પ્રિરફાયેલાઇટ બ્રધરહુડ ચિત્રકળા

February, 1999

‘પ્રિરફાયેલાઇટ બ્રધરહુડ’ ચિત્રકળા : 1848માં બ્રિટનમાં ઉદભવેલી અને ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં પાંગરેલી ચિત્રશૈલી. ઓગણીસમી સદીની મધ્યમાં સ્થાપિત મૂલ્યો અને સ્વીકૃત પ્રણાલીઓ સામે તેણે ક્રાંતિકારી વાતાવરણ ફેલાવ્યું. તેના સ્થાપકો ત્રણ પ્રખર વિચારકો અને ચિત્રકારો હતા : દાન્તે ગૅબ્રિયલ રૉઝેતી, વિલિયમ હૉલ્માન હન્ટ અને જૉન એવરેટ મિલે. પાછળથી તેમાં ટૉમસ વૂલ્નર, બર્ન જૉન્સ, વૉટરહાઉસ, હ્યુજીસ તથા રૉઝેતીનો ભાઈ પણ જોડાયા.

આ ઝુંબેશના ત્રણે સ્થાપક-કલાકારો સાહિત્યજગત સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હોવાથી સ્વાભાવિક રીતે જ તેમણે સાહિત્ય સાથે ચિત્રકળાનો નાતો બાંધવાનો પ્રયત્ન કર્યો. મૂળ ઇટાલિયન ખાનદાનનો રોઝેતી તો મોટો કવિ પણ હતો. બ્રિટનના પ્રખ્યાત વિચારક અને કલાવિવેચક જૉન રસ્કિનનો આ ઝુંબેશને પૂરો ટેકો હતો; પરંતુ તત્કાલીન અખબારોનું પીઠબળ અને રાજ્યાશ્રય પામેલી કળાની મોટી સંસ્થા ‘રૉયલ એકૅડેમી ઑવ્ આર્ટ’ દ્વારા તેની પર અને તેના કળાકારો પર આકરા અને વેધક પ્રહારો કરવામાં આવ્યા. તેમાં રિનેસાંસ યુગના નિર્વિવાદ રીતે મહાન ચિત્રકાર રફાયેલનું નામ વગોવવાનો આક્ષેપ મુખ્ય હતો. તીવ્ર વિરોધના વાતાવરણમાં પ્રિરફાયેલાઇટ ચિત્રકારોએ ઘણું ઝૂઝવું પડ્યું, બહિષ્કાર વેઠ્યો અને લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો. હકીકતમાં રફાયેલ અગાઉની રિનેસાંસ ચિત્રકલાની સાદગી, સંયમ અને શુદ્ધિને પુનર્જીવિત કરવાનું ધ્યેય આ ‘પ્રિરફાયેલાઇટ બ્રધરહુડ’ ઝુંબેશ સિદ્ધ કરવા માંગતી હતી, જે તેણે કર્યું પણ ખરું. તેના ચિત્રકારો સમકાલીન રૂઢ અને ચવાયેલી કળાનો બહિષ્કાર કરી પૂરી ચોકસાઈથી ઝીણવટભરી વિગતોનું આલેખન કરતા. સફેદ સપાટી પર આછા, નાજુક સૌમ્ય રંગો પૂરી રંગોની શુદ્ધતા જાળવતા તથા રેખાના લયવળાંક પણ ઉપસાવતા. ખ્રિસ્તી ધર્મ સંબંધી અને પ્રાચીન ગ્રેકોરોમન કથાઓના પ્રસંગોનું આલેખન કરતાં તેમનાં સુસ્પષ્ટ ચિત્રો બીજાંઓની ઠેકડીનો વિષય બન્યાં. રફાયેલથી શરૂ થયેલાં કળાનાં કેટલાંક સંકુલ લક્ષણો ફગાવી દેવામાં આવ્યાં.

આ વલણને કારણે ‘પ્રિરફાયેલાઇટ બ્રધરહુડ’ની ચિત્રકળા વીસમી સદીના આરંભે વિયેના ખાતે શરૂ થયેલ ‘આર્ટ નૂવો’ ઝુંબેશ અને તેના ક્લિમ્ટ તથા મૂચા જેવા ચિત્રકારો સાથે સામ્ય ધરાવે છે.

અમિતાભ મડિયા