પ્રુસિનર, સ્ટેન્લી બી.

February, 1999

પ્રુસિનર, સ્ટેન્લી બી. (જ. 1942 અમેરિકા) : દેહધર્મવિદ્યા અને વૈદ્યક માટેનું 1997નું નોબેલ પારિતોષિક મેળવનાર અમેરિકી સંશોધક. પ્રુસિનરે દાકતરીનું પ્રશિક્ષણ લઈ દાકતરનો વ્યવસાય સંભાળવા વિચારેલું પણ, શિક્ષણ અને સંશોધનકાર્યમાં રુચિ વધતાં તે સાન ફ્રાન્સિસ્કોમાં ફૉલિકેર્નિયા યુનિવર્સિટીમાં જોડાયા. 1972માં તે દાક્તર હતા ત્યારે તેમની સારવાર હેઠળના એક રોગીનું ભેદી મરણ થયું. દાક્તર પ્રુસિનરને આંચકો લાગ્યો. તપાસમાં જણાયું કે મરનારનો રોગ ક્રોઇત્ઝફેલ્ટજેકબ નામનો વિચિત્ર રોગ હતો. આ રોગમાં શરીરમાં પ્રાયૉન નામના સૂક્ષ્મ ચેપી કણો પ્રવેશ કરે છે. પ્રાયૉન બૅક્ટિરિયા કે વિષાણુ (virus)થી ભિન્ન વિશિષ્ટ પ્રકારના પ્રોટીનકણો છે. જે જીવન માટે હાનિકારક છે. સામાન્ય રીતે સ્વસ્થ પ્રાયૉન પ્રાણીના દેહમાં  બિનહાનિકારક સ્વરૂપે વિદ્યમાન હોય છે. પણ અજ્ઞાત કારણોથી તે વિષમય બની એવી પ્રતિક્રિયા કરવા લાગે છે જેથી શરીરના કોષોની સ્વાભાવિક ક્રિયામાં વિક્ષેપ ઊભો થાય છે. વિશેષ કરીને તે ચેતાતંત્રના કોષોનો નાશ કરીને પ્રાણીના જીવનને ભયમાં મૂકે છે. 1996ના માર્ચમાં બ્રિટનમાં વ્યાપેલા ગોવંશના મસ્તિષ્કરોગમાં પ્રાયૉન ચેપનો એટલો ઝડપી ફેલાવો થયો કે બ્રિટનના આરોગ્યતંત્રે ગભરાઈને થોડા જ સપ્તાહમાં 47 લાખથી વધારે ગાયોની હત્યાનો કાર્યક્રમ પતાવ્યો. દાકતર પ્રુસિનરે દસ વર્ષના કઠોર પરિશ્રમયુક્ત સંશોધનકાર્ય પછી એ સિદ્ધ કર્યું કે આ રોગનું મૂળ પ્રાયૉન છે, જે પ્રોટીન કણો છે અને મગજ ઉપર આક્રમણ કરીને રોગની સ્થિતિ ઉત્પન્ન કરે છે. તેમની આ શોધથી વર્તમાનકાળમાં વ્યાપક બનેલા બીજા એક રોગના ઉપચારમાં પણ સહાય થશે. અલઝાઇમર રોગ નામે ઓળખાતો આ રોગ મગજની સ્મૃતિપ્રક્રિયાનો નાશ કરે છે. તેમણે યુનિવર્સિટીમાં જીવરસાયણના અધ્યાપન સાથે સંશોધનનું કાર્ય ચાલુ રાખ્યું છે.

બંસીધર શુક્લ