પ્રૂસ્ત, માર્સેલ

February, 1999

પ્રૂસ્ત માર્સેલ (જ. 26 સપ્ટેમ્બર 1754, એંજર્સ, ફ્રાન્સ; અ. 5 જુલાઈ 1826, એંજર્સ) : ફ્રેંચ નવલકથાકાર. ફ્રેંચ કૅથલિક કુટુંબના પિતા અને શ્રીમંત યહૂદી કુટુંબનાં માતાનું સંતાન. પિતા ખ્યાતનામ દાક્તર. પ્રૂસ્ત ઉપર 1880માં પ્રથમ વાર અસ્થમાનો હુમલો થયો. ત્યારબાદ તે દર્દ જીવનભર તેમનો પીછો કરતું રહ્યું. બાળપણમાં પોતાની નાનીમા સાથે ઇલિયસૅ અને ઑટ્યુઇલ સ્થળોએ ગાળેલી રજાઓ વેળાની તે સ્થળોની સ્મૃતિ એટલી પ્રભાવિત કરતી રહી કે પાછળથી તેમની નવલકથાઓમાં આ સ્થળો કૉમ્બે તરીકે પ્રતિબિંબિત થયાં છે. પ્રૂસ્તે 1889–90 દરમિયાન ઑર્લિયન્સમાં લશ્કરમાં નોકરી કરી. 1893માં કાયદાનો અને 1895માં સાહિત્યનો અભ્યાસ કર્યો. અભ્યાસકાળ દરમિયાન તે જાણીતા ચિંતક હેન્રી બર્ગસાંની વિચારધારાના પરિચયમાં આવ્યા. ત્યાંના ‘લબૅકવેટ’ અને ‘લા રિવ્યૂ બ્લેન્શે’ સામયિકોમાં 1892–93 દરમિયાન પ્રસિદ્ધ થયેલી તેમની વાર્તાઓનો સંગ્રહ ‘પ્લેઝર્સ ઍન્ડ રિગ્રેટ્સ’ 1886(અંગ્રેજી અનુવાદ 1950)માં પ્રસિદ્ધ થયો, જેની પ્રસ્તાવના ઍન તોલ ફાન્સે લખી છે. 1895થી 1899 દરમિયાન પોતાની અધૂરી આત્મકથાલક્ષી નવલકથા ‘જ્યાં સાંત્યુઇલ’ આરંભી, જેમાં તેમની મેધાવી પ્રતિભાનો પરિચય થાય છે.

1899માં જૉન રસ્કિનની કલા-વિવેચનાના પરિચયમાં આવવાથી ‘જ્યાં સાંત્યુઇલ’ પડતી મૂકી. હવે પ્રકૃતિમાં નવીન સૌંદર્ય પામવાનો પ્રયાસ શરૂ થયો તથા જર્મન સ્થાપત્યમાં નવો રસ જાગ્યો. 1900ના મે માસમાં માતા સાથે વૅનિસની મુલાકાત લીધી, અને ફ્રાંસના દેવળો જોયાં. તે જ વર્ષમાં રસ્કિનના ગ્રંથો ‘બાઇબલ ઑવ્ એમિયેન્સ’ અને ‘સિસેમ ઍન્ડ લિલીઝ’નો અનુવાદ કર્યો.

પ્રૂસ્ત, માર્સેલ

1903માં પ્રૂસ્તના પિતાનું તથા 1905માં માતાનું નિધન થતાં જીવન વ્યથિત અને એકાકી બની ગયું. પણ બીજી બાજુ આર્થિક રીતે પ્રમાણમાં મોકળાશ મળી. આ ગાળા દરમિયાન તેમણે મહાન નવલકથા લખવાનો પ્રારંભ કર્યો જેનું નામ ‘લ એફેરે લેમાઇન’. તે નવલકથામાં પ્રૂસ્ત ઉપર ફ્લૉબેર, રેનન, સેઇન્ટ-સાઇમન અને બીજાં ફ્રેંચ લેખકોનો પ્રભાવ વર્તાય છે. તેમની કૃતિ ‘બાય વે ઑવ્ સેઇન્ટ બીવે’માં તેમણે કેટલાક ફ્રેંચ વિવેચકોના સાહિત્ય એટલે ‘કેળવાયેલ બુદ્ધિ દ્વારા નવરાશનો ઉપયોગ’ – તેવા મતનું ખંડન કર્યું, અને સાહિત્યકારનું–કલાકારનું કાર્ય તો મનુષ્ય ટેવવશ જેનાથી અસંપ્રજ્ઞાત રહે છે તે તેના અજાગ્રત મનમાં ઢબૂરાયેલા શાશ્વત વાસ્તવિકતાના વિશ્વના પ્રાકટ્યનું છે એવો સિદ્ધાંત રજૂ કર્યો.

