પ્રુશન બ્લૂ (ફેરિક ફેરોસાયનાઇડ/ચાઇનીઝ બ્લૂ) : તાંબા જેવી ચમક ધરાવતો ઘેરા વાદળી રંગનો ઘન પદાર્થ. સૂત્ર : Fe4[Fe(CN)6]3 (ફેરિક ફૅરોસાઇનાઇડ). તે અનેક રીતે બનાવી શકાય છે પણ મોટા પાયા ઉપર તેને બનાવવા માટે ફેરસ સલ્ફેટ તથા પોટૅશિયમ ફેરોસાયનાઇડને મિશ્ર કરીને ઑક્સિજન સાથે તેની પ્રક્રિયા કરવામાં આવે છે. પ્રુશન બ્લૂ પાણીમાં અદ્રાવ્ય છે તથા અસ્ફટિકમય ભૂકા રૂપે મળે છે. આલ્કલી વડે તેનું વિભાજન થાય છે.
જર્મનીમાં અઢારમા સૈકાની શરૂઆતમાં આ સંયોજન બનાવવામાં આવેલું અને તેના ઉપરથી ‘પ્રુશન’ તરીકે ઓળખાતાં બીજા અનેક રંગકો અસ્તિત્વમાં આવ્યા છે. તૈલ-ચિત્રકામમાં વપરાતા એક રંગને પણ ‘પ્રુશન બ્લૂ’ કહે છે. અગાઉ પ્રુશન બ્લૂનો ઉપયોગ ધોબીની ગળી તરીકે, રંગક (paints) તથા વાદળી શાહી બનાવવામાં થતો; પરંતુ હવે તેની જગ્યાએ એનિલિન વ્યુત્પન્નો વપરાય છે.
જ. પો. ત્રિવેદી