પ્રૂફરીડિંગ : પ્રૂફ વાંચવું તે. છાપવા માટેના લખાણનું કંપોઝ રૂપે જે કાચું છાપપત્ર પ્રૂફ તૈયાર થયું હોય તે વાંચીને ભૂલો સુધારવા નિશાનીઓ દ્વારા સૂચના અપાતી હોય છે. સૂચના પ્રમાણે સુધારા-ઉમેરા કરી છાપવાજોગ છેવટનું છાપપત્ર તૈયાર કરવામાં આવે છે. ‘પ્રૂફ’ નામે ઓળખાતી આવી પ્રતિલિપિ વાંચીને સુધારનારને પ્રૂફરીડર કહે છે. આ કાર્ય દેખાય છે એટલું સરળ નથી. કેટલીક વાર પ્રૂફગત લખાણમાં ભૂલો છતાં સાચું વાંચવાની ટેવને લીધે, ઉતાવળમાં એ ભૂલો છટકી જવાનો સંભવ રહે છે. એટલે અક્ષરશ: વાંચીને ભૂલ જોવાની તીક્ષ્ણ ર્દષ્ટિ કેળવી શકનાર જ પ્રૂફવાચક તરીકે કામ કરવા યોગ્ય ગણાય છે. પ્રૂફવાચનની બીજી યોગ્યતા ભાષા અને સાહિત્યનું તથા કંપોઝ અને મુદ્રણપ્રક્રિયાનું પાયાનું જ્ઞાન છે. ભાષાના જ્ઞાનમાં જોડણી, વિરામચિહ્નો, વાક્યરચના આદિનું જ્ઞાન આવશ્યક છે. દા.ત., ‘તે પણ’ એવા અર્થમાં હોય તો ‘તે’ અને ‘જ’ છૂટા લખાય છે. પણ પ્રકાશના અર્થનો શબ્દ હોય તો ‘તેજ’ ભેગું લખાય છે. હિન્દી, સંસ્કૃત તથા અંગ્રેજીનો પરિચય લાભદાયી છે. દા.ત., અંગ્રેજી જોડણી પરથી લખાતા શબ્દો ક્રિશ્ના, રિશી, રિચા, પ્રિટી ખોટા છે. તેમનાં શુદ્ધ રૂપો કૃષ્ણ, ઋષિ, ઋચા અને પ્રીતિ છે. આ જ રીતે, સાહિત્યનો તથા તેની સાથે સંબદ્ધ વિષયોનો પરિચય ઉપકારક કે ઉપયોગી નીવડે છે.

પ્રૂફવાચકની ત્રીજી યોગ્યતા પ્રૂફનિશાનીઓનો પરિચય તથા તેમનો ઉચિત રીતે ઉપયોગ કરવાની આવડત છે. નિશાનીઓ પ્રૂફના હાંસિયામાં થોડી જગ્યા રોકે છે. વળી, તેથી લાંબી સૂચનાઓ લખવાનો સમય બચે છે. લખાણમાં જે સ્થળે સુધારા કરવાના હોય ત્યાં સહેજ જુદી નિશાની કરવામાં આવે છે.

પ્રૂફવાચક મુખ્યત: કંપોઝની ભૂલો પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. ભાષાકીય રચનાની ભૂલો તેના ક્ષેત્રની બહાર છે. આમ છતાં, ભાષાકીય રચનામાં જ્યાં ગંભીર ક્ષતિ જણાય ત્યાં તે લેખકનું ધ્યાન દોરી શકે છે.

મૂળ લખાણ ‘પાંડુલિપિ’ અથવા ‘મૅટર’ કહેવાય છે. હાથકંપોઝમાં છૂટાં બીબાં વડે તેની લીટીઓ કે પંક્તિઓ ગોઠવાય છે. પંક્તિઓ વડે નિશ્ચિત પહોળાઈમાં લાંબા માપમાં ગૅલી બને છે. આ ગૅલી-કંપોઝ ઉપર શાહી ચોપડી કાગળ દાબીને ગૅલીપ્રૂફ કે ગૅલીછાપ મેળવવામાં આવે છે. તેને પહેલું પ્રૂફ કહે છે. આ પ્રૂફ સુધારીને તે પ્રમાણે સુધારેલા બીજા પ્રૂફ પછી કંપોઝનાં પાનાં ગોઠવાય છે, જેથી આ પહેલાંના કરેલા સુધારા પ્રમાણે સુધારવાનું સરળ પડે. આ ત્રીજું પ્રૂફ ઘણુંખરું લેખકને જોવા અપાય છે. તે બરાબર છે એેવો સંતોષ દર્શાવે એટલે છેવટનું ચોથું પ્રૂફ મુખ્ય પ્રૂફવાચકને જોવા અપાય છે. તેની સૂચના મળે એટલે પાનાં છાપવા માટે મોકલવામાં આવે છે. હવે સંગણક-કંપોઝ(computer-compose)ની સગવડ મળતી થઈ હોવાથી પ્રિન્ટર નામના ઉપકરણ વડે પ્રૂફ મેળવવામાં આવે છે. ભૂલો સંગણકમાં સંઘરેલા કંપોઝમાં કળ દાબીને સુધારવામાં આવે છે. છૂટાં બીબાંના કંપોઝની સરખામણીમાં આ રીતના કંપોઝનાં પ્રૂફ સુધારવાનું ઘણું સરળ બને છે.

આધુનિક મુદ્રણકલા પશ્ચિમની શોધ છે. તેથી પ્રૂફવાચનમાં વપરાતાં સંકેતો અને ચિહ્નોમાં અંગ્રેજી અક્ષરોનો ઉપયોગ વિશેષ થાય છે.

મહત્વની ભૂલો તથા તેના સંકેતની સમજણ આ સાથે નીચેની સારણીમાં આપેલી છે :

બંસી કંસારા