1919માં ‘અ લૉમ્બ્રે ડિસ જ્યુન્સ ફિલ્સ અ ફ્લાવર્સ’ પ્રસિદ્ધ થઈ અને તેને ‘પ્રિક્સ ગૉનકોર્ટ’ ઍવૉર્ડ મળતાં પ્રૂસ્ત ખ્યાતનામ નવલકથાકાર તરીકે જાણીતા બન્યા.

પ્રૂસ્તની મહાન કૃતિ છે ‘રિમેમ્બ્રન્સ ઑવ્ થિંગ્ઝ પાસ્ટ’ (1913–27). 1909ના જાન્યુઆરીમાં ચા સાથે કેકનો સ્વાદ માણતાં એકાએક પ્રૂસ્તને બચપણની કોઈ સ્મૃતિ તાજી થઈ અને જેમ શાંત પાણીમાં પથ્થર પડતાં તરંગો વિસ્તરે તેમ તેનો વિસ્તાર થતો ગયો અને તેનું પરિણામ તે પ્રસ્તુત નવલકથા. ‘રિમેમ્બ્રન્સ ઑવ્ થિંગ્ઝ પાસ્ટ’નો નાયક બરાબર પ્રૂસ્તના જેવો છે – વ્યસની, સંવેદનશીલ અને અસ્થમાનો દર્દી, પણ તે અર્ધ-યહૂદી નથી અને સજાતીય વૃત્તિ ધરાવતો નથી. આ  નવલકથામાં પ્રૂસ્તના સમયના પૅરિસના સમાજના મહત્વના લોકોનું અને તેમનાં રસ-રુચિનું દર્શન થાય છે. આ નવલકથામાંનું કોઈ પણ પાત્ર વાસ્તવમાં કોઈ એક વ્યક્તિ નથી. મનુષ્યનો ભૂતકાળ મનુષ્યની અંદર જીવતો હોય છે અને માણસે માત્ર તેની ખોજ કરવાની જરૂર હોય છે. આ સત્ય આ નવલકથામાં રજૂ થાય છે. પ્રૂસ્તનો પ્રયાસ વ્યથાપૂર્ણ જીવનનું કલાના માધ્યમ દ્વારા પૂર્ણત્વ શોધવાનો રહ્યો છે. પોતે જ્યારે મૃત્યુને બિછાને હતા ત્યારે પોતાની નવલકથામાં આવતા નવલકથાકારના મૃત્યુનું વર્ણન મઠારીને પૂર્ણ કરવા પ્રયાસ કર્યો હતો. ‘રિમેમ્બ્રન્સ’માં પ્રૂસ્ત પોતાના જીવનની સત્યખોજની વાત જાણે રજૂ કરી રહ્યા છે. કલામાં તેમણે પોતાની અસ્મિતાનાં દર્શન કર્યાં છે. ફ્લૉબેરની માફક પ્રૂસ્ત પણ માનતા હતા કે કલા જ વાસ્તવિક વિશ્વ છે. તેમને મતે કલ્પના વાસ્તવથી ચડિયાતી છે, કારણ કે તેમાં શાશ્વત પ્રકૃતિનું નિરૂપણ છે.

પ્રૂસ્તના 3000 જેટલા પત્રો પ્રસિદ્ધ થયેલા છે, જે અસ્તિત્વના પ્રત્યાયનના ઉત્તમ નમૂના હોવા ઉપરાંત શૈલી અને વિચારની ઉદાત્તતાની ર્દષ્ટિએ પણ ઉત્કૃષ્ટ છે.

પંકજ જ. સોની