પ્રિન્સ ઑવ્ વેલ્સ મ્યુઝિયમ ઑવ્ વેસ્ટર્ન ઇન્ડિયા, મુંબઈ (છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય): પ્રિન્સ ઑવ્ વેલ્સ(જ્યૉર્જ પાંચમા)ની 1905ની મુંબઈ મુલાકાતના કાયમી સંભારણારૂપ સાર્વજનિક સંગ્રહાલય. મુંબઈ યુનિવર્સિટી અને ગેટવે ઑવ્ ઇન્ડિયા વચ્ચેના કાલાઘોડા વિસ્તારમાં તે આવેલું છે.
1892માં સંગ્રહાલય સ્થાપવા અંગે ઠરાવ થયેલો. તે ઊભું કરવા પાછળ મૂળ આશય દેશના હુન્નર-ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો અને વિવિધ કલાકૃતિઓને લોકો સમક્ષ પ્રદર્શિત કરવાનો હતો. સરકાર, મ્યુનિસિપાલિટી અને ધ રૉયલ વિઝિટ ફંડ કમિટી દ્વારા ફંડ એકઠું થયું. એ ફંડમાં અમુક શ્રીમંત વ્યક્તિઓનો ફાળો માતબર રકમનો હતો. 1914માં સંગ્રહાલયની વિશાળ ઇમારતની ડિઝાઇન ડબલ્યૂ. જી. વિટેટ દ્વારા તૈયાર કરવામાં આવી. તે ઇમારતની રચના પછી કેટલાંક વરસો સુધી તેનો ઉપયોગ લશ્કરી હૉસ્પિટલ માટે અને બાળકોના કલ્યાણાર્થે પ્રદર્શન યોજવામાં થતો રહ્યો. 1921માં આ મકાનમાં સંગ્રહાલયનું આયોજન થયું અને તે લોકો માટે ખુલ્લું મુકાયું. એમાં મુખ્ય ત્રણ વિભાગો રાખવામાં આવ્યા : (1) કળા, (2) પુરાતત્ત્વ અને (3) પ્રાકૃતિક ઇતિહાસ. એ પછી સંગ્રહની સંખ્યા વધતાં, 1938માં મૂળ ઇમારતનું વિસ્તૃતીકરણ કરાયું.
સ્થાપત્યની ર્દષ્ટિએ પ્રિન્સ ઑવ્ વેલ્સ સંગ્રહાલય મહત્વનું છે. આવા સ્થાપત્યમાં બ્રિટિશ સ્થપતિનું મુઘલ સ્થાપત્ય પરત્વેનું અર્થઘટન પ્રગટ થાય છે. અર્થાત્ આના મુઘલ સ્થાપત્યમાં બ્રિટિશ અસર જોવા મળે છે. આ પ્રકારનું સ્થાપત્ય બ્રિટિશ શાસનકાળ દરમિયાન ભારતમાં થયેલી ઇમારતોમાં જોવા મળે છે, જેને ઇન્ડો-સારાસેનિક સ્થાપત્યશૈલી કહે છે.
આ સંગ્રહાલયનો સમૃદ્ધ કલાવારસો સર રતન ટાટા, સર દોરાબ ટાટા, સર અકબર હૈદરી તથા કાર્લ ખંડાલવાલા જેવી વ્યક્તિઓના અંગત સંગ્રહને તથા પ્રાંતીય સરકારના સ્કૂલ ઑવ્ આર્ટના સંગ્રહને આભારી છે. આ ઉપરાંત પુણે સંગ્રહાલય બંધ પડી ગયા પછી ત્યાંનાં શિલ્પો અને સિક્કાઓ પણ અહીં લવાયાં. વળી રૉયલ એશિયાટિક સોસાયટીની મુંબઈ શાખા દ્વારા પણ મૂલ્યવાન શિલ્પો અને ઉત્કીર્ણ શિલાલેખો મળ્યાં; મુંબઈ નૅચરલ હિસ્ટરી સોસાયટીએ પણ પુરાતત્વીય અને પ્રાકૃતિક ઇતિહાસ વિભાગની યોજનામાં મદદ કરી.
