છે. પ્રેતનો નિવાસ મળમૂત્ર વગેરેવાળા ગંદા સ્થાનમાં હોય છે એવી પણ માન્યતા છે.

હિંદુ ધર્મની વિકાસયાત્રામાં પરંપરાવાદી અને રૂઢિવાદી વિચારો અને પ્રવૃત્તિઓના યુગને કારણે સંસ્કારો સ્થિર, અપરિવર્તનશીલ થઈ ગયા. સાથે સાથે સુધારણા અને પરિવર્તનની ક્ષમતા પણ ના રહી. આ કારણે મૃત્યુ પછીની શાસ્ત્રોક્ત વિધિઓમાં જડતા આવી ગઈ અને તે કર્મકાંડમાં ફેરવાઈ ગઈ. બીજી તરફ બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ તથા અનેક ભક્તિમાર્ગોની અસરોને કારણે કર્મકાંડી વ્યવહારો સમય જતાં અમુક સમૂહો પૂરતા મર્યાદિત થઈ ગયા. ઓગણીસમી સદીમાં પશ્ચિમી સંસ્કૃતિ, રાષ્ટ્રવાદી આંદોલનો તેમજ આર્યસમાજ જેવાં સુધારાવાદી સંગઠનોએ અન્ય ધાર્મિક-સામાજિક જડતા પર કુઠારાઘાત કર્યા. તે સાથે ‘પ્રેતભોજન’ જેવી રૂઢિઓનો પણ અસ્વીકાર થવા માંડ્યો. બારમું-તેરમું વગેરે સંબંધિત જમણવારો કરવા નહિ એવા ઠરાવો અનેક જ્ઞાતિઓએ પોતાના બંધારણમાં અને નિયમોમાં સામેલ કર્યા. મૃત વ્યક્તિ પાછળ પ્રેતભોજન નહિ; પરંતુ શિક્ષણ, સંસ્કાર અને ધાર્મિક / આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરવા તરફનું વલણ વીસમી સદીનાં અંતિમ વર્ષોમાં વ્યાપક થતું હોય તેમ દેખાય છે.

ગૌરાંગ જાની