પ્રાર્થના : દરરોજ ઈશ્વરની સ્તુતિ કરીને મનુષ્ય ઈશ્વર પાસેથી કશુંક માગે તે. જગતના બધા ધર્મોમાં એક યા બીજા સ્વરૂપમાં પ્રાર્થનાનો સ્વીકાર કરવામાં આવેલો છે. પ્રાર્થના શબ્દ સંસ્કૃત ઉપસર્ગ प्र + अर्थ् ધાતુમાંથી બન્યો છે. પ્રાર્થના એટલે માગવું, ઇચ્છા કરવી, વિનંતી કરવી. આપણો સામાન્ય ખ્યાલ એવો છે કે પ્રાર્થના ધન, સંપત્તિ, આયુષ્ય, બળ, પ્રતિષ્ઠા અને દુ:ખમુક્તિ માટે કરી શકાય. સામાન્યત: આ ખ્યાલ ખોટો નથી; પરંતુ તે સ્વાર્થપ્રેરિત ખ્યાલ છે. સાચી પ્રાર્થના નિ:સ્વાર્થ જ કરી શકાય. નિ:સ્વાર્થ પ્રાર્થના મનુષ્ય માટે પારમાર્થિક ધર્મનું સાચું અંગ છે.
પ્રાર્થનાનો સંબંધ બુદ્ધિ કરતાં હૃદય સાથે વિશેષ છે. પ્રાર્થના મનુષ્યને મળેલી અણમોલ ભેટ છે. પ્રાર્થના દ્વારા ચિત્તશુદ્ધિ-હૃદયશુદ્ધિ થાય છે. પ્રાર્થના કરવાનો અધિકાર સૌને છે. આમ છતાં જે મનુષ્ય પોતાની જાતને, પડોશીને, સમાજને, રાષ્ટ્રને અને સમગ્ર વિશ્વને ચાહી શકે તેનો તે સવિશેષ અધિકાર છે. જીવનમાં પ્રેમ અને કરુણાની ભાવના કેળવ્યા વિના પ્રાર્થના થઈ શકતી નથી. બધા જીવો સાથે આત્મૌપમ્યની ભાવના કેળવ્યા વિના પ્રાર્થના કરી શકાતી નથી. કવિ કૉલરિજે પોતાના એક કાવ્યમાં આ ભાવના વ્યક્ત કરતાં કહ્યું છે –
He prayeth best, who loveth best.
એટલે કે જે ઉત્તમ રીતે ચાહી શકે છે તે જ ઉત્તમ રીતે પ્રાર્થના કરી શકે છે. આમ પ્રાર્થના એટલે આત્માનો પરિમલ, મનુષ્યજીવનની અમૃતસંજીવની. વિભિન્ન ધર્મો પ્રાર્થનાને અનિવાર્ય ગણે છે. પોતે કરેલાં પાપો બદલ ઈશ્વર માફી આપે; પોતે સદાચારી બને. પોતાનું શારીરિક, આધ્યાત્મિક અને માનસિક કલ્યાણ થાય, પોતાને જ્ઞાન પ્રાપ્ત થાય; પોતાને સ્વાસ્થ્ય અને દીર્ઘ આયુષ્ય મળે; પોતાનાં દુ:ખો દૂર થઈ સુખ મળે; પોતે કપટ વગરનું, પરોપકારી, પવિત્ર જીવન ગુજારી શકે; પોતાને પ્રભુની કૃપા અને પ્રેમ તથા ભક્તિ મળે; પોતાને બળ, સંયમ અને રક્ષણ પ્રાપ્ત થાય; પોતાને શ્રદ્ધા અને સન્માર્ગ મળે અને અંતે પોતા થકી સર્વ મનુષ્યોને પણ સુખ, આરોગ્ય અને કલ્યાણની ઉપલબ્ધિ થાય એવી ઈશ્વર-પ્રાર્થનાઓ તમામ ધર્મોમાં છે. પ્રાર્થનાનો પ્રભાવ બધા ધર્મોએ સ્વીકાર્યો છે અને પ્રત્યેક ધર્મ પ્રાર્થનાની ચોક્કસ વિધિ પણ વર્ણવે છે. અનેક ધર્મના અનેક સંતોએ પ્રાર્થનાનો ઉપયોગ કર્યો છે. પ્રાર્થનાને આત્માનો ખોરાક માનતા ગાંધીજીનો પણ પ્રાર્થના દ્વારા આત્મશુદ્ધિ-જીવનશુદ્ધિ અને સમાજશુદ્ધિ કરવાનો શ્રદ્ધાપૂત અભિગમ ધ્યાનાર્હ છે. આધુનિક ચિકિત્સા-પદ્ધતિઓમાં પણ પ્રાર્થનાનો એક પદ્ધતિ તરીકે સ્વીકાર થયો છે.
ચીનુભાઈ નાયક