કલાવિભાગમાં ભારતીય તથા યુરોપીય ચિત્રોનો મૂલ્યવાન સંગ્રહ છે. રત્નજડિત કલાકૃતિઓ, જાપાન અને ચીનનાં ચિનાઈ માટી અને કાચનાં વિવિધ પાત્રો અને અન્ય કૃતિઓ; હાથીદાંત, કાષ્ઠ અને ચાંદીની કોતરણીના ઉત્કૃષ્ટ નમૂનાઓ તથા ભારતીય ઘરેણાં અને ચાંદીના જડાઉકામની ચીજવસ્તુઓનો વિશાળ સંગ્રહ અહીં પ્રદર્શિત થયેલો છે.
ભારતીય લઘુચિત્રોના અદભુત સંગ્રહમાં અગિયારથી સત્તરમી સદીનાં ભોજપત્રોથી માંડીને ઓગણીસમી સદીનાં પહાડી ચિત્રોનો પણ સમાવેશ થાય છે. આ સમગ્ર સંગ્રહ ભારતમાં લઘુચિત્રોના વિકાસ-તબક્કાઓ સૂચવે છે. અહીં પ્રદર્શિત લઘુચિત્રો મુખ્યત્વે મુઘલ, રાજસ્થાની, દક્ષિણી, કિશનગઢ, કાંગરા (ઓગણીસમી સદી), ગઢવાલ (અઢારમી સદી), બુંદી (અઢારમી સદી), ગુલેર, પહાડી વગેરે ચિત્રશૈલીઓનું વૈવિધ્ય ધરાવે છે. અહીં બાર મહિના–ઋતુઓ દર્શાવતાં ચિત્રો, રાગમાલા-ચિત્રો; પ્રાણી, પક્ષી, ફૂલો, તહેવારો, કૃષ્ણલીલા તથા ગીતગોવિંદને લગતાં ચિત્રોનો સુંદર સંગ્રહ છે. વળી સલ્તનતકાળ અને મુઘલકાળના રાજાઓનાં વ્યક્તિચિત્રો, બાબરનામા અને અનવરે સુહાલી(1575)ને વર્ણવતાં લઘુચિત્રોનો મૂલ્યવાન સંગ્રહ અહીં છે. પશ્ચિમ ભારતની પંદરમી સદીની કાલકાચાર્યકથા અને કલ્પસૂત્રની ચિત્રિત હસ્તપ્રતો પણ અહીં છે. યુરોપીય ચિત્રવીથિકામાં યુરોપના ઓછા જાણીતા કલાકારોનાં વિશાળ કદનાં ચિત્રો છે જેમાં એક કોન્સ્ટેબલનું પ્રકૃતિચિત્ર છે.
કળા અને હસ્તઉદ્યોગને લગતા વિભાગમાં સોના-ચાંદી અને કીમતી પથ્થરોનાં ભારતમાં બનાવાયેલાં કલાત્મક ઘરેણાં છે, જે ઓગણીસમી સદીની સુંદર કારીગરી દર્શાવે છે. હાથીદાંત, કાષ્ઠ અને ચાંદીની કોતરણીવાળી વિવિધ કલાત્મક વસ્તુઓનો બહુમૂલો સંગ્રહ પણ અહીં છે. ભારતની ધાતુકળા દર્શાવતા ધાતુ-મૂર્તિના વિશિષ્ટ સંગ્રહ ઉપરાંત ભારત અને બીજા દેશોનાં શસ્ત્રોનો પણ વિશાળ સંગ્રહ છે. વિવિધ કલાત્મક રત્નજડિત હાથાઓવાળી મુઘલ અને મરાઠાકાલીન તલવારો, ખંજરો, ભાલા, અંગ્રેજકાળની બંદૂકો, બખ્તર, ઢાલ વગેરે ઉપરાંત શિવાજીની તલવાર અને બખ્તર આ શસ્ત્રાગારનાં મુખ્ય આકર્ષણ છે.
હાથવણાટના કાપડના વિભાગમાં ભારતના જુદા જુદા પ્રાંતોની ખાસિયતવાળા કાપડનો સંગ્રહ છે, જેમાં કાશ્મીરી શાલ, પંજાબનું ફૂલકારીકામ, ગુજરાતનું ભરતકામ, કલકત્તાની બાલુચી સાડી, પુણેની પૈઠણી વગેરે ઉલ્લેખનીય છે.
