પ્રાર્થનાસમાજ : એક સમાજસુધારક સંસ્થા. આ સંસ્થાની સ્થાપના મુંબઈ મુકામે 31 માર્ચ 1867ના રોજ થઈ હતી. તેના સ્થાપક ડૉ. આત્મારામ પાંડુરંગ હતા. બીજા વર્ષે રામકૃષ્ણ ગોપાલ ભાંડારકર, મહાદેવ ગોવિંદ રાનડે અને ચંદાવરકર તેના મુખ્ય નેતાઓ બનવાથી સંસ્થાને બળ મળ્યું. પ્રાર્થનાસમાજ નાત-જાતના ભેદભાવ દૂર કરવા અને હિંદુ સમાજની અનેક કુરૂઢિઓ નાબૂદ કરવાનો ઉદ્દેશ ધરાવતી હતી. પ્રાર્થનાસમાજના મહારાષ્ટ્રી નેતાઓ હિંદુ ધર્મ અને તેની કુપ્રથાઓેને સુધારવાના હિમાયતી હતા, પરંતુ તેઓ ભારતની પ્રાચીન પરંપરાને છોડી દેવાના પક્ષમાં નહોતા. તેથી તેના નેતાઓએ હિંદુ સમાજના અંગભૂત રહેવું પસંદ કર્યું. પ્રાર્થનાસમાજને પોતાના કાર્યમાં મહારાષ્ટ્રમાં ઘણી સફળતા મળી. તેનું મુખ્ય શ્રેય ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડેને ફાળે જાય છે. તેઓ પ્રાર્થનાસમાજ દ્વારા હિંદુ ધર્મ અને સમાજનું નિર્મળ સ્વરૂપ લોકો સમક્ષ રજૂ કરવાના હિમાયતી હતા. ધાર્મિક ક્ષેત્રે પ્રાર્થનાસમાજ એકેશ્વરવાદનો સમર્થક હતો. પ્રાર્થનાસમાજીઓ ઈશ્વરના નિરાકાર રૂપને માનતા હતા તેઓ ભક્તિમાર્ગી સગુણોપાસક અને અદ્વૈતવાદી હતા. તેમના સ્વીકૃત નીતિ-સિદ્ધાંતોમાં (1) વિવેકપૂર્વક ઉપાસના કરવી, (2) જાતિ-પ્રથાનો અસ્વીકાર કરવો, (3) વિધવા-વિવાહનો પ્રચાર કરવો, (4) સ્ત્રી-શિક્ષણને પ્રોત્સાહન આપવું, (5) બાળલગ્નનો બહિષ્કાર કરવો અને (6) અન્ય સામાજિક સુધારા કરવા વગેરે બાબતોનો સમાવેશ થતો હતો. રાનડેની પ્રાર્થનાસમાજને સર્વજનગ્રાહ્ય બનાવવાની આકાંક્ષા હતી. એમાં શિક્ષિત-અશિક્ષિત, નાના-મોટા, ઊંચા-નીચા ગણાતા બધા લોકોનો સમાનપણે પ્રવેશ થાય એવું તેઓ ઇચ્છતા હતા. પોતાના સિદ્ધાંતોનો પ્રચાર કરવા પ્રાર્થનાસમાજે અનેક વિધવાશ્રમો, અનાથાલયો અને કન્યાવિદ્યાલયોની સ્થાપના કરી. સમાજ તરફથી ‘સુબોધપત્રિકા’ કાઢવામાં આવી, જેમાં સમાજસુધારાને લગતા અનેક લેખો પ્રગટ થતા હતા. પ્રાર્થનાસમાજની શાખાઓ પુણે, અમદાવાદ, અહમદનગર, સતારા વગેરે સ્થળોએ સ્થાપવામાં આવી હતી. પ્રાર્થનાસમાજનો પ્રભાવ માત્ર બુદ્ધિશાળી વર્ગ પૂરતો મર્યાદિત રહ્યો હતો. તેની પ્રવૃત્તિઓમાં સાપ્તાહિક પ્રાર્થના, સંગત સભા, વાર્ષિક દિનની ઉજવણી અને સુબોધપત્રિકાના પ્રકાશનનો સમાવેશ થતો હતો. પ્રાર્થનાસમાજે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ અને વીસમી સદીના પ્રથમ ચરણમાં મહારાષ્ટ્રમાં હિંદુ સમાજમાં જાગૃતિ આણવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. ગુજરાતમાં પ્રાર્થનાસમાજની સ્થાપના અમદાવાદમાં તા. 17-12-1871ના રોજ ભોળાનાથ સારાભાઈ(1822–1886)એ કરી અને તેઓ એના પહેલા પ્રમુખ થયા. આ પ્રવૃત્તિમાં તેમને રણછોડલાલ છોટાલાલ અને મહીપતરામ રૂપરામ જેવા સુધારકોનો સાથ મળ્યો. પ્રાર્થનાસમાજનું સ્વતંત્ર મકાન 1876માં બંધાયું. ભોળાનાથે સુરત, ખેડા, પેટલાદ, માતર, ભરૂચ વગેરે સ્થળોએ એની શાખાઓ સ્થાપી. તેમના પછી મહીપતરામ રૂપરામ પ્રમુખ થયા. તેમણે ‘જ્ઞાનસુધા’ નામનું ચોપાનિયું શરૂ કર્યું, જે શરૂઆતમાં સાપ્તાહિક અને પાછળથી માસિક બન્યું. હવે વડોદરા, સોજિત્રા તેમજ અંકલેશ્વરમાં પણ પ્રાર્થનાસમાજની પ્રવૃત્તિઓ મર્યાદિત પ્રમાણમાં વિસ્તરી. મહીપતરામના અવસાન (1891) પછી તેમના પુત્ર સુધારક રમણભાઈ નીલકંઠ આ પ્રવૃત્તિના સૂત્રધાર થયા. તેમણે ‘જ્ઞાનસુધા’ દ્વારા વિધવાવિવાહને પ્રોત્સાહન અને જ્ઞાતિભેદ દૂર કરવા જેવી સુધારાત્મક અને એકેશ્વરવાદની સમજ ફેલાવતા લેખો લખવા માંડ્યા. સનાતન ધર્મીઓની રૂઢિચુસ્તતા ઉપર સબળ પ્રહાર કરવા તેમણે લખેલ હાસ્યનવલ ‘ભદ્રંભદ્ર’ પણ આ પ્રવૃત્તિનો જ પરિપાક છે.

પ્રવીણચંદ્ર પરીખ