નેપાળ અને તિબેટ-વીથિકાનો સમગ્ર સંગ્રહ તાતા કુટુંબ દ્વારા મળેલો છે. થાંકા ચિત્રો (thanka painting) અને ભૌમિતિક મંડળમાં બૌદ્ધ ધર્મના ઉદગમ સંબંધી લઘુઆકૃતિઓ અને ચિહ્નો છે. તારા, વજ્રધારા, નેપાળના અવલોકિતેશ્વર જેવાની ધાતુમૂર્તિઓનો પણ વિશાળ સંગ્રહ છે. હાથીદાંતમાંથી કોતરેલી જાપાનની કલાકૃતિઓ, પૌરસ્ત્ય ચિત્રકામવાળાં ચિનાઈ માટી તથા કાચનાં પાત્રો, ફૂલદાનીઓ વગેરે અહીં જોવા મળે છે.
પુરાવસ્તુ વિભાગમાં હડપ્પા અને મોહેં-જો-દડોના પુરાવાશેષો ખાસ નોંધપાત્ર છે. પ્રાગૈતિહાસિક પાષાણયુગોનાં ઓજારોના નમૂના ઉપરાંત તત્કાલીન માટીનાં વાસણો, રમકડાં, મૂર્તિઓ ને ઘરેણાં પણ છે. શિલ્પકૃતિઓમાં ગાંધાર અને અમરાવતી શૈલીની કૃતિઓ, મીરપુર ખાસ(સિંધ)ના સ્તૂપના અવશેષ અને મહારાષ્ટ્ર કર્ણાટકની પ્રાચીન પ્રતિમાઓ નોંધપાત્ર છે. ઈ. પૂ. ત્રીજી સદીથી મુઘલકાળના અંત સુધીના સોના, ચાંદી અને તાંબાના વીસેક હજાર ઉપરાંત સિક્કા અહીં છે. વળી અભિલેખોમાં પ્રાચીન શિલાલેખો તથા મૈત્રક તામ્રપત્રો મહત્વનાં છે. વિદેશી પુરાવશેષોમાં સોમાલીલૅન્ડ (પૂર્વ આફ્રિકા), ઇજિપ્ત અને સુસા(ઈરાન)ના સાંસ્કૃતિક અવશેષો છે. ગ્રીક-રોમન અસરવાળી ગાંધારશૈલીના બોધિસત્વની મૂર્તિ, કર્ણાટકના ચાલુક્ય સમયના મંદિરની છતના એક ભાગે ઉમા-મહેશ્વરની ચિત્રપટ્ટી, અઈહોળની બ્રહ્માની ચિત્રપટ્ટી, શેષશાયી વિષ્ણુનું શિલ્પ તથા રાષ્ટ્રકૂટ, ગુપ્તકાળ અને ચાલુક્યકાળનાં અન્ય અનેક શિલ્પો અહીં પ્રદર્શિત છે.
પ્રાકૃતિક ઇતિહાસ વિભાગમાં પશુઓ, પંખીઓ, સરીસૃપો અને મત્સ્યોની વિવિધ જાતો રાખવામાં આવી છે. દરેક પ્રાણી અને પક્ષી સાથે તેના અંગેની આવશ્યક માહિતી પણ આપવામાં આવી છે.
પ્રિન્સ ઑવ્ વેલ્સ સંગ્રહાલયનો મૂળભૂત હેતુ તેને માત્ર દર્શનીય સ્થળ ન બનાવતાં શૈક્ષણિક કેન્દ્ર બનાવવાનો છે. તેથી અહીં જુદી જુદી કાર્યશાળાઓ, શૈક્ષણિક કાર્યક્રમો, કલાકીય પ્રદર્શનો અને સ્પર્ધાઓ વગેરે વખતોવખત યોજવામાં આવે છે.
આ રીતે આ સંગ્રહાલય ભૂતકાળ અને વર્તમાનકાળને જોડતી કડી જ નહિ, પરંતુ ભારતીય કલાસંસ્કૃતિનો સાક્ષાત્કાર કરાવતું શિક્ષણનું કેન્દ્ર પણ છે. આ સંગ્રહાલય દ્વારા થયેલા સંશોધનને લગતા લેખો નિયમિત રીતે પ્રસિદ્ધ થતા રહે છે. કળાનાં ઇતિહાસ અને પુરાતત્વવિદ્યાને ઉત્તેજન આપવા આ સંગ્રહાલય દ્વારા જે સંશોધનસંસ્થા શરૂ કરાઈ છે તે મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે.
સામાન્ય મુલાકાતીઓેને ધ્યાનમાં રાખી તેઓને દર્શનલાભ સાથે જ્ઞાનલાભ થાય એવી આ સંગ્રહની પ્રદર્શન-વ્યવસ્થા ઉલ્લેખનીય છે.
સોનલ મણિયાર